28 - Al-Qasas ()

|

(1) ૧) તો -સીન-મીમ

(2) ૨) આ સ્પષ્ટ કિતાબ (કુરઆન)ની આયતો છે.

(3) ૩) અમે તમારી સમક્ષ મૂસા અને ફિરઔનના સાચા કિસ્સાનું વર્ણન કરીએ છીએ, તે લોકો માટે, જેઓ ઈમાન ધરાવે છે.

(4) ૪) નિ:શંક ફિરઔને ધરતી પર વિદ્રોહ કર્યો હતો અને ત્યાંના લોકોને અલગઅલગ જૂથમાં વહેચી દીધા હતાં અને તેમાંથી એક જૂથ (બની ઇસ્રાઈલ)ને કમજોર બનાવી દીધો હતો, તે તેમના બાળકોને તો કતલ કરી નાખતો અને તેમની બાળકીઓને જીવિત છોડી દેતો હતો, નિ:શંક તે (સમાજમાં) બગાડ કરવાવાળાઓ માંથી હતો.

(5) ૫) અને અમારી ઇચ્છા હતી કે જે જૂથને તેણે કમજોર બનાવ્યો હતો, તેમનાં પર અહેસાન કરીએ અને તેમને નાયબ બનાવીએ, તેમને જ (મુલ્ક અને માલ)નાં વારસદાર બનાવી દઈએ.

(6) ૬) અને તેમને તે શહેરમાં મજબૂત બનાવીએ, અને ફિરઔન, હામાન અને તેમના લશ્કરોને તે બતાવીએ, જેનાથી તેઓ ડરી રહ્યા હતાં.

(7) ૭) અમે મૂસાની માતાને વહી કરી કે આ બાળક (મૂસાને) દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કંઇ ભય લાગે તો તેને દરિયામાં વહાવી દેજો અને કોઈ ડર ન રાખજો અને નિરાશ ન થશો. અમે ખરેખર તેને તમારી તરફ પાછા મોકલીશું. અને તેને અમારા પયગંબરો માંથી બનાવીશું.

(8) ૮) છેવટે ફિરઔનનાં ઘરવાળાઓએ તે બાળકને ઉઠાવી લીધો કે તેમના માટે દુશ્મન અને ચિંતાનું કારણ બને, અને ફિરઔન અને હામાન અને તેમના લશ્કર અપરાધી જ હતાં.

(9) ૯) અને ફિરઔનની પત્નીએ કહ્યું, આ બાળક તો મારી અને તમારી આંખોની ઠંડક છે, તેને કતલ ન કરો, શક્ય છે કે આ આપણને કંઇક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો જ દીકરો બનાવી લઇએ અને તે લોકો (તેના પરિણામથી) અજાણ હતા.

(10) ૧૦) મૂસાની માતાનું દીલ ગભરાઇ ગયું, જો અમે તેમના હૃદયને શાંતિ ન આપતા તો તે ભેદ જાહેર કરી દેત, આ એટલા માટે કે તે (અમારા વચન પર) યકીન કરતી રહે.

(11) ૧૧) મૂસાની માતાએ મૂસાની બહેનને કહ્યું કે તું આ બાળકની પાછળ પાછળ જા,તે પોતાને બચાવી ચાલતી રહી અને બીજાને તેની ખબર ન પડી શકી.

(12) ૧૨) તેમના પહોંચતા પહેલા જ અમે મૂસા પર દૂધ પીવડાવનારીઓનું દૂધ અવૈધ કરી દીધું હતું, મૂસાની બહેન કહેવા લાગી કે શું હું તમને એવું ઘર ન બતાવું, જે આ બાળકનું ભરણ-પોષણ કરે અને તેઓ તેના માટે શુભેચ્છક હોય ?

(13) ૧૩) બસ ! અમે (આ પ્રમાણે) મૂસાને તેની માતા તરફ પાછો ફેરવ્યો, જેથી તેની આંખો ઠંડી રહે અને નિરાશ ન થાય અને જાણી લે કે અલ્લાહ તઆલાનું વચન સાચું છે, પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી.

(14) ૧૪) અને જ્યારે મૂસા યુવા વસ્થામાં પહોંચી ગયા અને સંપૂર્ણ બળવાન થઇ ગયા, અમે તેમને હિકમત અને જ્ઞાન આપ્યું, અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

(15) ૧૫) અને મૂસા (એક દિવસ) એવા સમયે શહેરમાં આવ્યા જ્યારે કે શહેરના લોકો બેદરકાર હતાં, ત્યાં મૂસાએ બે વ્યક્તિઓને ઝઘડતા જોયા, એક તો તેમની કોમનો વ્યક્તિ હતો અને બીજો તેમના શત્રુઓના કોમ માંથી હતો, તેની કોમવાળાઓએ તેની વિરુદ્ધ, જે તેમના શત્રુઓ માંથી હતો, તેની ફરિયાદ કરી, તેના કારણે મૂસાએ તેને મુક્કો માર્યો, જેના કારણે તે મૃત્યુ પામ્યો, મૂસા કહેવા લાગ્યા કે આ તો શેતાનનું કાર્ય છે, ખરેખર શેતાન શત્રુ અને સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ કરનાર છે.

(16) ૧૬) પછી દુઆ કરવા લાગ્યા કે હે પાલનહાર ! મેં પોતે મારા પર ઝુલ્મ કર્યો છે, તું મને માફ કરી દે, અલ્લાહ તઆલાએ તેમને માફ કરી દીધા, તે માફ કરવાવાળો અને ઘણો દયાળુ છે.

(17) ૧૭) કહેવા લાગ્યા કે હે મારા પાલનહાર ! જેવી રીતે તેં મને નેઅમતો આપી છે, તો હું ક્યારેય કોઈ પાપીની મદદ નહીં કરું.

(18) ૧૮) બીજા દિવસે સવારમાં ડરતા ડરતા શહેરમાં દાખલ થયા, તો શું જોવે છે કે તે જ વ્યક્તિ, જેણે મદદ માંગી હતી, (આજે બીજીવાર) તેમની પાસે ફરિયાદ લઇ આવ્યો છે, મૂસાએ જવાબ આપ્યો તું તો સ્પષ્ટ ગુમરાહ વ્યક્તિ છે.

(19) ૧૯) જ્યારે મૂસાએ ઈરાદો કર્યો કે તે દુશ્મન કોમ પર હમલો કરે તો તે કહેવા લાગ્યો મૂસા શું તું મને પણ મારી નાખીશ, જેવી રીતે ગઈકાલે તે એક વ્યક્તિને મારી નાખ્યો હતો? તું તો શહેરમાં અત્યાચારી બની રહેવા ઈચ્છો છો, ઈસ્લાહ કરવા માંગતા નથી.

(20) ૨૦) અને (આ કિસ્સા પછી) શહેરના કિનારેથી એક વ્યક્તિ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે, હે મૂસા ! અહીંના સરદારો તને કતલ કરવાની ચર્ચા કરી રહ્યા છે, બસ ! તું હમણા જ જતો રહે અને મને તારો શુભેચ્છક સમજ.

(21) ૨૧) બસ ! મૂસા ત્યાંથી ડરતા ડરતા અને ભયભીત થઈ, ત્યાંથી નીકળી ગયા અને કહેવા લાગ્યા કે હે પાલનહાર ! મને જાલિમ લોકોથી બચાવી લે.

(22) ૨૨) અને જ્યારે મદયન તરફ ગયા તો કહેવા લાગ્યા, આશા છે કે મારો પાલનહાર મને સીધા માર્ગે લઇ જશે.

(23) ૨૩) પછી જ્યારે મદયનના કુવા પાસે પહોંચ્યા, તો જોયું કે ઘણા લોકો (પોતાના જાનવરોને) પાણી પીવડાવી રહ્યા છે અને દૂર બે સ્ત્રીઓ (પોતાની બકરીઓને) અલગ લઇ ઊભી રહી છે, મૂસાએ તેમને પૂછ્યું કે તમને શું મુશ્કેલી છે ? તે બન્નેએ કહ્યું કે જ્યાં સુધી આ ચરાવનાર પાછા ન જાય ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકતા નથી અને અમારા પિતા ઘણા વૃદ્વ છે.

(24) ૨૪) બસ ! મૂસાએ તે ઢોરોને પાણી પીવડાવી દીધું, પછી છાંયડામાં આવી બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે પાલનહાર ! તું જે કંઇ પણ ભલાઇ મારી તરફ ઉતારે હું તેનો મોહતાજ છું.

(25) ૨૫) એટલા માંજ તે બન્ને સ્ત્રીઓ માંથી એક સ્ત્રી તેમની તરફ શરમાઇને આવી અને કહેવા લાગી કે તમે અમારી બકરીઓને જે પાણી પીવડાવ્યું છે, એટલા માટે અમારા પિતા તમને બોલાવે છે, જેથી તમને તેનું વળતર આપે. જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા અને તેમની સામે પોતાની સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું, તો તે કહેવા લાગ્યા હવે ડરો નહીં, તમે તે જાલિમ કોમથી બચી ગયા છો.

(26) ૨૬) તે બન્ને માંથી એકે કહ્યું, પિતાજી ! તમે તેમને મજૂરી માટે રાખી લો, કારણકે જેને તમે મજૂરી માટે રાખશો, તેમના માંથી સૌથી શ્રેષ્ઠ તે છે, જે તાકાતવાળો અને નિષ્ઠાવાન હોય.

(27) ૨૭) તે વૃદ્વે કહ્યું, (મૂસા) હું મારી બન્ને દિકરીઓ માંથી એકને તમારી સાથે લગ્ન કરાવવા ઇચ્છું છું, તેની (મહેર) આઠ વર્ષ સુધી મારી પાસે કામ કરશો, હાં તમે દસ વર્ષ પૂરા કરો તો તે તમારા તરફથી ઉપકાર રૂપે હશે, હું એવું ક્યારેય નથી ઇચ્છતો કે તમને કોઈ તકલીફ આપું, અલ્લાહ ઇચ્છશે તો તમે મને શુભેચ્છક પામશો.

(28) ૨૮) મૂસાએ કહ્યું, તો આ વાત મારી અને તમારી વચ્ચે નક્કી થઇ ગઇ, હું તે બન્ને સમયગાળા માંથી જે સમય પણ પૂરો કરું, મારા પર કોઈ અતિરેક ન થાય, આપણે જે કંઇ પણ કહી રહ્યા છે, તેના પર અલ્લાહ (સાક્ષી અને) વ્યવસ્થાપક છે.

(29) ૨૯) જ્યારે મૂસાએ સમયગાળો પૂરો કરી લીધો અને પોતાના ઘરવાળાઓને લઇને ચાલ્યા, તો “તૂર” નામના (પર્વત) તરફ આગ જોઇ, મૂસા પોતાના ઘરવાળાઓને કહેવા લાગ્યા, ઊભા રહો ! મેં આગ જોઇ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ જાણકારી લઇને આવું અથવા આગનો કોઈ અંગારો લઇ આવું જેથી તમે તાપણું કરી લો.

(30) ૩૦) બસ ! મૂસા જ્યારે ત્યાં પહોંચ્યા, તો તે પવિત્ર ધરતીના મેદાનના જમણા કિનારે વૃક્ષ માંથી પોકારવામાં આવ્યા કે, હે મૂસા ! નિ:શંક હું જ અલ્લાહ છું, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર.

(31) ૩૧) અને એ (પણ અવાજ) આવ્યો કે પોતાની લાકડી નાખી દો, પછી જ્યારે મૂસાએ તે (લાકડી ફેંકી તો તે લાકડી) એવી રીતે હરકત કરી રહી હતી જેવું કે કોઈ સાપ હોય, મૂસા પીઠ ફેરવી પરત આવ્યા અને પાછળ ફરીને પણ ન જોયું, (અલ્લાહ તઆલાએ કહ્યું) કે હે મૂસા ! આગળ આવો, ડરો નહીં, ખરેખર તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો.

(32) ૩૨) પોતાના હાથને પોતાના કોલરમાં નાખ, તે કોઈ રોગ વગર ચમકતો થઇ જશે, જો કઈ તકલીફ હોય તો પોતાના બાજુ પોતાના શરીર સાથે લગાવી દો, બસ ! આ બન્ને મુઅજિઝા તમારા માટે તમારા પાલનહાર તરફથી છે, જેને તમે ફિરઔન અને તેના જૂથ સામે પેશ કરી શકો છો, ખરેખર તે બધા અવજ્ઞાકારી લોકો છે.

(33) ૩૩) મૂસાએ કહ્યું, પાલનહાર ! મેં તેમના એક વ્યક્તિનું કતલ કરી દીધું છે, હવે મને ભય છે કે તે મને પણ કતલ કરી નાખશે.

(34) ૩૪) અને મારો ભાઇ હારૂન, તેની જબાન મારા કરતા વધારે સ્પષ્ટ છે, તું તેને પણ મારી મદદ કરવા માટે મારી સાથે મોકલ કે તે મને સાચો માની લે, મને તો ભય છે કે તે સૌ મને જુઠલાવી દેશે.

(35) ૩૫) અલ્લાહ તઆલાએ કહ્યું કે અમે તમારા ભાઇ વડે તમારા પક્ષને મજબૂત કરી દઇશું અને તમને બન્નેને એવો વિજય આપીશું કે ફિરઔનના લોકો તમારા સુધી નહીં પહોંચી શકે, મુઅજિઝાના કારણે તમે બન્ને અમે તમારો પાલનહાર જ વિજયી રહેશે,

(36) ૩૬) બસ ! પછી જ્યારે મૂસા તેમની પાસે અમારા આપેલા સ્પષ્ટ મુઅજિઝા લઇને પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા, આ તો ઘડી કાઢેલું જાદુ છે, અમે પોતાના પૂર્વજોના સમયમાં ક્યારેય આવું નથી સાંભળ્યું.

(37) ૩૭) મૂસાએ કહ્યું મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે, જે તેની પાસે સત્ય માર્ગ લઇ આવે છે અને જેના માટે આખિરતનું પરિણામ (સારું) હોય, ખરેખર જાલિમ લોકો ક્યારેય સફળ નહી થાય.

(38) ૩૮) ફિરઔન કહેવા લાગ્યો, હે દરબારીઓ ! હું તો મારા સિવાય કોઈને તમારો ઇલાહ નથી માનતો, સાંભળ ! હે હામાન ! તું મારા માટે માટીને આગમાં ગરમ કર, પછી મારા માટે એક મહેલ બનાવ, તો હું મૂસાના ઇલાહને જોઇ શકું, આને હું જુઠ્ઠો સમજું છું.

(39) ૩૯) ફિરઔન અને તેના લશ્કરોએ ખોટી રીતે શહેરમાં અહંકાર કર્યો અને સમજી બેઠા કે તેઓ અમારી પાસે પાછા ફેરવવામાં જ નહીં આવે.

(40) ૪૦) છેવટે અમે ફિરઔન અને તેના લશ્કરોને પકડી લીધા અને દરિયામાં ડુબાડી દીધા, હવે જોઇ લો કે તે જાલિમ લોકોની દશા કેવી થઇ ?

(41) ૪૧) અને અમે તેમને એવા નાયબ બનાવી દીધા કે લોકોને જહન્નમ તરફ બોલાવે અને કયામતના દિવસે તેમની કંઇ મદદ કરવામાં નહીં આવે.

(42) ૪૨) અને અમે આ દુનિયામાં પણ તેમની પાછળ પોતાની લઅનત (ફિટકાર) કરી દીધી અને કયામતના દિવસે પણ તેઓ ખરાબ સ્થિતિમાં હશે.

(43) ૪૩) અને પહેલાના લોકોને નષ્ટ કર્યા પછી, અમે મૂસાને એવી કિતાબ આપી, જે લોકો માટે પુરાવો અને સત્ય માર્ગ અને કૃપા બનીને આવી, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

(44) ૪૪) અને (હે પયગંબર) તમે તે સમયે (તૂર પર્વતની) પશ્ર્ચિમ તરફ હાજર ન હતા, જ્યારે અમે મૂસાને આદેશો આપ્યા હતા, અને ન તો તમે (આ કિસ્સાના) ગવાહ હતા.

(45) ૪૫) ત્યારબાદ અમે ઘણી પેઢીઓનું સર્જન કર્યું, જેમના પર લાંબો સમયગાળો પસાર થઇ ગયો અને ન તો તમે મદયનના લોકો માંથી હતાં કે તેમની સામે અમારી આયતોને પઢતા, પરંતુ અમે જ છે, જે તમને રસૂલ બનાવી, તે સમયની ખબર મોકલી રહ્યા છે.

(46) ૪૬) અને એવી જ રીતે તમે “તૂર” પાસે પણ ન હતાં, જ્યારે અમે (મૂસાને) પોકાર્યા હતા, પરંતુ આ તમારા પાલનહાર તરફથી એક કૃપા છે, (કે તેણે તમને સાચી ગેબની વાતો બતાવી) એટલા માટે કે તમે તે લોકોને સચેત કરી દો, જેમની પાસે તમારાથી પહેલા કોઈ સચેત કરનાર નથી આવ્યા, કદાચ કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લે.

(47) ૪૭) અને (તમને એટલા માટે પયગંબર બનાવી મોકલ્યા છે ) કે ક્યાંક એવું ન થાય કે તેમણે પોતે કરેલા કરતુતોના કારણે કોઈ મુસીબત પહોંચે, તો એવું કહેવા લાગે કે હે અમારા પાલનહાર ! તે અમારી તરફ કોઈ પયગંબર કેમ ન મોકલ્યા ? કે અમે તારી આયતોનું અનુસરણ કરતા અને ઈમાનવાળાઓ માંથી થઇ જતા.

(48) ૪૮) પછી જ્યારે તેમની પાસે અમારા તરફથી સત્ય આવી ગયું તો કહેવા લાગ્યા કે આમને મૂસા જેવું કેમ આપવામાં ન આવ્યું ? સારું, તો શું મૂસા ને જે કંઇ આપવામાં આવ્યું હતું તેનો ઇન્કાર લોકોએ નહતો કર્યો ? સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ બન્ને જાદુગર છે, જે એકબીજાની મદદ કરનાર છે અને અમે તો આ બધાનો ઇન્કાર કરનારા છીએ.

(49) ૪૯) તમે તેમને કહી દો કે જો તમે સાચા હોવ તો તમે પણ અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લઇ આવો, જે તે બન્ને કરતા વધારે માર્ગદર્શન આપતી હોય, હું પણ તેનું જ અનુસરણ કરીશ.

(50) ૫૦) પછી જો આ લોકો તમારો કોઈ જવાબ ન આપે, તો તમે જાણી લો કે આ લોકો પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેના કરતા વધારે પથભ્રષ્ટ કોણ હોઈ શકે છે, જેઓ અલ્લાહની હિદાયતને છોડીને પોતાની મનેચ્છાઓ પાછળ પડેલ છે? નિ:શંક અલ્લાહ તઆલા જાલિમ લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો.

(51) ૫૧) અને અમે સતત લોકો માટે (નસીહતની) વાતો ઉતારતા રહ્યા, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

(52) ૫૨) જેમને અમે આ પહેલા કિતાબ (તૌરાત) આપી હતી, તે લોકો જ આ (કુરઆન) પર પણ ઈમાન ધરાવે છે.

(53) ૫૩) અને જ્યારે તેની આયતો તેમની સમક્ષ પઢવામાં આવે છે તો તેઓ કહી દે છે, અમે આના પર ઈમાન લાવ્યા, ખરેખર આ સાચી કિતાબ છે, જે અમારા પાલનહાર તરફથી આવી છે, અમે તો પહેલાથી જ આ કિતાબને માનતા હતા.

(54) ૫૪) આવા લોકોને જ તેમનો સવાબ બમણું વળતર આપવામાં આવશે, તે ધીરજના બદલામાં, જે તેમણે બતાવી છે, તેઓ બુરાઈનો જવાબ ભલાઈથી આપે છે અને જ કઈ અમે તેમને આપી રાખ્યું છે, તેમાંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે,

(55) ૫૫) અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને કહી દે છે કે અમારા કાર્યો અમારા માટે અને તમારા માટે તમારા કાર્યો . તમારા પર સલામતી થાય, અમે જાહિલ લોકો સાથે (તકરાર) કરવા નથી ઇચ્છતા.

(56) ૫૬) (હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે. હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે.

(57) ૫૭) કાફિર લોકો કહે છે કે જો અમે તમારી સાથે મળી સત્ય માર્ગનું અનુસરણ કરવા લાગીએ તો અમને અમારા શહેર માંથી કાઢી મૂકવામાં આવશે, શું અમે તેમને શાંત અને પવિત્ર શહેરમાં જગ્યા નથી આપી? જ્યાં દરેક પ્રકારના ફળો મળી આવે છે, જે અમારી પાસે રોજી માટે છે, પરંતુ તેમના માંથી ઘણા લોકો કંઇ જાણતા નથી.

(58) ૫૮) અને અમે ઘણી તે વસ્તીઓ નષ્ટ કરી દીધી, જેઓ પોતાના મોજશોખ પર ઇતરાવા લાગી હતી, આ છે તેમની રહેવાની જગ્યાઓ, તેમના પછી થોડાક જ ઘર એવા છે, જે આબાદ થયા, અને અમે જ દરેક વસ્તુના વારસદાર છે.

(59) ૫૯) તમારો પાલનહાર કોઈ વસ્તીને ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં સુધી કે તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો પયગંબર ન મોકલે, જે તેમને અમારી આયતો પઢીને સંભળાવે અને અમે એવી વસ્તીઓને નષ્ટ કરીએ છીએ જેના રહેવાસીઓ જાલિમ હોય.

(60) ૬૦) અને તમને જે કંઇ આપવામાં આવ્યું છે, તે ફક્ત દુનિયાના જીવનનો સામાન અને તેનો શણગાર છે, હાં અલ્લાહ પાસે જે કંઇ છે, તે ખૂબ જ ઉત્તમ અને હંમેશા રહેવાવાળુ છે, શું તમે સમજતા નથી?

(61) ૬૧) શું તે વ્યક્તિ, જેને અમે સાચું વચન આપ્યું છે, જે થઇને જ રહેશે, તે એવા વ્યક્તિ જેવો થઇ શકે છે ? જેને અમે દુનિયાના જીવનને થોડોક ફાયદો અમસ્તા જ આપી દીધો, છેવટે તે કયામતના દિવસે પકડીને હાજર કરવામાં આવશે.

(62) ૬૨) અને જે દિવસે અલ્લાહ તઆલા તેમને પોકારીને પૂછશે કે તમે જે લોકોને મારા ભાગીદાર ઠેરવતા હતાં, તેઓ ક્યાં છે ?

(63) ૬૩) જેમના માટે અઝાબની વાત સાબિત થઇ ગઇ તેઓ જવાબ આપશે કે હે અમારા પાલનહાર ! અમે તે લોકોને તેવી જ રીતે ભટકાવ્યા જેવી રીતે અમે ભટકાવવામાં આવ્યા હતાં, અમે તારી સામે તેમનાથી અળગા છે, આ લોકો અમારી બંદગી ન હતા કરતા.

(64) ૬૪) અને તે અનુયાયીઓને કહેવામાં આવશે કે હવે પોતાના ભાગીદારોને (મદદ માટે) પોકારો, તેઓ પોકારશે, પરંતુ તેઓ જવાબ પણ નહીં આપે અને સૌ અઝાબને જોઇ લેશે. કાશ આ લોકો સત્ય માર્ગ પર હોત.

(65) ૬૫) તે દિવસે તેમને પોકારી પૂછશે કે તમે પયગંબરોને શું જવાબ આપ્યો ?

(66) ૬૬) ત્યારે તે દિવસે, તેમના દરેક પુરાવા વ્યર્થ થઇ જશે અને એકબીજાને સવાલ પણ નહીં કરી શકે.

(67) ૬૭) હાં, જે વ્યક્તિ તૌબા કરી લે, ઈમાન લઇ આવે અને સત્કાર્ય કરે, તે જ સફળ થશે.

(68) ૬૮) અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે, (પોતાના કામ માટે) પસંદ કરી લે છે, તેમાંથી કોઈને કંઇ પણ અધિકાર નથી, અલ્લાહ માટે જ પવિત્રતા છે, તે પવિત્ર છે, તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે.

(69) ૬૯) તેમના હૃદયો જે કંઇ છુપાવે છે અને જે કંઇ જાહેર કરે છે, તમારો પાલનહાર બધું જ જાણે છે.

(70) ૭૦) તે જ અલ્લાહ છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, તેના માટે જ પ્રશંસા છે, આ દુનિયામાં પણ અને આખિરતમાં પણ, આદેશ તેનો જ છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફેરવવામાં આવશો.

(71) ૭૧) (હે પયગંબર) તમે તેમને પૂછો કે જુઓ તો ખરા, અલ્લાહ તઆલા તમારા પર રાત્રિને કયામત સુધી નક્કી કરી દે તો અલ્લાહ સિવાય કોણ ઇલાહ છે, જે તમારી પાસે દિવસનો પ્રકાશ લાવે ? શું તમે સાંભળતા નથી ?

(72) ૭૨) (અથવા) તમને પૂછો કે એ પણ જણાવો, કે જો અલ્લાહ તઆલા તમારા પર હંમેશા માટે કયામત સુધી દિવસ જ રાખે તો પણ અલ્લાહ સિવાય કોઈ ઇલાહ છે જે તમારી પાસે રાત લઇ આવે ? જેમાં તમે આરામ કરો, શું તમે જોતા નથી ?

(73) ૭૩) તેણે જ તમારા માટે પોતાની કૃપા દ્વારા દિવસ-રાત નક્કી કરી દીધા છે, કે તમે રાતના સમયે આરામ કરો અને દિવસમાં તેની રોજી શોધો. કદાચ તમે તેનો આભાર વ્યકત કરનારા બની જાઓ.

(74) ૭૪) અને જે દિવસે અલ્લાહ તેમને પોકારી પુછશે કે જેમને તમે મારી સાથે ભાગીદાર ઠેરાવતા હતા, તેઓ ક્યાં છે ?

(75) ૭૫) અને અમે દરેક કોમ માંથી એક સાક્ષી આપનાર અલગ કરી દઇશું, પછી તેને કહીશું કે પોતાના પુરાવા રજુ કરો, બસ ! તે સમયે જાણી લેશે કે અલ્લાહ તઆલાની જ વાત સાચી હતી અને જે કંઇ તે લોકો જૂઠાણું બાંધતા હતાં તેમને કઇ યાદ નહિ આવે.

(76) ૭૬) કારૂન મૂસાની કોમ માંથી હતો, પછી તે પોતાની કોમથી અલગ થઇ ગયો (અને દુશ્મનો સાથે મળી ગયો), અમે તેને (એટલા) ખજાના આપી રાખ્યા હતાં કે કેટલાય શક્તિશાળી લોકો મુશ્કેલીથી તે (ખજાનાની) ચાવીઓ ઉઠાવતા હતાં,એક વાર તેની કોમના લોકોએ તેને કહ્યું, કે ઇતરાઇ ન જા, અલ્લાહ તઆલા ઇતરાઇ જનારાઓને પસંદ નથી કરતો.

(77) ૭૭) અને જે કંઇ તને અલ્લાહ તઆલાએ આપી રાખ્યું છે, તેના દ્વારા આખિરતના ઘર માટે તૈયારી કર અને પોતાના દુનિયાના ભાગને પણ ભૂલી ન જા અને જેવી રીતે અલ્લાહ તઆલાએ તારા પર ઉપકાર કર્યો છે, તું પણ લોકો પર ઉપકાર કર અને શહેરમાં વિદ્રોહ ન ફેલાવ, નિ:શંક અલ્લાહ તઆલા વિદ્રોહીઓને પસંદ નથી કરતો.

(78) ૭૮) કારૂને કહ્યું કે આ બધું મને મારી પોતાની બુદ્ધિના કારણે આપવામાં આવ્યું છે, શું તેને અત્યાર સુધી ખબર નથી કે અલ્લાહ તઆલાએ આ પહેલા ઘણી વસ્તીના લોકોને નષ્ટ કરી દીધા, જેઓ આના કરતા વધારે શક્તિશાળી અને ઘણા ધનવાન હતાં અને આવા સમયે અપરાધીઓ સાથે તેમના અપરાધ વિશે પૂછતાછ કરવામાં નથી આવતી.

(79) ૭૯) (એક દિવસે) કારૂન સંપૂર્ણ શણગાર સાથે પોતાની કોમ સામે નીકળ્યો, તો દુનિયાના જીવનને પસંદ કરનારા લોકો કહેવા લાગ્યા, કાશ ! અમને પણ આવી જ રીતે મળ્યું હોત, જેવું કે કારૂન પાસે છે, આ તો ઘણો જ નસીબવાળો છે.

(80) ૮૦) જ્ઞાની લોકો તેમને સમજાવવા લાગ્યા, કે અફસોસ ! ઉત્તમ વસ્તુ તે છે, જે બદલાના રૂપે તેમને મળશે, જે અલ્લાહ પર ઈમાન લાવે અને સત્કાર્ય કરે, અને તેમને જ મળે છે, જેઓ સબરથી કામ લે છે.

(81) ૮૧) (છેવટે) અમે કારૂન અને તેના મહેલ સાથે ધરતીમાં ધસાવી દીધો અને અલ્લાહ સિવાય કોઈ જૂથ તેની મદદ કરવા માટે તૈયાર ન થયું, ન તે પોતાને બચાવી શક્યો.

(82) ૮૨) અને જે લોકો ગઇકાલે તેના હોદ્દા સુધી પહોંચવાની ઇચ્છા ધરાવતા હતાં, તે આજે કહેવા લાગ્યા કે શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા જ પોતાના બંદાઓ માંથી જેના માટે ઇચ્છે રોજી વિશાળ કરી દે છે અને જેની ઈચ્છે તેની તંગ પણ ? જો અલ્લાહ તઆલા આપણા પર કૃપા ન કરતો તો આપણને પણ ધસાવી દેતો. ખરેખર વાત એવી છે કે કાફિર લોકો સફળ થઇ શકતા નથી.

(83) ૮૩) આખિરતનું ઘર અમે તેમના માટે બનાવ્યું છે, જેઓ ધરતી પર ઘમંડ નથી કરતા, ન વિદ્રોહ ઇચ્છે છે, (અને ઉત્તમ પરિણામ) તો ડરવાવાળાઓ માટે શ્રેષ્ઠ પરિણામ છે.

(84) ૮૪) જે વ્યક્તિ નેકીઓ લઈને આવશે, તેને તેનું વળતર શ્રેષ્ઠ આપવામાં આવશે, અને જે દુષ્કર્મ લઇને આવશે તો આવા દુષ્કર્મીઓને તેમના કાર્યોનો બદલો તે જ આપવામાં આવશે, જે તેઓ કરતા હતાં.

(85) ૮૫) (હે નબી) જે અલ્લાહએ તમારા પર કુરઆન ઉતાર્યું છે,, તે તમને ફરીવાર પ્રથમ જગ્યાએ લાવશે, જે તમારી પસંદની જગ્યા છે, કહી દો ! કે મારો પાલનહાર તેને પણ ખૂબ સારી રીતે જાણે છે, જે સત્ય માર્ગ પર છે અને તે પણ, જે સ્પષ્ટ રીતે ગુમરાહ છે.

(86) ૮૬) તમને ક્યારેય અનુમાન ન હતું કે આ કિતાબ તમારા પર ઉતારવામાં આવશે, પરંતુ આ તમારા પાલનહારની કૃપાથી ઉતારવામાં આવ્યું, હવે તમે ક્યારેય કાફિરોની મદદ ન કરશો.

(87) ૮૭) ધ્યાન રાખો કે આ કાફિરો તમને અલ્લાહ તઆલાની આયતો પર અમલ અને પ્રચાર કરવાથી ન રોકે, તમે પોતાના પાલનહાર તરફ બોલાવતા રહો અને શિર્ક કરવાવાળાઓ માંથી ન થઇ જાવ.

(88) ૮૮) અલ્લાહ તઆલા સાથે બીજા કોઈ ઇલાહને ન પોકારો, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તેની ઝાત સિવાય દરેક વસ્તુ નષ્ટ થનારી છે, તેનો જ આદેશ ચાલે છે અને તમે તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.