(1) ૧) જ્યારે આકાશ ફાટી જશે.
(2) ૨) અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
(3) ૩) અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.
(4) ૪) અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
(5) ૫) અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
(6) ૬) હે માનવી ! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
(7) ૭) પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.
(8) ૮) તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.
(9) ૯) અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.
(10) ૧૦) હા ! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
(11) ૧૧) તો તે નષ્ટતા પોકારશે.
(12) ૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
(13) ૧૩) તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.
(14) ૧૪) તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહિ આવે.
(15) ૧૫) કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
(16) ૧૬) હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.
(17) ૧૭) અને રાતની અને જે કઈ તે સમેટે છે.
(18) ૧૮) અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
(19) ૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.
(20) ૨૦) તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.
(21) ૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.
(22) ૨૨) પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.
(23) ૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.
(24) ૨૪) તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.
(25) ૨૫) હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.