13 - Ar-Ra'd ()

|

(1) ૧) અલિફ-લામ-મિમ-રૉ. આ અલ્ કિતાબની આયતો છે અને જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે, તે તદ્દન સાચું છે, પરંતુ ઘણા લોકો આ વાત પર ઇમાન નથી લાવતા.

(2) ૨) અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે તમે તેને જોઇ શકો પછી તે અર્શ પર બિરાજમાન છે, તેણે સૂર્ય અને ચંદ્રને (એક ખાસ કાનૂન માટે) નિયમિત કરી રાખ્યા છે, (આ વ્યવસ્થાની) દરેક વસ્તુઓ નક્કી કરેલ સમય સુધી ચાલી રહી છે, તે જ સૃષ્ટિના કાર્યોની વ્યવસ્થા કરે છે, તે સ્પષ્ટ રીતે પોતાની નિશાનીઓનું વર્ણન કરી રહ્યો છે કે તમે પોતાના પાલનહારની મુલાકાતને સાચી જાણો.

(3) ૩) તેણે જ ધરતીને ફેલાવીને પાથરી દીધી છે અને તેમાં પર્વત અને નહેરોનું સર્જન કરી દીધું છે અને તેમાં દરેક પ્રકારના ફળોની બે-બે જોડ બનાવી, તે દિવસને રાત વડે છૂપાવી દે છે, નિ:શંક ચિંતન-મનન કરનારાઓ માટે આમાં ઘણી જ નિશાનીઓ છે.

(4) ૪) અને ધરતીમાં વિવિધ પ્રકારના ભાગ એકબીજા સાથે જોડાયેલ છે અને (તેમાં) દ્રાક્ષના બગીચાઓ છે અને ખેતરો અને ખજૂરીના વૃક્ષો છે, કેટલાકના મૂળીયા ઝમીન સાથે ભેગા હોય છે અને કેટલાક ભેગા નથી હોતા, સૌને એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, તો પણ સ્વાદમાં અમે કોઈ ફળને સ્વાદીષ્ટ બનાવી દઈએ છીએ અને (કોઈ ફળને સ્વાદીષ્ટહિન). આમાં પણ બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.

(5) ૫) જો તમને આશ્વર્ય થતું હોય, તો આના કરતા પણ વધારે આશ્વર્યજનક વાત તે લોકોની છે જેઓ કહે છે કે અમે માટી બની જઇશું, તો અમારું ફરી વખત નવેસરથી સર્જન કરવામાં આવશે? આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આ જ તે લોકો છે, જેમના ગળાઓમાં તોક (બેડીઓ) હશે અને આ જ લોકો જહન્નમમાં રહેનારા છે જેમાં તેઓ હંમેશા રહેશે.

(6) ૬) આ લોકો ભલાઇથી પહેલા બુરાઇ માટે ઉતાવળ કરી રહ્યા છે, ખરેખર (તેમના જેવા લોકો પર અઝાબ આવી ગયો છે તે બાબતે) ઘણા કિસ્સાઓનું વર્ણન થઈ ગયું છે, અને ખરેખર તમારો પાલનહાર લોકોના ઝુલ્મ કરવા છતાંય માફ કરનાર છે, અને આ પણ ચોક્કસ વાત છે કે તમારો પાલનહાર ઘણી જ સખત સજા આપનાર પણ છે.

(7) ૭) કાફિર લોકો કહે છે કે, આ (નબી) પર તેના પાલનહાર તરફથી કોઈ નિશાની ઉતારવામાં કેમ ન આવી, (હે નબી તમે એ વાતની ચિંતા ના કરશો) તમે તો ફક્ત સચેત કરનારા છો અને દરેક કોમ માટે સત્ય માર્ગદર્શન આપનાર થઈ ગયો છે.

(8) ૮) અલ્લાહ તો તે છે, દરેક માદા પોતાના પેટમાં જે કંઈ પણ રાખે છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે અને જે કઈ તેમના પેટમાં ઘટાડો-વધારો થાય છે તેને પણ જાણે છે, અને તેની પાસે દરેક વસ્તુ પ્રમાણસર છે.

(9) ૯) છૂપી અને જાહેર દરેક વાતોને તે જાણે છે, (બધા કરતા) મોટો અને (બધા કરતા) ઉચ અને પ્રતિષ્ઠિત છે.

(10) ૧૦) જો તમારા માંથી કોઈ પોતાની વાત છુપાવીને કહે અથવા ઊંચા અવાજે કહે તે તેના માટે બરાબર છે, એવી જ રીતે જો કોઈ રાતનાં (અંધારામાં) છુપું હોય અને જે દિવસમાં ચાલી રહ્યું હોય, બધું જ અલ્લાહ માટે સરખું છે.

(11) ૧૧) દરેક માનવીની આગળ-પાછળ અલ્લાહે નક્કી કરેલ નિરિક્ષકો હોય છે, જે અલ્લાહના આદેશથી તેમની હિફાજત કરે છે, કોઈ કોમની (સારી) સ્થિતિ અલ્લાહ તઆલા ત્યાં સુધી નથી બદલતો, જ્યાં સુધી કે તે પોતે પોતાના ગુણો બદલી ન નાખે, અને જ્યારે અલ્લાહ તઆલા કોઈ કોમને મુસીબત આપવાનો નિશ્વય કરી લે છે, તો તે પોતાનો નિર્ણય બદલતો નથી અને ન તો તેના વિરુદ્ધ તે કોમની કોઈ મદદ કરી શકે છે.

(12) ૧૨) તે અલ્લાહ જ છે, જે તેમને વીજળી દેખાડે છે, જેના પ્રકાશથી તમે ડરો પણ છો અને આશા પણ રાખો છો, અને તે જ (પાણીથી) ભારે વાદળોને ઉઠાવે છે.

(13) ૧૩) (વાદળની) ગર્જના, તેના નામનું સ્મરણ અને તેની પ્રશંસા કરે છે અને ફરિશ્તાઓ પણ તેના ભયથી (પાકીનું વર્ણન કરે છે), તે જ આકાશ માંથી વીજળી પાડે છે, અને જેના પર ઇચ્છે છે તેના પર જ તે વીજળી પડે છે, જો કે કાફિરો અલ્લાહ વિશે વિવાદ કરી રહ્યા છે અને અલ્લાહની યુક્તિ ખૂબ જ ઝબરદસ્ત છે.

(14) ૧૪) તેને જ પોકારવું સત્ય છે, જે લોકો તેને છોડીને અન્યને પોકારે છે, તે તેમનો કોઈ જવાબ નથી આપતા, તેમને પોકારવું તો એવું છે, જેવું કે કોઈ વ્યક્તિ પોતાના બન્ને હાથ પાણી તરફ એટલા માટે ફેલાયેલા રાખે કે પાણી તેના મોઢા સુધી આપોઆપ આવી જાય, જો કે આ રીતે તે પાણી તેના મોઢા સુધી ક્યારેય પહોચી શકતું નથી તે કાફિરોની પોકાર પણ આ જ રીતે પથભ્રષ્ટ થઈ જાય છે.

(15) ૧૫) આકાશો અને ધરતીમાં જેટલી પણ વસ્તુઓ છે દરેક અલ્લાહને ગમે તે રીતે સિજદો કરી રહી છે, કોઈ ખુશીથી અને કોઈ મજબુરી સાથે, (અને એવી જ રીતે) તેમના પડછાયા પણ સવાર સાંજ સિજદો કરતા હોય છે.

(16) ૧૬) તમે તેમને પૂછો કે આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે ? કહી દો કે “અલ્લાહ”. પછી તેમને કહી દો કે, શું તમે એવા લોકોને પોતાના વ્યવસ્થાપક બનાવી લીધા છે, જે પોતે પોતાના ફાયદા અને નુકસાન પર અધિકાર નથી ધરાવતા? ફરી પૂછો શું આંધળો અને જે જોઇ શકે છે, તે બન્ને સરખા હોઇ શકે છે ? અથવા શું અંધારું અને પ્રકાશ બન્ને સરખા હોઇ શકે છે ? અથવા જેમને અલ્લાહના ભાગીદાર ઠેરવી રહ્યા છે, તેમણે પણ અલ્લાહ જેવું જ બીજું કોઈ સર્જન કર્યું છે ? જે તેમના માટે શંકાસ્પદ થઇ ગઇ હોય? કહી દો કે ફકત અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, તે એકલો છે અને જબરદસ્ત પ્રભાવશાળી છે.

(17) ૧૭) તેણે જ આકાશ માંથી પાણી વરસાવ્યું, જેનાથી વાદીઓ પોતાના પ્રમાણે વહેવા લાગી, પછી પાણીના વહેણના કારણે ઉપરના ભાગે ફીણ ઉત્પન્ન થવા લાગ્યું, જેવી રીતે ઘરેણા તથા વાસણો સાફ કરતી વખતે ફીણ ઉભરાઇ આવે છે, આવી જ રીતે અલ્લાહ તઆલા સત્ય અને અસત્યનું ઉદાહરણ આપે છે, હવે ફીણ વ્યર્થ થઇ ખતમ થઇ જાય છે, પરંતુ જે લોકોને ફાયદો આપનારી વસ્તુ છે તે ધરતીમાં રહી જાય છે, અલ્લાહ તઆલા આવી જ રીતે ઉદાહરણોનું વર્ણન કરે છે.

(18) ૧૮) જે લોકોએ પોતાના પાલનહારના આદેશોનું અનુસરણ કર્યું તેમના માટે ભલાઇ છે અને જે લોકોએ તેના આદેશોનું અનુસરણ ન કર્યું, તે લોકો જ અલ્લાહની પકડથી બચવા માટે ધરતીમાં જે કંઈ પણ છે અને તેના જેટલું જ બીજું પણ હશે તો તે બધું જ (મુક્તિદંડ માટે) આપી દેશે, આવા જ લોકો માટે સખત હિસાબ લેવામાં આવશ અને જેમનું ઠેકાણું જહન્નમ છે જે અત્યંત ખરાબ જગ્યા છે.

(19) ૧૯) શું તે એક વ્યક્તિ, જે આ જાણતો હોય કે તમારી તરફ તમારા પાલનહાર તરફથી જે કઈ પણ ઉતારવામાં આવ્યું છે, તે સત્ય છે, તે વ્યક્તિ જેવો હોઇ શકે છે જે આંધળો હોય, શિખામણ તો તે જ લોકો પ્રાપ્ત કરે છે જે બુદ્ધિશાળી છે.

(20) ૨૦) જેઓ અલ્લાહને આપેલ વચન પૂરું કરે છે અને મજબુત આપેલ વચનનું ભંગ નથી કરતા.

(21) ૨૧) અને અલ્લાહએ જે (સંબંધોને) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, તે તેને જાળવી રાખે છે અને તે પોતાના પાલનહારથી ડરે છે અને હિસાબની કઠણાઇનો ભય રાખે છે.

(22) ૨૨) અને તે પોતાના પાલનહારની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે અને નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેમને આપી રાખ્યું છે તેને છૂપી રીતે અને ક્યારેક જાહેરમાં દાન કરે છે અને બુરાઇને ભલાઇથી દૂર કરે છે, તેમના માટે જ આખિરતનું ઘર છે.

(23) ૨૩) તે ઘર જે હંમેશા કાયમ રહેવાવાળા બગીચાઓ છે, જ્યાં તે પોતે જશે અને તેમની સાથે પોતાના પૂર્વજો અને પત્નીઓ અને સંતાનો માંથી જે સદાચારી હશે, તેઓ પણ પ્રવેશ પામશે, અને ફરિશ્તાઓ (જન્નતના) દરેક દરવાજા ઉપર (તેમનું સન્માન કરવામ માટે) આવશે.

(24) ૨૪) (કહેશે) કે, તમારા પર સલામતી થાય કારણકે તમે (દુનિયામાં મુસીબતો પર) સબર કરતા રહ્યા. તેના માટે આખિતનું ઘર, કેટલું સુંદર છે.

(25) ૨૫) અને જે અલ્લાહના મજબૂત વચનનો ભંગ કરે છે અને જે (સંબંધો)ને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે તેને જાળવી રાખતા નથી અને ધરતીમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે, તેમના માટે લઅનતો (ફિટકાર) છે અને તેમના માટે (આખિરતમાં) ખરાબ ઠેકાણું છે.

(26) ૨૬) અલ્લાહ તઆલા જેને રોજી આપવાનું ઇચ્છે છે, તેને વધારે આપે છે, અને જેના માટે ઇચ્છે તેની રોજીમાં ઘટાડો કરી દે છે, આ (કાફિરો) તો દુનિયાના જીવનમાં મગ્ન થઇ ગયા, જો કે દુનિયા પરલોકની સરખામણીમાં અત્યંત (તુચ્છ) સામાન છે.

(27) ૨૭) કાફિરો કહે છે કે, આ (નબી ) પર તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી ? તમે તેમને જવાબ આપી દો કે અલ્લાહ (નિશાનીઓ જાહેર કરી દીધા પછી પણ) જેને ગુમરાહ કરવા ઇચ્છે , તેને ગુમરાહ કરી દે છે, અને જે તેની તરફ ઝૂકે તેને સત્યમાર્ગ બતાવી દે છે.

(28) ૨૮) જે લોકો ઇમાન લાવ્યા તેમના હૃદય અલ્લાહના ઝિકરથી શાંતિ પ્રાપ્ત કરે છે, યાદ રાખો ! અલ્લાહના ઝિકરમાં જ દિલને શાંતિ મળે છે.

(29) ૨૯) જે લોકો ઇમાન લાવ્યા અને જે લોકોએ સારા કાર્યો પણ કર્યા તેમના માટે પ્રસન્નતા છે અને ઉત્તમ ઠેકાણું.

(30) ૩૦) આવી જ રીતે અમે તમને એવી કોમ તરફ મોકલ્યા છે, જેમના પહેલા કેટલીય કોમો પસાર થઇ ચુકી, જેથી તમે તે લોકોને તે કઈ પઢીને સંભળાવો, જે અમે તમારી તરફ વહી દ્વારા ઉતારી રહ્યા છે, પરંતુ તે લોકો રહમાન (અલ્લાહ) નો ઇન્કાર કરી રહ્યા છે, તમે તે લોકોને કહી દો કે, મારો પાલનહાર તો તે જ છે, જેના સિવાય કોઈ ઇલાહ નથી, તેના પર જ મારો ભરોસો છે અને તેની જ તરફ મારો ઝૂકાવ છે.

(31) ૩૧) અને જો કુરઆન એવું હોત જેની (વાણી) દ્વારા પર્વતો ચલાવવામાં આવતા અથવા ધરતી લાંબા અંતરને ટુંકી કરી દેવામાં આવતું અથવા મૃતકો સાથે વાર્તાલાપ કરાવી દેવામાં આવતો (તો પણ તેઓ ઇમાન ન લાવતા). વાત એ છે કે દરેક કાર્ય અલ્લાહના જ હાથમાં છે, તો શું ઇમાનવાળાઓને આ વાત પર વિશ્વાસ નથી કે જો અલ્લાહ તઆલા ઇચ્છે તો દરેક લોકોને સત્ય માર્ગદર્શન આપી દે, કાફિર લોકોને તો તેમના ઇન્કારના બદલામાં હંમેશા કોઈને કોઈ સખત સજા પહોંચતી રહેશે અથવા તેમના મકાનોની નજીક આવતી રહેશે, ત્યાં સુધી કે નક્કી કરેલ સમય આવી જાય, ખરેખર અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો.

(32) ૩૨) ખરેખર તમારા પહેલાના પયગંબરોની પણ મજાક કરવામાં આવી હતી, અને મેં પહેલા પહેલા તો કાફીરોને થોડીક મહેતલ આપી હતી, પછી તેમને પકડી લીધા, પછી (જોઈ લો) ! મારો અઝાબ કેવો રહ્યો ?

(33) ૩૩) શું તે અલ્લાહ, જે દરેક વ્યક્તિની કમાણી ઉપર નજર રાખનાર છે, (તે લોકોને સજા આપ્યા વગર જ છોડી દેશે?) જ્યારે કે તે લોકોએ અલ્લાહના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, તમે તેમને કહી દો કે તમારા થોડાંક ભાગીદારોના નામ તો લો, અથવા તમે અલ્લાહને તે વસ્તુની જાણ આપી રહ્યા છો, જે ધરતી પર તો છે પરંતુ તે તેને નથી જાણતો? જે કઇ મોઢાંમાં આવે, બકી રહ્યા છો, વાત ખરેખર એવી છે કે કાફિરો માટે તેમની યુક્તિઓ શણગારી દેવામાં આવી છે, અને તેમને સત્ય માર્ગથી રોકી દેવામાં આવ્યા છે અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને હિદાયત આપનાર કોઈ નથી.

(34) ૩૪) તેમના માટે દુનિયાના જીવનમાં પણ સજા છે અને આખિરતની સજા તો ઘણી જ સખત છે, તેમને અલ્લાહના ગુસ્સાથી બચાવનાર કોઈ નથી.

(35) ૩૫) તે જન્નતના ગુણોનું ડરવાવાળાઓને વચન આપવામાં આવી રહ્યું છે, તેની શાન એ છે કે તેની નીચેથી નહેરો વહી રહી છે, તેનું ફળ અને તેનો છાંયડો હંમેશા રહેશે, આ છે ડરવાવાળોનું પરિણામ અને જેઓ કાફિર છે તેમનું ઠેકાણું તો જહન્નમ છે.

(36) ૩૬) જેમને અમે (આ પહેલા) કિતાબ આપી હતી, તેઓ તો આ કીતાબથી ખુશ થાય છે, જે તમારી તરફ ઉતારવામાં આવી છે, અને તેમનામાં અમુક જૂથ તેની થોડીક વાતોનો ઇન્કાર કરે છે, તમે તેમને કહી દો કે મને તો ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો છે કે, હું અલ્લાહની બંદગી કરું અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવું. હું તેની જ તરફ બોલાવી રહ્યો છું અને તેની જ તરફ મારે પાછા ફરવાનું છે.

(37) ૩૭) આવી જ રીતે અમે આ કુરઆનને અરબી ભાષામાં આદેશરૂપે ઉતાર્યું છે, હવે આ ઇલ્મ પછી, જે તમારી પાસે આવી ગયું છે, જો તમે તેમની મનેચ્છાઓનું અનુસરણ કર્યું, તો અલ્લાહ વિરૂદ્ધ તમારી મદદ કરનાર કોઈ નહીં મળે અને ન તો કોઈ તમને તેની પકડથી બચાવી શકશે.

(38) ૩૮) તમારા પહેલા અમે ઘણા જ પયગંબરોને મોકલ્યા, અને અમે તે સૌને પત્ની તથા બાળકોવાળા બનાવ્યા હતા, કોઈ પયગંબર અલ્લાહની પરવાનગી વગર કોઈ નિશાની નથી લાવી શકતો, દરેક સમય માટે એક કિતાબ છે .

(39) ૩૯) અલ્લાહ જે ઇચ્છે (તેમાંથી) મિટાવી દે છે અને જે ઇચ્છે તેને બાકી રાખે, અને સચોટ કિતા તેની જ પાસે છે.

(40) ૪૦) (હે નબી !) જે અઝાબની ધમકી અમે કાફિરો ને આપી રહ્યા છે, તેનો થોડોક ભાગ અમે તમારા જીવનમાં જ બતાવી દઈએ અથવા તમારા મૃત્યુ પછી તેમને આઝાબ આપીએ, તો તમારા શિરે તો ફક્ત પહોચાડી દેવું છે, હિસાબ લેવાની જવાબદારી તો અમારી છે.

(41) ૪૧) શું તે લોકો નથી જોતા કે અમે (તેમના માટ) ધરતીને તેના દરેક કિનારા પરથી ઘટાડી રહ્યા છીએ, અલ્લાહ જ આદેશ આપે છે, જેના નિર્ણય પર કોઈ બીજું નિર્ણય કરવાવાળું નથી તે નજીકમાં જ હિસાબ લેનાર છે.

(42) ૪૨) તેમના પહેલાના લોકોએ પણ પોતાની ચાલાકીમાં કોઈ કસર છોડી ન હતી, પરંતુ દરેક યુક્તિઓ અલ્લાહની જ છે, જે વ્યક્તિ જે કંઈ પણ કરી રહ્યો છે અલ્લાહ તેને જાણે છે, કાફિરોને નજીકમાં જ ખબર પડી જશે કે આખિરતનું ઘર કોના માટે છે?

(43) ૪૩) કાફિરો તમને કહે છે કે તમે અલ્લાહના પયગંબર નથી, તમે તેમને જવાબ આપી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહની ગવાહી પૂરતી છે અને તે દરેકની જે અલ્લાહની કિતાબનું જ્ઞાન ધરાવે છે.