2 - Al-Baqara ()

|

(1) ૧.અલિફ-લામ્-મીમ્

(2) ૨.આ કિતાબ (કુરઆન મજીદ)માં કોઇ શંકા નથી. એવા ડરવાવાળા લોકોને માર્ગદર્શન આપે છે.

(3) ૩.જે લોકો ગૈબ ઉપર ઇમાન રાખે છે અને નમાઝની પાબંદી કરે છે અને અમારા આપેલા (માલ) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે,

(4) ૪.અને તેઓ, જે કંઈ પણ આપની તરફ અવતરિત કરવામાં આવ્યું છે, અને જે કંઇ પણ તમારાથી પહેલાના લોકો (પયગંબરો) પર અવતરિત કરવામાં આવ્યું તેના પર ઈમાન રાખે છે, અને તેઓ આખિરત ઉપર પણ સંપૂર્ણ યકીન ધરાવે છે.

(5) ૫.આ જ લોકો પોતાના પાલનહાર તરફથી (અવતરિત કરેલ) હિદાયત પર છે, અને આ જ લોકો સફળ થવાવાળા છે.

(6) ૬.કાફિરોને તમારું સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે.

(7) ૭.અલ્લાહએ તેઓના દિલો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પરદો પડી ગયો છે અને તેમના માટે ભવ્ય અઝાબ છે.

(8) ૮.લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ તેઓ સાચા મોમિન નથી.

(9) 9.તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોખો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોખો આપી રહ્યા છે અને સમજતા નથી.

(10) ૧૦.તેઓના દિલોમાં બીમારી હતી તો અલ્લાહ તઆલાએ તેઓની બીમારીમાં વધારો કરી દીધો અને તેમના જૂઠના કારણે તેમન માટે દુંખદાયી અઝાબ છે.

(11) ૧૧.અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી પર ભ્રષ્ટતા ન ફેલાવો તો જવાબ આપે છે કે અમે તો ફકત સુધારો કરવાવાળા છે.

(12) ૧૨.ખબરદાર ! ખરેખર આ જ લોકો ભ્રષ્ટતા ફેલાવનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.

(13) ૧૩.અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે તમે પણ એવી જ રીતે ઈમાન લાવો જેવું કે બીજા લોકો ઈમાન લાવ્યા છે, (અર્થાત સહાબાઓ) તો તેઓ જવાબ આપે છે કે શું અમે પણ એવી રીતે ઇમાન લાવીએ, જેવું કે મુર્ખ લોકો ઈમાન લાવ્યા? ખબરદાર ! ખરેખર આ જ લોકો મુર્ખ છે, પરંતુ તેઓ (આ વાત) નથી જાણતા.

(14) ૧૪- અને જ્યારે (આવા લોકો) ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાન (કાફિર દોસ્તો) સાથે એકાંતમાં મુલાકાત કરે છે, તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો (ઇમાનવાળાઓ સાથે) ફકત મશ્કરી કરી રહ્યા છે.

(15) ૧૫.અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરી રહ્યો છે અને તેઓને તેમના વિદ્રોહમાં ઢીલ આપી રહ્યો છે, જેમાં તેઓ આંધળાઓની માફક પથભ્રષ્ટ થઈ રહ્યા છે.

(16) ૧૬.આ તે લોકો છે, જેઓએ પથભ્રષ્ટતાને હિદાયતના બદલામાં ખરીદી લીધી છે, બસ ! ન તો તેઓના વેપારે તેમને ફાયદો પહોંચાડયો અને તેઓ સત્ય માર્ગ પર ન હતા.

(17) ૧૭.તેઓ (મુનાફિકો)નું ઉદાહરણ તે વ્યક્તિની માફક છે, જેણે (અંધારામાં) આગ સળગાવી, જ્યારે તે આગે આજુ બાજુની વસ્તુઓને પ્રકાશિત કરી દીધી, તો (તે જ સમયે) અલ્લાહએ તેઓની (આંખોના) પ્રકાશને લઇ લીધો અને તેઓને (ફરીથી) અંધકારમાં છોડી મુક્યા, જેથી તેઓ (કંઈ પણ) જોઇ નથી શકતા.

(18) ૧૮.આવા લોકો બહેરા, મુંગા અને આંધળા છે, તેઓ (ઈમાન લાવવા માટે) પાછા નહિ ફરે.

(19) ૧૯.અથવા (ફરી તે મુનાફિકોનું ઉદાહરણ આમ સમજો) જેવું કે આકાશ માંથી ભારે વરસાદ થઈ રહ્યો હોય, જેમાં અંધારુ, મેઘગર્જના અને વિજળી પણ થતી હોય, આ લોકો વાદળોના ગર્જવાના કારણે મૃત્યુથી ભયભીત થઈ પોતાના કાનોમાં પોતાની આંગળીઓ નાખી દે છે. અને અલ્લાહ તઆલાએ કાફિરોને બધી બાજુથી ઘેરાવમાં લઈ રાખ્યા છે.

(20) ૨૦.(એવુ લાગે છે કે) તરત જ વિજળી તેમની આંખોની દ્રષ્ટિને ઝુંટવી લેંશે, જ્યારે વીજળીના પ્રકાશથી કંઈક પ્રકાશ થાય છે તો તેમાં ચાલવા લાગે છે અને જ્યારે અંધારુ થાય છે, તો ઉભા રહી જાય છે. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો (આ જ સ્થિતિમાં વીજળી દ્વારા) તેમની સાંભળવાની શક્તિ અને (તેના પ્રકાશથી) જોવાની દ્રષ્ટિ છીંનવી શકતો હતો, નિંશંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(21) ૨૧.હે લોકો ! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો.

(22) ૨૨. તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર ! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો.

(23) ૨૩. અને (હે કાફિરો !) અમે જે કંઇ પણ પોતાના બંદા (મુહમ્મદ) પર ઉતાર્યું છે, તેમાં જો તમને કંઇ પણ શંકા હોય, તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, જો તમે સાચા હોય તો અલ્લાહ તઆલાને છોડીને પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો.

(24) ૨૪- અને જો તમે આ કામ ન કરી શકો, અને તમે આ કામ ક્યારેય પણ નથી કરી શકતા, તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.

(25) ૨૫- (હે પયગંબર !) ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની ખુશખબરી આપી દો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને (તે જન્નત) માંથી કોઈ ફળ રોજી માટે આપવામાં આવશે, તો તેઓ કહેશે કે આ તો તે જ ફળ છે, જે અમને આનાથી પહેલા (દુનિયામાં) આપવામાં આવ્યું હતું, (કારણકે જે ફળ તેમને આપવામાં આવશે) તે ફળ રૂપમાં દુનિયાના ફળ જેવું હશે, તેમજ તે (ઈમાનવાળાઓ) માટે પવિત્ર પત્નિઓ હશે, અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેશે.

(26) ૨૬- નિંશંક અલ્લાહ તઆલા (કોઈ વાતની સ્પષ્ટતા માટે) કોઈ પણ ઉદાહરણ આપવાથી ક્યારેય શરમાતો નથી, ભલે ને તે ઉદાહરણ મચ્છરનું હોય અથવા તેનાથી પણ હલકી વસ્તુનું. ઇમાનવાળાઓ (આ વાત) ખૂબ સારી રીતે જાણે છે કે તેમના પાલનહાર તરફથી વર્ણવેલ ઉદાહરણ સાચું છે, અને જેઓ કાફિર છે તેઓ કહે છે કે આ પ્રમાણેના ઉદાહરણ આપી, અલ્લાહ શું ઈચ્છે છે ? (અલ્લાહ) આ ઉદાહરણો આપી કેટલાકો લોકોને પથભ્રષ્ટ કરી દે છે અને કેટલાક લોકોને હિદાયત પર લાવી દે છે અને તે પથભ્રષ્ટ તો ફકત વિદ્રોહીઓને જ કરે છે.

(27) ૨૭- જે લોકો અલ્લાહ તઆલાના મજબુત વચનને તોડે છે અને અલ્લાહ તઆલાએ જે વસ્તુને જોડવાનો આદેશ આપ્યો છે તેને કાપી નાખી છે, અને ધરતી પર ભ્રષ્ટાચાર ફેલાવે છે આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.

(28) ૨૮- (લોકો !) તમે અલ્લાહનો ઇન્કાર કઈ રીતે કરો છો, જ્યારે કે તમે મૃત હતા, તેણે તમને જીવિત કર્યા, પછી તે જ તમને મૃત્યુ આપશે અને તે જ તમને (ફરીવાર) જીવિત કરશે, તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

(29) ૨૯- તે અલ્લાહ, જેણે તમારા માટે ધરતીની દરેક વસ્તુનું સર્જન કર્યુ, પછી આકાશ તરફ ફર્યો અને તેને ઠીક-ઠાક સાત આકાશ બનાવ્યા, અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.

(30) ૩૦- અને ( હે પયગંબર ! તે સમયની વાત સાંભળો ! ) જ્યારે, તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર એક ખલીફા (નાયબ) બનાવવાનો છું, તો તેઓ કહેવા લાગ્યા, શું તમે એવા સર્જનીઓને પેદા કરશો, જેઓ ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવશે અને ખુનામરકીઓ આચરશે ? જો કે અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરી રહ્યાં છે. અલ્લાહ તઆલાએ (તેમને) કહ્યું, જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા.

(31) ૩૧- (ત્યારબાદ) અલ્લાહ તઆલાએ આદમને દરેક (વસ્તુઓના) નામ શીખવાડી દીધા, પછી તે (વસ્તુઓ) ફરિશ્તાઓ સમક્ષ રજુ કરી અને કહ્યું, જો તમે સાચા હોવ તો મને આ (વસ્તુઓના) નામ જણાવો.

(32) ૩૨- ફરિશ્તાઓ કહેવા લાગ્યા, તું પવિત્ર છે, અમે તો ફકત એટલું જ જાણીએ છીએ જેટલું તે અમને શીખવાડયું છે, સંપૂર્ણ જ્ઞાનધરાવનાર અને હિકમતવાળો તો તું જ છે.

(33) ૩૩- અલ્લાહ તઆલાએ આદમને કહ્યું, હે આદમ ! (આ ફરિશ્તાઓને)(વસ્તુઓના) નામ જણાવી દો, જ્યારે તેઓએ ફરિશ્તાઓને તે (વસ્તુઓના) નામ જણાવી દીધા તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને કહ્યું, શું મેં તમને (પહેલા જ) નહતું કહ્યું કે ધરતી અને આકાશોની ગૈબની વાતો ફક્ત હું જ જાણું છું અને હું તે વાતોને પણ જાણું છું, જે તમે જાહેર કરો છો, અને તે વાતોને પણ, જે કંઇ તમે છુપાવો છો.

(34) ૩૪- અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબ્લીસે ઇન્કાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો.

(35) ૩૫- અમે આદમને કહ્યું, હે આદમ ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો.

(36) ૩૬- છેવટે શૈતાને તેઓને તે વૃક્ષની લાલસા આપી તે બન્નેને ફુસલાવી દીધા, તે બન્ને જે સ્થિતિમાં હતા, ત્યાંથી કઢાવીને જ રહ્યો, ત્યારે અમે કહીં દીધું કે ઉતરી જાઓ ! તમે એક બીજાના શત્રુ છો અને હવે એક નક્કી કરેલ સમય (મોત અથવા કયામત) સુધી ધરતી ઉપર રોકાણ કરો અને ફાયદો ઉઠાવો

(37) ૩૭- પછી આદમે પોતાના પાલનહાર પાસેથી કેટલાક શબ્દો શીખી, તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિઃશંક તે જ તૌબા કબુલ કરનાર અને અત્યંત દયાળુ છે.

(38) ૩૮- અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જો મારા તરફથી જે કંઈ માર્ગદર્શન તમારી પાસે પહોંચે, અને જે લોકો મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે, તો તેમને ન તો કોઈ ભય હશે અને ન તો તેમને કોઈ ગમ હશે.

(39) ૩૯- અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે.

(40) ૪૦- હે બની ઇસ્રાઈલ ! મારી તે નેઅમતોને યાદ કરો, જે મેં તમને આપી હતી અને તમે મને આપેલ વચન પુરુ કરો અને મેં તમને જે વચન આપ્યું છે તેને હું પૂરું કરીશ અને ફક્ત મારાથી જ ડરો.

(41) ૪૧- અને તે કિતાબ (કુરઆન) પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે ઉતારી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનશો અને મારી આયતોને થોડીક કિંમતે વેચી ન નાખો. અને ફકત મારાથી જ ડરો.

(42) ૪૨- અને સત્યને અસત્ય સાથે ભેળસેળ ન કરો અને ન સત્યને છુપાવો, જ્યારે કે (સાચી વાત) તમે ખુબ જ સારી રીતે જાણો છો.

(43) ૪૩- અને નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, અને રૂકુઅ કરવાવાળાઓ સાથે તમે પણ રૂકુઅ કરતા રહો.

(44) ૪૪- શું લોકોને ભલાઇ ની શિખામણ આપો છો ? અને પોતે જ પોતાને ભુલી જાઓ છો જો કે તમે કિતાબ (તૌરાત) પઢો છો, શું તમારામાં આટલી પણ બુધ્ધી નથી ?

(45) ૪૫- સબર અને નમાઝ સાથે મદદ માંગતા રહો, આ વસ્તુ ભારે પરિશ્રમવાળી છે, પરંતુ ડરવાવાળાઓ માટે (સરળ છે).

(46) ૪૬- અને જેઓ યકીન કરે છે કે તેઓ પોતાના પાલનહારથી (નજીક માંજ) મુલાકાત કરશે અને તેની જ તરફ પાછા ફરવાના છે.

(47) ૪૭- હે બની ઇસ્રાઈલ! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમને આપી હતી અને મેં તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર શ્રેષ્ઠતા આપી હતી.

(48) ૪૮- અને તે દિવસથી ડરતા રહો જ્યારે કોઇ કોઇના કામમાં નહિ આવી શકે અને ન તો તેની બાબત કોઇ ભલામણ સ્વીકારવામાં આવશે અને ન તો તેની પાસેથી દંડ લઈ તેને છોડવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે.

(49) ૪૯- (અને તે સમયને પણ યાદ કરો) જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો, જેઓ તમને દુઃખદાયક યાતના આપતા હતા, તમારા બાળકોને તો મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, અને આમાં તમારા માટે તમારા પાલનહાર તરફથી ભવ્ય અજમાયશ હતી.

(50) ૫૦- અને (તે સમય પર યાદ કરો) જ્યારે અમે તમારા માટે દરિયામાં ફાટ પાડી (તેમાં રસ્તો) બનાવ્યો, આવી રીતે અમે તમને ફિરઔનના લોકોથી બચાવી લીધા, અને ફીરઓના લોકોને તે સમુન્દ્રમાં ડૂબાડી દીધા.

(51) ૫૧- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે મૂસાને ચાલીસ રાત્રીઓનું વચન આપી બોલાવ્યા, તો તેમની ગેરહાજરીમાં તમે વાછરડાને (પૂજવા) લાગ્યા અને તમે સૌ ઝાલિમ છો.

(52) ૫૨- તેમ છતાં અમે તમને માફ કરી દીધા કદાચ તમે આભારી બની જાઓ.

(53) ૫૩- (આ સમય દરમિયાન) અમે મૂસાને કિતાબ અને ફુરકાન (સત્ય અને અસત્યની ઓળખ માટેનું માપદંડ) આપ્યું, જેથી તમે હિદાયત મેળવી શકો.

(54) ૫૪- અને જ્યારે મૂસાએ (પાછા આવીને) પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! તમે વાછરડાને પૂજ્ય બનાવી પોતાના પર ઝુલ્મ કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર પાસે તૌબા કરો, પોતાને અંદરો અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ જ વાત તમારા માટે સારી છે, પછી (અલ્લાહ) એ તમારી તૌબા કબુલ કરી, કારણકે તે જ તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયાળુ છે.

(55) ૫૫- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ ત્યાં સુધી ઇમાન નહિ લાવીએ, જેથી તમારા જોતા જ તમારા પર વિજળી પડી.

(56) ૫૬- તમારા મૃત્યુ પછી અમે તમને જીવિત કર્યા, કદાચ કે તમે આભારી બની જાઓ.

(57) ૫૭- અને અમે તમારા પર વાદળનો છાયડો કર્યો અને તમારા (ખાવા માટે) મન અને સલવા ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ, જે અમે તમને આપી છે, તેઓએ (અવજ્ઞા કરી) અમારા પર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના પર જ ઝુલ્મ કરી રહ્યા હતા.

(58) ૫૮- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમને કહ્યું હતું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ ઈચ્છા કરો, છુટથી ખાઓ પીવો અને દરવાજામાં સિજદો કરતા પસાર થાઓ અને હિત્તતુન્ કહો, અમે તમારા પાપોને માફ કરી દઇશું અને સદકાર્ય કરવાવાળાને વધુ આપીશું.

(59) ૫૯- પરંતુ તે ઝાલિમ લોકોએ એ વાતને જ બદલી નાખી, જે તેમને કહેવામાં આવી હતી, તો અમે પણ તે અત્યાચારીઓ પર તેઓના દુષ્કર્મો અને અવજ્ઞા ના કારણે આકાશી અઝાબ ઉતાર્યો.

(60) ૬૦- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કૌમ માટે પાણી તલબ કર્યું, તો અમે તેમને કહ્યું કે પોતાની લાકડીને પત્થર પર મારો, જેનાથી બાર ઝરણા ફુટી નીકળ્યા અને (મૂસાની કોમના બાર કબીલાઓ માંથી) પ્રત્યેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું (અને અમે તેમને કહી દીધું કે) અલ્લાહ તઆલાની રોજી ખાવો પીવો, અને ધરતી પર ભ્રષ્ટાચાર ન ફેલાવશો.

(61) ૬૧- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે હે મૂસા ! અમે એક જ પ્રકારના ભોજન પર કદાપિ ધીરજ નહીં રાખી શકીએ, એટલા માટે પોતાના પાલનહારથી અમારા માટે દુઆ કરો કે તે અમને ધરતી ની પેદાવાર સૂરણ, કાંકડી, ઘંઉ, મસૂર અને ડુંગળી આપે, મૂસાએ કહ્યું, તમે ઉત્તમ વસ્તુના બદલામાં સાધારણ વસ્તુ કેમ માંગો છો? (જો આ પ્રમાણે જ હોય) તો તમે એવા ! શહેરમાં જાઓ જ્યાં તમારી મનચાહી વસ્તુઓ મળી જશે, (છેવટે) તેઓ પર અપમાન અને લાચારી નાખી દેવામાં આવી અને અલ્લાહનો ક્રોધ લઇ તેઓ પાછા ફર્યા, આ એટલા માટે કે તેઓ અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને પયગંબરોને અન્યાયી રીતે કત્લ કરતા હતા, આ તેઓની અવજ્ઞાકારી અને અતિરેકનું પરિણામ છે.

(62) ૬૨- જે લોકો (જાહેરમાં) ઈમાન લાવ્યા છે અને જેઓ યહુદી, ઇસાઇ અથવા સાબી (નાસ્તિક) હોય, તેમના માંથી જે કોઇ પણ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન લાવશે અને સદકાર્યો કરશે તો તેઓનો બદલો તેઓના પાલનહાર પાસે છે અને તેઓને ના તો કોઇ ભય છે અને ન તો કોઈ નિરાશા.

(63) ૬૩- (અને હે બની ઇસ્રરાઇલ! તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમારા પાસે પાકું વચન લીધું અને તમારા પર તૂર (નામી) પહાડ લાવી ઉભો કરી દીધો (અને કહ્યું) જે (કિતાબ) અમે તમને આપી છે, તેને મજબુતીથી પકડી રાખો અને જે કંઇ તેમાં છે તેને યાદ કરો, આવી રીતે કદાચ તમે પરહેજગાર બની જાઓ.

(64) ૬૪- પરંતુ આ વચન આપ્યા પછી ફરીવાએ તમે વચનભંગ કર્યો, અને જો અલ્લાહતઆલાની કૃપા અને તેની દયા તમારા પર ન હોત તો તમે નુકસાન ઉઠાવનાર બની જાત.

(65) ૬૫- અને તમેં તે લોકોને પણ ખૂબ સારી રીતે જાણો છો, જેઓ શનિવારના દિવસ બાબતે હદથી વધી ગયા અને અમે પણ કહી દીધું કે તમે અપમાનિત વાંદરાઓ બની જાવ.

(66) ૬૬- તેઓને અમે આગળ-પાછળના લોકો માટે બોધદાયક બનાવ્યા અને ડરવાવાળાઓ માટે શિખામણ.

(67) ૬૭- અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય ઝબહ કરવાનો આદેશ આપે છે તો તેઓ મૂસાને કહેવા લાગ્યા, અમારી સાથે મજાક કેમ કરી રહ્યા છો ? તેમણે જવાબ આપ્યો કે હું આ પ્રમાણેની વાતો કરી જાહિલ લોકો માંથી થઈ જવાથી અલ્લાહના શરણમાં આવું છું.

(68) ૬૮- તેઓએ કહ્યું કે હે મૂસા ! દુઆ કરો કે અલ્લાહ તઆલા અમારા માટે તે ગાયના લક્ષણો સ્પષ્ટ કરી દે, મૂસાએ કહ્યું સાંભળો ! તે ગાય ન તો ઘરડી હોય ન વાછરડું, પરંતુ બન્નેની વચ્ચેની વયની હોય, હવે જે આદેશ તમને આપવામાં આવ્યો છે તે કરી બતાવો,

(69) તે લોકો ફરી કહેવા લાગ્યા કે મૂસા અમારા માટે દુઆ કરો કે અલ્લાહ તઆલા અમને તેના રંગની જાણ આપે ? ફરમાવ્યું કે તે (અલ્લાહ) કહે છે કે તે ગાયનો રંગ ઘાટો પીળો (સોનેરી કલર) હોવો જોઈએ, જે જોવાવાળાઓને ખુશ કરી દે.

(70) ૭૦- તે કહેવા લાગ્યા કે મૂસા તમારા પાલનહાર પાસે દુઆ કરો કે તે હજુ અમને ગાયના વધુ લક્ષણો બતાવે, આ ગાયએ તો અમને શંકામાં નાખી દીધા છે અને અલ્લાહ ઇચ્છશે તો અમે જરૂર આ ગાય શોધી કાઢીશું.

(71) ૭૧- (મૂસાએ) કહ્યું, તે ગાય એવી હોવી જોઈએ, જેનાથી કામ ન લેવામાં આવતું હોય, જે ન તો હળ ચલાવતી હોય અને ન તો ખેતરોને પાણી પીવડાવતી હોય, તે તંદુરસ્ત અને ખોડ વગરની હોવી જોઈએ, તેઓ કહેવા લાગ્યા, (મૂસા) હવે તમે ઠીક (લક્ષણો) બતાવી દીધા, (આટલી ચર્ચા કર્યા પછી) તેઓએ ગાય ઝબહ કરી, જ્યારે કે એવું લાગતું હતું કે તેઓ આ કામ નહિ કરી શકે.

(72) ૭૨- અને (હે બની ઇસ્રરાઈલ ! તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે તમે એક વ્યક્તિનું કત્લ કરી દીધું હતું, પછી તમે આ આરોપ એક બીજા પર મૂકી અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા અને તમારી ગુપ્ત વાતોને અલ્લાહ તઆલા જાહેર કરવાવાળો હતો.

(73) ૭૩- અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિની લાશ પર મારો (તે જીવિત થઈ જશે, અને કતલ કરવાવાળાનું નામ બતાવી દેશે) અલ્લાહ તઆલા આ જ પ્રમાણે મૃતકોને જીવિત કરશે અને તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે.

(74) ૭૪- (આટલી સ્પષ્ટ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) તમારા દિલ સખત થઈ ગયા, પથ્થર જેવા સખત અથવા તેના કરતાં પણ વધારે સખત થઇ ગયા, કારણકે પથ્થરો માંથી તો કેટલાક એવા પથ્થરો હોય છે, જેમાંથી નહેરો વહી નીકળે છે અને કેટલાક પથ્થરો તો એવા પણ હોય છે, જે ફાટી જાય તો તેમાંથી પાણી નીકળવા લાગે છે, અને કેટલાક પથ્થરો એવા પણ હોય છે, જે અલ્લાહના ભયથી (ભયભીત થઈ) પડી જાય છે અને જે કંઈ પણ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેનાથી અજાણ નથી.

(75) ૭૫- (મુસલમાનો) શું તમારી ઇચ્છા છે કે આ લોકો (યહૂદી) ઇમાન લઈ આવે, જો કે તેમાં એવા લોકો પણ છે, જે અલ્લાહની વાણીને સાંભળે છે, પછી તેને સારી રીતે સમજે લીધા પછી પણ તેમાં જાણી જોઈને ફેરફાર કરી દે છે.

(76) ૭૬- જ્યારે આ લોકો ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે, તો કહે છે કે અમે ઇમાન લઇ આવ્યા છે અને જ્યારે એકાંતમાં એક બીજા સાથે મુલાકાત કરે છે તો કહે છે કે શું તમે મુસલમાનોને તે (ભેદની) વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ વાતો તો અલ્લાહ પાસે તમારા વિરુદ્ધ પુરાવા બની જશે.

(77) ૭૭- શું તે (યહૂદી) આ વાત નથી જાણતા કે અલ્લાહતઆલા તેઓની છુપી અને જાહેર સૌ વાતોને જાણે છે ?

(78) ૭૮- અને તે (યહૂદી) માંથી એક જૂથ અજ્ઞાની લોકોનું છે, જેઓ કિતાબ (તૌરાત)નું જ્ઞાન ધરાવતા નથી, પરંતુ તેઓ કેટલીક આશાઓ રાખી બેઠા છે, અને તેમનું કામ ફક્ત એ જ છે કે તેઓ ખોટા અનુમાન કરતા રહે છે.

(79) ૭૯- એવા લોકો માટે વૈલ (જહન્નમની એક ખાડી) છે, જે પોતાના હાથોથી લખેલા પુસ્તકને અલ્લાહ તઆલા તરફનું પુસ્તક કહે છે, જેથી તેના દ્વારા થોડીક કમાણી કરી લે, વૈલ છે, તે લોકો માટે જેઓ પોતાના હાથ વડે લખે છે અને વૈલ છે તે લોકોએ કરેલ કમાણી પર. જે તેઓ કમાઇ રહ્યા છે.

(80) ૮૦- અને (યહૂદી) એવુ પણ કહે છે કે અમને તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં આગ સ્પર્શ કરશે, તેઓને કહી દો કે શું તમારી પાસે અલ્લાહ તઆલાનું કોઇ વચન છે, અને અલ્લાહ ક્યારેય પોતાનું વચન તોડતો નથી. પરંતુ તમે તો અલ્લાહ માટે તે વાતો કહો છો જેને તમે જાણતા નથી.

(81) નિંશંક જેણે પણ દુષ્કર્મો કર્યા અને તેની અવજ્ઞાઓએ તેને ઘેરાવમાં લઇ લીધો તો એવા જ લોકો જહન્નમી લોકો છે, જેમાં તે હંમેશા રહેશે.

(82) ૮૨- અને જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કરે તો આવા લોકો જ જન્નતી લોકો છે, જેમાં હંમેશા રહેશે.

(83) ૮૩- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે બની ઇસ્રાઇલની પાસેથી મજબૂત વચન લીધું કે તમે અલ્લાહ સિવાય બીજાની બંદગી નહી કરો અને માતા-પિતા સાથે સદ્ વર્તન કરશો અને એવી જ રીતે સગા-સંબંધીઓ, અનાથો અને લાચારો સાથે અને લોકોને સારી વાત કહેશો, નમાઝ કાયમ કરતા રહેશો અને ઝકાત આપતા રહેશો, પરંતુ તમારા માંથી થોડાક લોકો સિવાય બધા જ આ વચનથી ફરી ગયા અને મોઢું ફેરવી લીધું.

(84) ૮૪- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમારી પાસેથી વચન લીધું કે તમે અંદરો અંદર ખૂનામરકી નહિ કરો અને ન તો એક બીજાને દેશનિકાલ કરશો, તમે આ વાતોનો એકરાર કર્યો અને તમે પોતે જ ગવાહ બની ગયા.

(85) ૮૫- તમે જ તે લોકો છો, જેઓ અંદરો અંદર કત્લ કરો છો અને પોતાના માંથી જ કેટલાકનો દેશનિકાલ પણ કરો છો અને પાપ અને અત્યાચારના કાર્યોમાં તેઓના વિરોધમાં એકબીજાનો સાથ આપો છો, અને જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવે તો તમે તેઓ માટે મુક્તિદંડ આપી, તેમને છોડાવી લો છો પરંતુ તેમનો દેશનિકાલ જ તમારા ઉપર હરામ હતો, શું તમે કિતાબ (તૌરાત)ના કેટલાક આદેશોનું પાલન કરો છો અને કેટલાક આદેશોને નથી માનતા ? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોય શકે કે દૂનિયામાં તેનું અપમાન થાય અને કયામતના દિવસે તેને સખત અઝાબ આપવામાં આવે, અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.

(86) ૮૬- આ તે લોકો છે જેમણે દૂનિયાના જીવનને આખિરતના બદલામાં ખરીદી લીધું છે, તેમનો ન તો અઝાબ સાધારણ હશે અને ન તો તેઓની મદદ કરવામાં આવશે.

(87) ૮૭- અમે મૂસાને કિતાબ આપી અને તેમના પછી એક પછી એક પયગંબરો મોકલ્યા અને મરયમના દીકરા ઇસાને સ્પષ્ટ મુઅજિઝહ (પુરાવા) આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઇલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે તરત જ ઘમંડ કરવા લાગ્યા, (પયગંબરોના એક જૂથને) તમે જુઠલાવી દીધા અને એક જૂથને કત્લ કરી દીધા.

(88) ૮૮- આ લોકો (યહૂદી) કહે છે કે અમારા દિલો પર પરદો છે, પરંતુ તેઓના કૂફરના કારણે અલ્લાહ તઆલાએ તેમના પર લઅનત કરી છે, (તેમના માંથી) થોડાક જ ઇમાન થોડુંક જ ઈમાન લાવે છે.

(89) ૮૯ - અને તેમની પાસે એવી કિતાબ આવી ગઈ, જે કિતાબ (યહૂદી) પાસે છે, તેની પુષ્ટિ કરે છે, તેઓ તે કિતાબ વડે કાફિરો વિરુદ્ધ અલ્લાહ પાસે વિજય માંગતા હતા, પછી જ્યારે તે વસ્તુ (કિતાબ અથવા મુહમ્મદ) આવી ગયા, જેના વિશે તેઓ જાણતા હતા, તો પણ તેનો ઇન્કાર કરવા લાગ્યા, આવા કાફિરો પર અલ્લાહની લઅનત છે.

(90) ૯૦- અત્યંત ખરાબ વસ્તુ છે, જેના કારણે તેઓએ પોતાને વેચી દીધા, (અને તે ખરાબ વસ્તુ એ છે કે ) તેઓ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી હસદ કરે છે, કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર કરવા ઈચ્છી, તેના પર કૃપા કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને આવા કાફિરો માટે અપમાનિત કરી દેનાર અઝાબ હશે.

(91) ૯૧- અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ પર ઇમાન લાવો તો કહે છે કે અમે તે કિતાબ પર ઈમાન ધરાવીએ છીએ, જે અમારા માટે ઉતરી હતી, અને જે કંઈ (તૌરાત) સિવાય ઉતર્યું હોય, તેને અમે નથી માનતા, જો કે તે (કુરઆન) સત્ય છે, જે (તૌરાત)ની પણ પુષ્ટિ કરે છે, જે તેમની પાસે છે, હે પયગંબર ! તમે તેમને સવાલ કરો, જો તમે (પોતાની જ કિતાબ પર) ઈમાન ધરાવો છો તો આ પહેલા તમે અલ્લાહના પયગંબરોને કેમ કત્લ કરતા રહ્યા?

(92) ૯૨- તમારી પાસે તો મૂસા સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો પણ તમે વાછરડાની પુજા કરી, તમે છો જ અત્યાચારી.

(93) ૯૩- અને જ્યારે અમે તમારા પર તૂર પર્વત ઉભો કરી, તમારી પાસેથી વચન લીધું, (અને આદેશ આપ્યો હતો) કે જે કિતાબ તમને આપવામાં આવી રહી છે, તેના પર મજબૂતી સાથે અમલ કરશો, અને તેના આદેશો ધ્યાનથી સાંભળજો, તો તમારા (પહેલાના લોકો)એ કહ્યું, અમે આ આદેશ સાંભળી લીધો અને (દિલમાં કહ્યું) અમે સ્વીકાર નહિ કરીએ, તેઓના આ ઇન્કારના કારણે જ તેઓના દિલોમાં વાછરડાંની મુહબ્બ્ત ઠોસી દેવામાં આવી હતી, તમે તેમને કહીં દો કે જો તમે મોમિન છો, તો તમારું ઈમાન કેવી ખરાબ વાતોનો આદેશ આપે છે?

(94) ૯૪- તમે કહી દો કે જો આખિરતનું ઘર ફકત તમારા માટે જ છે, અને અલ્લાહની નજીક બીજા કોઇ માટે નથી તો આવો પોતાની સત્યવાતના પૂરાવા માટે મૃત્યુની ઇચ્છા કરો.

(95) ૯૫- પરંતુ તેઓ પોતે કરેલા કાર્યોના કારણે કયારેય મૃત્યુની ઇચ્છા નહી કરે, અલ્લાહ તઆલા અત્યાચારીઓને ખુબ સારી રીતે જાણે છે.

(96) ૯૬- (અને સત્ય વાત તો એ છે, હે નબી !) સૌથી વધારે દૂનિયાના જીવન માટે લોભી, તમે તેઓને જ જોશો, આ જીવનના લોભી મુશરિકો કરતા પણ વધારે લોભ્યા છે, તેઓ માંથી તો દરેક વ્યક્તિ એક હજાર વર્ષની વય ઇચ્છે છે, જો તેઓને આ વય આપવામાં પણ આવે તો પણ તેઓને અઝાબથી છુટકારો નહી અપાવે, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખુબ જ સારી રીતે જોઇ રહ્યો છે.

(97) ૯૭- (હે નબી) તમે કહી દો કે જે જીબ્રઇલનો શત્રુ હશે, (તે જાણી લે કે જિબ્રઇલે જ) આ કુરઆન અલ્લાહના આદેશથી તમારા દિલ ઉપર ઉતાર્યું છે, જે પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, અને આ કિતાબમાં ઇમાનવાળાઓ માટે હિદાયત અને ખુશખબરી છે.

(98) ૯૮- જે વ્યક્તિ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઇલ અને મીકાઇલ નો શત્રુ હોય, તો નિઃશંક અલ્લાહ પોતે જ એવા કાફિરોનો દુશ્મન છે.

(99) ૯૯- અને નિંશંક અમે તમારી તરફ સ્પ સ્પષ્ટ નિશાનીઓ ઉતારી છે, જેનો ઇન્કાર દુરાચારી સિવાય કોઇ નથી કરતું.

(100) ૧૦૦- આ લોકો જ્યારે પણ કોઇ વચન કરે છે તો તેઓનું કોઇ એક જૂથ તેને તોડી નાખે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો ઇમાન ધરાવતા જ નથી.

(101) ૧૦૧- જ્યારે પણ તેઓની પાસે અલ્લાહનો કોઇ પયગંબર તેઓની કિતાબની પુષ્ટી કરવાવાળો આવ્યો તે કિતાબવાળાના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ નાખી દીધી જેવી રીતે કે જાણતા જ નથી.

(102) ૧૦૨- અને (યહૂદી તૌરાતને છોડીને ) તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શૈયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાનએ કોઈ કૂફરનું (કામ) નહતું કર્યું, પરંતુ આ કૂફર તો જાદુ શીખવાડનાર શૈતાનો કરતા હતા, અને (યહૂદી તે વસ્તુની પણ પાછળ લાગી ગયા) જે બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું, તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક આઝમાયશ છે, તું કાફિર ન બન, તો પણ તે લોકો તે બન્ને પાસેથી એવી વાતો શીખતાં, જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય જો કે તેઓ અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો એવી વાતો શિખે છે, જે વાતો તેમને નુકસાન પહોંચાડતી અને ફાયદો ન પહોંચાડી શકે અને તે સારી રીતે જાણતા હતા, જેઓએ (ઉપર વર્ણવેલ) વાતોને ખરીદી તેને માટે આખિરતમાં કોઇ ભાગ નથી, કેટલી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત.

(103) ૧૦૩- જો આ લોકો ઇમાન લાવી દેં અને તકવો (પરહેજગારી) અપનાવતા, તો અલ્લાહ તઆલાની તરફથી ઉત્તમ ષવાબ તેઓને મળતો, જો તેઓ જાણતા હોત.

(104) ૧૦૪- હે ઇમાનવાળાઓ તમે નબી (મુહમ્મદ)ને રોઇના ન કહો, પરંતુ તેના (બદલામાં) ઉન્-ઝુર્ના (અમારી તરફ જૂઓ) કહો, અને ધ્યાનથી સાંભળો અને કાફિરો માટે દુંખદાયી અઝાબ છે.

(105) ૧૦૫- કિતાબવાળાના કેટલાક કાફિરો અને મુશરિકો બન્ને માંથી કોઈ ઇચ્છતું નથી તમારા પર તમારા પાલનહારની કોઇ કૃપા ઉતરે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની ખાસ દયા આપે છે, અલ્લાહ તઆલા ઘણી જ કૃપાવાળો છે.

(106) ૧૦૬- જે આયતને અમે રદ કરી દઇએ અથવા તો ભુલાવી દઇએ, તેનાથી ઉત્તમ અથવા તો તેના જેવી જ બીજી આયત લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવનાર છે.

(107) ૧૦૭- શું તમે જાણતા નથી કે ધરતી અને આકાશો અને ધરતીનું સામ્રાજ્ય અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય તમારો કોઇ દોસ્ત અને મદદ કરનાર નથી.

(108) ૧૦૮- શું તમે એવું ઈચ્છો છો કે પોતાના પયગંબર સામે એવા જ સવાલો કરતા જાઓ, જેવું કે પહેલા મૂસાને પુછવામાં આવ્યા હતા, જે વ્યક્તિ ઇમાનના માર્ગને કૂફરથી બદલી નાખે, તો ખરેખર તે સત્ય માર્ગથી ભટકી ગયો,

(109) ૧૦૯- (હે મુસલમાનો) કિતાબવાળાઓ માંથી ઘણા લોકો હસદના કારણે એવું ઇચ્છે છે કે તમારું ઈમાન લાવ્યા પછી તમને ફરીવાર કાફિર બનાવી દે, તેમના પર સત્ય સ્પષ્ટ થઈ ગયા છતાંય, (હે મુસલમાનો) તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરો, ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાનો આદેશ લઇ આવે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

(110) ૧૧૦- તમે નમાજ કાયમ કરો, અને ઝકાત આપો અને જે કંઇ ભલાઇના કાર્યો તમે આગળ મોકલશો તે ભલાઈને અલ્લાહ પાસે જોઇ લેશો, નિઃશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખુબ સારી રીતે જોઇ રહ્યો છે.

(111) ૧૧૧- આ લોકો કહે છે કે જન્નતમાં ફક્ત તે જ વ્યક્તિ દાખલ થશે, જે યહૂદી હોય અથવા ઈસાઈ હોય, આ તેમની જૂઠી મનેચ્છાઓ છે, તમેન તેઓને કહી દો કે જો તમે આ બાબતથી સાચા હોય કોઇ પુરાવા તો બતાવો.

(112) ૧૧૨- કેમ નહિ? (નિયમ એ છે) જે વ્યક્તિ પોતાનો ચહેરો અલ્લાહની સમક્ષ ઝુકાવી દેં, અને તે નેક કાર્યો કરવાવાળો હોય, તેને તેનો પાલનહાર બદલો આપશે, આવા લોકો પર ન તો કોઇ ડર હશે અને ન તો તેઓને કોઈ ગમ હશે.

(113) ૧૧૩- યહુદી કહે છે કે ઇસાઇઓ સત્યમાર્ગ પર નથી અને ઇસાઇઓ કહે છે કે યહુદીઓ સત્યમાર્ગ પર નથી, જ્યારે કે આ દરેક લોકો (તૌરાત) પઢે છે, આ પ્રમાણેની વાતો એવા લોકો પણ કહે છે, જેઓ અજ્ઞાનીઓ પણ વાતો કહે છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેઓના આ વિરોધનો નિર્ણય તેઓ વચ્ચે કરી દેશે,

(114) ૧૧૪- તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી લોકોને રોકે અને તેઓની બરબાદીની કોશીશ કરે, આવા લોકોએ ડર રાખતા જ મસ્જિદોમાં જવું જોઇએ, તેઓ માટે દૂનિયામાં પણ અપમાન છે અને આખિરતમાં પણ મોટો અઝાબ છે,

(115) ૧૧૫- પશ્ર્ચિમ અને પૂર્વનો બધું અલ્લાહ માટે જ છે, તમે જ્યાં પણ મોઢું ફેરવો ત્યાં જ અલ્લાહનું મોઢું છે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને ખુબ જાણનાર છે.

(116) ૧૧૬- (કિતાબવાળાઓ) કહે છે કે અલ્લાહ તઆલાની સંતાન છે (નહીં પરંતુ) અલ્લાહ તઆલા આ પ્રમાણેની વાતોથી પવિત્ર છે, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, તે સૌનો માલીક છે અનેં સૌ દરેકે તેના આજ્ઞાકારી છે.

(117) ૧૧૭- તે આકાશો અને ધરતીનું સૌ પ્રથમ સર્જનકરનાર છે, તે જે કાર્યને કરવાનો નિર્ણય કરી દે, કે થઇ જા બસ ! તે ત્યાંજ થઇ જાય છે.

(118) ૧૧૮- અજ્ઞાની લોકોએ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી સાથે વાત કેમ નથી કરતો અથવા અમારી પાસે કોઇ નિશાની કેમ નથી આવતી ? આ પ્રમાણેને વાત તેઓના પુર્વજોએ પણ કહી હતી, તેઓના અને તેમના પૂર્વજોના દિલ સરખા થઇ ગયા છે, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી છે.

(119) ૧૧૯- અમે તો તમને સત્ય સાથે ખુશખબરી આપનાર અને ડરાવનાર બનાવી મોકલ્યા છે અને તમને (મુહમ્મદ પયગંબર સાહેબ) જહન્નમીઓ વિશે તમને પુછવામાં નહી આવે.

(120) ૧૨૦- અને યહુદી તેમજ નસ્રાનીઓ તમારાથી ક્યારેય રાજી નહી થાય, જ્યાં સુધી કે તમે તેઓના દીનનું અનુસરણ ન કરવા લાગો, તમે તેમને કહી દો કે હિદાયત તો તે જ છે, જે અલ્લાહએ આપી છે અને જો તમે પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાંય તેઓની મનેચ્છાઓનું અનુસરણ કરશો, તો તમને અલ્લાહથી બચાવવા માટે કોઈ દોસ્ત અથવા મદદ કરનાર નહિ હોય.

(121) ૧૨૧- જે લોકોને અમે કિતાબ આપી છે અને તેઓ તે કિતાબને તેના હક મુજબ તિલાવત કરે છે, તો (ખરેખર) આ લોકો જ ઈમાન ધરાવે છે, અને જે લોકો આ કિતાબનો ઇન્કાર કરે છે, ખરેખર આવા લોકો જ નુકસાન ઉઠાવનાર છે.

(122) ૧૨૨- હે બની ઇસ્રાઇલ ! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમને આપી, અને મેં તો તમને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી હતી.

(123) ૧૨૩- તે દિવસથી ડરો, જે દિવસે કોઇ કોઇને કંઇ પણ ફાયદો નહી પહોંચાડી શકે, તે દિવસે ન તો તેમની પાસેથી કોઇ મુક્તિદંડ કબુલ કરવામાં આવશે, ન તો કોઈની ભલામણ તેમને ફાયદો પહોંચાડશે, અને ન તો તેઓની મદદ કરવામાં આવશે.

(124) ૧૨૪- અને જ્યારે ઇબ્રાહીમને તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી તો તેઓ દરેક કસોટીમાં ખરા ઉતર્યા, અલ્લાહએ કહ્યું કે હું તમને લોકોનો ઇમામ બનાવીશ, ઈબ્રાહીમે પૂછ્યું, (શું મારી સંતાનને) પણ આ વચન આપવામાં આવી રહ્યું છે? અલ્લાહ તઆલાએ કહ્યું, અત્યાચારી લોકો માટે મારું વચન નથી.

(125) ૧૨૫- (તે સમયને યાદ કરો) જ્યારે અમે બૈયતુલ્લાહ (કઅબા શરીફ) ને લોકો માટે એવી જગ્યા બનાવી દીધી, જેની તરફ (ઈબાદત) માટે જાય અને સંપૂર્ણ શાંતિની જગ્યા બનાવી, અને તમે ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો, અને અમે ઇબ્રાહીમ તેમજ ઇસ્માઇલ પાસેથી વચન લીધું કે તમે મારા ઘરને તવાફ કરવાવાળા અને એઅતેકાફ કરવાવાળા અને રૂકુઅ-સિજદો કરવાવાળાઓ માટે પાક-સાફ રાખો.

(126) ૧૨૬- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર ! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ અને અહીંયાના રહેવાસીઓ, જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન ધરાવનારા હોય, તું તેમને ફળોની રોજી આપ. અલ્લાહ તઆલાએ કહ્યું, જે કોઈ કૂફર કરશે તો હું તેમને પણ થોડોક ફાયદો આપીશ, પછી તેઓને આગના અઝાબ તરફ લાચાર કરી દઇશ, અને તે તદ્દન ખરાબ ઠેકાણું છે.

(127) ૧૨૭- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે ઈબ્રાહીમ અને ઇસ્માઇલ કાબાના પાયા અને દિવાલ બનાવતા જતા હતા, તે સમયે તે તેમણે દુઆ કરી કે હે અમારા પાલનહાર! તું અમારી પાસેથી (આ ખીદમત) કબુલ કરી લેં, નિઃશંક તું જ સાંભળનાર અને જાણવાવાળો છે.

(128) ૧૨૮- હે અમારા પાલનહાર ! અમે બન્નેને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન માંથી પણ એક જૂથને પોતાના આજ્ઞાકારી બનાવ અને અમને પોતાની બંદગી શિખવાડ અને અમારી તૌબા કબૂલ કર, તું તૌબા કબૂલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છે.

(129) ૧૨૯- હે અમારા પાલનહાર ! તેઓની તરફ તેમના માંથી જ એક પયગંબર મોકલ, જે તેમની સામે તારી આયતો પઢે, તેઓને કિતાબ અને હિકમત શિખવાડે અને તેઓને પવિત્ર કરે, નિઃશંક તું વિજયી અને હિકમતવાળો છે.

(130) ૧૩૦- ઇબ્રાહીમના દીનથી તે જ અનિચ્છા દર્શાવશે જે મૂર્ખ હશે, અમે તો (ઈબ્રાહીમ)ને દૂનિયામાં (અમારા કામ માટે) પસંદ કરી લીધા અને આખિરતમાં પણ તેઓ સદાચારી લોકો માંથી છે.

(131) ૧૩૧- જ્યારે પણ તેઓને તેઓના પાલનહારે કહ્યું, આજ્ઞાકારી બની જાઓ, તો તેઓએ કહ્યું, હું સમગ્રસૃષ્ટિના પાલનહારનો આજ્ઞાકારી બની ગયો છું.

(132) ૧૩૨- અને તેની જ વસિયત, ઇબ્રાહીમ અને યાકુબે પોતાના સંતાનને કરી કે હે અમારા સંતાનો ! અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીનને પસંદ કરી લીધો છે, ખબરદાર ! તમે મુસલમાન થઇને જ મૃત્યુ પામજો.

(133) ૧૩૩- શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને પૂછ્યું કે મારા પછી તમે કોની બંદગી કરશો ? તો સૌએ જવાબ આપ્યો કે અમે તે અલ્લાહની બંદગી કરીશું, જે તમારો અને તમારા પૂર્વજો ઇબ્રાહીમ, ઇસ્માઇલ અને ઇસ્હાકનો મઅબૂદ છે, જે એક જ છે અને અમે તેના જ આજ્ઞાકારી છે.

(134) ૧૩૪- આ એક જૂથ હતું, જે પસાર થઇ ગયું જે કંઈ તે જૂથે અમલો કર્યા તે તેઓના માટે જ છે, અને જે તમે કરશો તે તમારા માટે છે, તેઓના કાર્યો વિશે તમને પુછવામાં નહી આવે.

(135) ૧૩૫- યહૂદી લોકો કહે છે કે યહુદી બની જાઓ તો હિદાયત પામશો અને અને ઇસાઇ લોકો કહે છે કે ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે તેમને કહો, પરંતુ જે વ્યક્તિ ઈબ્રાહીમના દીન પર હશે, તે હિદાયત પામશે, અને ઇબ્રાહીમ ફકત અલ્લાહની જ બંદગી કરવાવાળા હતા અને તેઓ મુશરિક ન હતા.

(136) ૧૩૬- હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે.

(137) ૧૩૭- જો (કિતાબવાળાઓ) તમારી જેમ જ ઇમાન લાવે તો તેઓ પણ હિદાયત પર આવી જશે અને જો તેઓ મોઢું ફેરવે તો તે ખુલ્લા વિરોધી બની જશે, અલ્લાહ તઆલા તમારા માટે તેઓના વિરુદ્ધ પુરતો છે, અને તે બધું જ સાંભળનાર અને જાણવાવાળો છે.

(138) ૧૩૮- (અને તેઓને કહી દો કે અમે) અલ્લાહનો રંગ (અપનાવ્યો) અને અલ્લાહથી શ્રેષ્ઠ રંગ કોનો હોઇ શકે છે? અને અમે તો તેની જ બંદગી કરવાવાળા છે.

(139) ૧૩૯- તમે તેમને કહી દો, શું તમે અમારી સાથે અલ્લાહ બાબતે ઝઘડો કરી રહ્યા છે, જે અમારો અને તમારો પાલનહાર છે? અમારા માટે અમારા કાર્યો અને તમારા માટે તમારા કાર્યો છે, અમે તો (અમારી બંદગી) તેના માટે જ ખાસ કરી લીધી છે.

(140) ૧૪૦- (હે કિતાબવાળાઓ) શું તમે એમ છો કે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેઓના સંતાન યહુદી અથવા ઇસાઇ હતા ? કહી દો શું તમે વધુ જાણો છો અથવા અલ્લાહ તઆલા ? અલ્લાહ પાસે ગવાહી છુપાવનારથી વધુ અત્યાચારી કોણ હોઇ શકે ? અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી.

(141) ૧૪૧- આ એક જૂથ હતું, જે પસાર થઇ ગયું, જે કંઈ તેઓએ કર્યુ તે તેઓ માટે છે અને જે તમે કર્યુ તે તમારા માટે છે, તમને તેઓના કાર્યોની બાબત પુછવામાં નહી આવે.

(142) ૧૪૨- નજીકમાં જ નાદાન લોકો કહેશે કે મુસલમાનોને તેમના પહેલા કિબ્લાથી કંઈ વસ્તુએ ફેરવી દીધા? તમે કહી દો કે પૂર્વ અને પશ્ર્ચિમતો અલ્લાહ તઆલા માટે જ છે, તે જેને ઇચ્છે, સત્યમાર્ગ બતાવે છે.

(143) ૧૪૩- અને આવી જ રીતે (હે મુસલમાનો)! અમે તમને 'ઉમ્મતે વસત' બનાવી છે, જેથી તમે લોકો ઉપર સાક્ષી બની જાઓ અને પયગંબર (મુહમ્મદ) તમારા પર સાક્ષી બની જાય, જે કિબ્લા પર તમે પહેલાથી હતા તેને અમે ફકત એટલા માટે નક્કી કર્યો હતો કે અમે જાણી લઇએ કે પયગંબર નો સાચો આજ્ઞાકારી કોણ છે ? અને કોણ છે જે પોતાની એડીઓ વડે પાછો ફરે છે, જો કે આ કાર્ય (કિબ્લો બદલવો) સખત છે પરંતુ જેને અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે (તેઓ માટે કોઇ સખત નથી) અલ્લાહ તઆલા તમારા ઇમાનને વેડફી નહી નાખે, અલ્લાહ તઆલા લોકો સાથે દયા અને કૃપા કરવાવાળો છે.

(144) ૧૪૪- (હે પયગંબર) અમે તમારા મોઢાને વારંવાર આકાશ તરફ ઉઠતા જોઇ રહ્યા છે, હવે અમે તમને તે કિબ્લા તરફ ફેરવીશું જેનાથી તમે ખુશ થઇ જાઓ, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી લો અને તમે જ્યાં પણ હોવ, પોતાનું મોઢું તેની જ તરફ કરો, જે લોકોને કિતાબ (તૌરાત) આપવામાં આવી છે, તે લોકો સારી રીતે જાણે છે કે કિબ્લા બદલવાનો આદેશ તેમના પાલનહાર તરફથી સચોટ છે.(તો પણ) જે કંઈ આ લોકો કરી રહ્યા છે, તેનાથી અલ્લાહ અજાણ નથી.

(145) ૧૪૫- તમે જે કંઈ પણ નિશાનીઓ કિતાબવાળાઓ પાસે લઈ આવશો તો પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ નહી કરે, અને ન તમે તેઓના કિબ્લાનું અનુસરણ કરી શકો છો અને કોઈ પણ એક બીજાના કિબ્લાનું અનુસરણ કરવાવાળા નથી, જો તમારી પાસે ઇલ્મ આવી ગયા છતાંય તેઓની મનેચ્છાઓ પાછળ લાગી ગયા તો ખરેખર તમે પણ અત્યાચારી બની જશો.

(146) ૧૪૬- જેઓને અમે કિતાબ (તૌરાત) આપી છે તેઓ (આ કઅબાને) તો એવી રીતે જાણે છે જેવું કે તેઓ પોતાની સંતાનને ઓળખે છે, તેઓનું એક જૂથ સત્યને ઓળખ્યા પછી પણ છુપાવે છે.

(147) ૧૪૭- (આ કિબ્લામાં ફેરફારનો આદેશ) તમારા પાલનહાર તરફથી જ છે, જે ખરેખર સાચો છે, ખબરદાર ! તમે (આના વિશે) શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જશો,

(148) ૧૪૮- દરેક વ્યક્તિ એક ના એક તરફ ફરી રહ્યો છે, તમે સદકાર્યો તરફ આગળ વધો, જ્યાં પણ તમે હશો અલ્લાહ તમને લઇ આવશે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(149) ૧૪૯- અને તમે જ્યાંથી પણ (સફર વગેરે) માટે નીકળો તો પોતાનું મોઢું (નમાઝ માટે) મસ્જિદે હરામ તરફ કરી લો. આ નિર્ણય તમારા પાલનહાર તરફથી સત્ય નિર્ણય છે, જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી.

(150) ૧૫૦- અને જે જગ્યાથી તમે નીકળો તો (નમાઝના સમયે) પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો અને જ્યાં પણ તમે હોવ પોતાનું મોઢું તેની જ તરફ કર્યા કરો, જેથી લોકોનો કોઇ પુરાવો તમારા વિરુદ્ધ બાકી ન રહે, પરંતુ તેમના માંથી જેઓ અન્યાયી છે, (તેઓ વિરોધ કરતા જ રહેશે) તમે તેમનાથી ન ડરો, મારાથી જ ડરો જેથી તમારા પર પોતાની કૃપા પૂરી કરું અને એટલા માટે પણ કે તમે હિદાયત મેળવી લો.

(151) ૧૫૧- જેવું કે અમે (તમને એક ઇનામ આપ્યું) કે તમારા માંથી જ એક પયગંબર મોકલ્યા, જે અમારી આયતો તમારી સમક્ષ પઢે છે, અને તમને પવિત્ર કરે છે, અને તમને કિતાબ તેમજ હિકમત અને તે વસ્તુઓ શિખવાડે છે જેનાથી તમે અજાણ હતા.

(152) ૧૫૨- એટલા માટે તમે મને યાદ રાખો, હું પણ તમને યાદ કરીશ, મારો આભાર માનો અને કૃતજ્ઞાથી બચો.

(153) ૧૫૩- હે ઇમાનવાળાઓ ! સબર અને નમાજ વડે (અલ્લાહથી) મદદ માંગો, અલ્લાહ તઆલા સબર કરવાવાળાની સાથે છે.

(154) ૧૫૪- અને અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદ થવાવાળાઓને મૃતક ન કહો, તેઓ જીવિત છે, પરંતુ તમે સમજતા નથી.

(155) ૧૫૫- અને અમે કોઇને કોઇ રીતે તમારી કસોટી જરૂરથી કરીશું, શત્રુના ભયથી, ભુખ અને તરસ વડે, ધન અને જીવ વડે, અને ફળોની અછતથી અને ધીરજ રાખનારને ખુશખબરી આપી દો.

(156) ૧૫૬- તેમના પર જ્યારે કોઇ મુસીબત આવી પહોંચે છે તો કહી દે છે કે અમે તો પોતે અલ્લાહની માલિકી હેઠળ છે અને અમે તેની જ તરફ પાછા ફરવાના છે.

(157) ૧૫૭- આવા લોકો પર જ તેઓના પાલનહારની કૃપાઓ અને દયાઓ થતી રહે છે અને આ જ લોકો હિદાયતના માર્ગે છે.

(158) ૧૫૮- સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે, એટલા માટે બૈયતુલ્લાહનો હજ અને ઉમરહ કરવાવાળા પર, તેનો (સફા અને મરવહ) તવાફ કરવામાં કોઇ ગુનોહ નથી, પોતાની રજાથી ભલાઇ કરવાવાળાની અલ્લાહ કદર કરે છે, અને તેઓને ખુબ જ સારી રીતે જાણે છે.

(159) ૧૫૯- જે લોકો અમારા અવતરિત કરેલા સ્પષ્ટ પુરાવા અને હિદાયતને છુપાવે છે, જ્યારે કે અમે પોતાની કિતાબમાં લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરી ચુકયા છે, આવા લોકો પર અલ્લાહ લઅનત કરે છે અને દરેક લઅનત કરવાવાળાઓ પણ લઅનત કરે છે.

(160) ૧૬૦- પરંતુ જે લોકોએ (આ કામથી) તૌબા કરી લીધી અને પોતાનો સુધારો કરી લીધો અને (જે વાત છુપાવી હતી) તેને સ્પષ્ટ કરી દીધી, તો હું આવા લોકોની જ તૌબા કબુલ કરું છું અને હું તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છું.

(161) ૧૬૧- નિંશંક જે લોકો કૂફર કરે છે અને કૂફરની સ્થિતિમાં જ મૃત્યુ પામ્યા તો આવા લોકો પર જ અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત છે.

(162) ૧૬૨- તે લોકો હંમેશા એક જ સ્થિતિમાં રહેશે, ન તો તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન તો તેઓને કોઈ મહેતલ આપવામાં આવશે.

(163) ૧૬૩- તમારો ઇલાહ એક જ છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે.

(164) ૧૬૪- આકાશો અને ધરતીના સર્જનમાં, રાત-દિવસના આવવા જવામાં, અને તે હોડીમાં, જે લોકોને ફાયદો પહોંચાડવાવાળી વસ્તુઓને લઇને સમુદ્રોમાં ચાલે છે, અલ્લાહ તઆલાનું આકાશ માંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવામાં, અને તેમાં દરેક સજીવને ફેલાવી દેવામાં, હવાઓના પરિભ્રમણમાં અને તે વાદળમાં, જે આકાશ અને ધરતી વચ્ચે આજ્ઞાકિત બનીને રહે છે, તેમાં બુધ્ધીશાળી લોકો માટે અલ્લાહની નિશાનીઓ છે.

(165) ૧૬૫- (આ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) કેટલાક લોકો એવા પણ છે, જેઓ અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત કરે છે જેવી મુહબ્બત અલ્લાહથી હોવી જોઇએ, અને ઇમાનવાળાઓ સૌથી વધારે અલ્લાહથી જ મુહબ્બત કરે છે, કદાચ જાલિમો જ્યારે અલ્લાહનો અઝાબ જોઇ લેશે તો (જાણી લેશે) કે દરેક પ્રકારની તાકાત અલ્લાહ પાસે જ છે, અને અલ્લાહ સખત અઝાબ આપનાર છે.

(166) ૧૬૬- જે સમયે ભાગીદારો પોતાના અનુયાયીઓથી કંટાળી જશે અને અઝાબને પોતાની આંખોથી જોઇ લેશે તો તેમની વચ્ચે દરેક પ્રકારના સંબંધો તુટી જશે.

(167) ૧૬૭- અને તેમના આજ્ઞાંકિત લોકો કહેવા લાગશે, કદાચ અમને દુનિયા તરફ બીજી વાર મોકલવામાં આવશે તો અમે પણ તેમનાથી એવી જ રીતે અળગા થઈ જઈશું, જેવી રીતે તેઓ અમારાથી અળગા થઈ ગયા છે, અલ્લાહ તઆલા તેમને પોતાના કાર્યો બતાવી દેશે, જે કાર્યો તેમના માટે અફસોસનું કારણ બનશે, તેઓ કદાપિ જહન્નમ માંથી નહી નીકળે.

(168) ૧૬૮- હે લોકો ! ધરતી પર જેટલી પણ હલાલ અને પવિત્ર વસ્તુઓ છે તે ખાઓ અને શૈતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે.

(169) ૧૬૯- તે તમને ફકત બુરાઇ અને અશ્ર્લિલતા અને અલ્લાહ માટે એવી વાતો કહેવાનો આદેશ આપશે જેનું તમને જ્ઞાન નથી.

(170) ૧૭૦- અને જ્યારે તેઓ (કાફિરો અને મુશરિકો)ને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબનું અનુસરણ કરો તો જવાબ આપે છે કે અમે તો તે જ માર્ગનું અનુસરણ કરીશું જેના પર અમે અમારા પુર્વજોને જોયા, જો કે તેઓના પુર્વજો નાસમજ અને હિદાયત પર ન હતા.

(171) ૧૭૧- કાફિરોનું ઉદાહરણ તે જાનવરો જેવું છે જે પોતાના રખેવાળની ફકત અવાજ જ સાંભળે છે (સમજતા નથી) (આ પ્રમાણે જ કાફિરો પણ) બહેરા, મૂંગા અને આંધળા છે, તેઓ કોઈ વાત સમજી શકતા નથી.

(172) ૧૭૨- હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ , અને અલ્લાહ તઆલાનો આભાર માનો, જો તમે ફકત તેની જ બંદગી કરતા હોય.

(173) ૧૭૩- તમારા પર મૃતક અને (વહેતું) લોહી અને ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ, જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય, હરામ છે. પછી જેની પાસે કોઇ વિકલ્પ ન હોય અને તે હદવટાવી જનાર અને અત્યાચારી ન હોય, તેના પર તે ખાવું કોઇ પાપ નથી, અલ્લાહ તઆલા માફ કરી દેનાર, કૃપાળુ છે.

(174) ૧૭૪- નિંશંક જે લોકો અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબને છુપાવે છે અને તેને નજીવી કિંમતે વેચે છે, ખરેખર આ લોકો પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેઓ સાથે વાત પણ નહી કરે, ન તેઓને પવિત્ર કરશે, પરંતુ તેઓ માટે દુંખદાયી અઝાબ હશે.

(175) ૧૭૫- આ જ તે લોકો છે, જેમણે ગુમરાહીને હિદાયતના બદલામાં અને અઝાબને માફીના બદલામાં ખરીદી લીધી છે, આ લોકો આગનો અઝાબ કેટલી સહન કરી શકશે?

(176) ૧૭૬- તે અઝાબનું કારણ ફક્ત એ જ છે હતું કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ અવતરિત કરી અને જે લોકોએ કિતાબનો વિરોધ કર્યો તેઓ પથભ્રષ્ટતામાં દૂર સુધી જતા રહ્યા.

(177) ૧૭૭- નેકી પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર નેકી તે છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે, જે વ્યક્તિના દિલમાં માલની મુહબ્બત હોવા છતાં સગા-સંબધીઓ, યતીમો, લાચારો, મુસાફરો અને માંગનારને આપે, ગુલામને આઝાદ કરે, નમાજની પાબંદી કરે અને ઝકાત આપતો રહે, જ્યારે વચન કરે ત્યારે તેને પુરૂ કરે, આપત્તિ, દુંખદર્દ અને ઝઘડા વખતે ધીરજ રાખે, આવા લોકો જ સાચા છે અને આવા લોકો જ ડરનારાઓ છે.

(178) ૧૭૮- હે ઇમાનવાળાઓ ! જે લોકોનું (નાહક) કતલ કરી દેવામાં આવે, તેમની બાબતે તમારા પર કિસાસ (લેવાનો આદેશ) જરૂરી કરી દેવામાં આવ્યો છે, સ્વતંત્ર વ્યક્તિ-સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસ-દાસના બદલામાં, સ્ત્રી-સ્ત્રીના બદલામાં (જ કતલ કરવામાં આવે). જો કતલ કરનારને કતલ થયેલ વ્યક્તિના ભાઈ તરફથી કંઇક માફ કરી દેવામાં આવે તો સ્થિતિ પ્રમાણે (કતલની રકમ) તલબ કરવી (વારસદસરનો) અધિકાર છે, અને તે (રકમ) એહસાન તરીકાથી આપવી જોઈએ, તમારા પાલનહાર તરફથી સરળતાનો માર્ગ બતાવવમાં આવ્યો છે, અને તમારા પાલનહાર તરફથી રહેમત છે, તે પછી પણ જો કોઈ અતિરેક કરે તો તેના માટે દુંખદાયી અઝાબ હશે.

(179) ૧૭૯- અને હે બુધ્ધીશાળી લોકો ! તમારા માટે કિસાસ લેવામાં જ જીવન છે, (અને આ કાનૂન એટલા માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે,) કે તમે બધા આ પ્રમાણેના કાર્યોથી બચીને રહો.

(180) ૧૮૦- તમારા પર જરૂરી કરી દેવામાં આવ્યું છે કે જ્યારે તમારા માંથી કોઇ મૃત્યુની અવસ્થામાં હોય અને ધન છોડી જતો હોય તો પોતાના માતા-પિતા અને સંબંધીઓ માટે સારી રીતે વસિયત કરી દેં, (આ પ્રમાણેની વસિયત કરવી) ડરવાવાળાનો હક છે.

(181) ૧૮૧- પછી જો કોઈ વ્યક્તિ (વસિયતને) સાંભળ્યા પછી બદલી નાખે તો તેનો ગુનોહ બદલવાવાળાઓ પર જ હશે, ખરેખર અલ્લાહ તઆલા સાંભળવાવાળો, જાણવાવાળો છે.

(182) ૧૮૨- હાઁ, જો કોઈ વ્યક્તિને અંદેશો હોય કે વસિયત કરનાર કોઈની અયોગ્ય તરફ્દારી અથવા ગુનાહ કરી રહ્યો છે, અને તે વારસદારો વચ્ચે સુલેહ કરાવી દે, તો તેના પર કોઈ ગુનોહ નથી અને અલ્લાહ તઆલા માફ કરનાર, અત્યંત દયાળું છે.

(183) ૧૮૩- હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ.

(184) ૧૮૪- (આ રોઝાના) ગણતરીના થોડાક જ દિવસ હોય છે, જો તમારા માંથી કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોમાં ગણતરી પુરી કરી લે અને જે વ્યક્તિ રોઝા રાખવાની શક્તિ ધરાવતો હોય, છતાં પણ રોઝો ન રાખે તો તેના માટે ફિદયહમાં એક લાચારને ખાવાનું ખવડાવવુ છે, અને જો ભલાઈ કરવામાં વધારો કરે, તો તે તેના માટે બહેતર છે, પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય રોઝા રાખવા જ છે, જો તમે જાણતા હોય.
શક્તિ ધરાવતા હોવા છતાંય જો રોઝા ન રાખે તો તેણે એક લાચારને ખાવાનું ખવડાવવું જોઈએ, આ આદેશ ફક્ત એવા વૃદ્ધ લોકો માટે છે, જેઓ પોતાની વૃદ્ધાવસ્થાના કારણે રોઝો ન રાખી શકતા હોય.

(185) ૧૮૫- રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, (કારણકે) અલ્લાહ તઆલા તમારી સાથે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો.

(186) ૧૮૬- (અને હે નબી !)જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળાની પોકારને જ્યારે પણ તે મને પોકારે, હું તેની પોકારને કબૂલ કરું છું, એટલા માટે તેઓ મારો આદેશ માને અને મારા પર જ ઇમાન ધરાવે, આશા છે કે તેઓ હિદાયત મેળવી લે.

(187) ૧૮૭- રોઝાની રાત્રીઓમાં પોતાની પત્નિઓ સાથે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે, તે તમારો પોશાક છે અને તમે તેણીઓનો પોશાક છો, તમારી છુપી અપ્રમાણિકતાને અલ્લાહ તઆલા જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમને માફ કરી દીધા, હવે તમે તેણીઓ સાથે સમાગમ કરી શકો છો અને જે કંઈ અલ્લાહ તઆલાએ તમારા માટે લખીને રાખ્યું છે તેને તલબ કરો, અને ફજરના સમય સુધી જ્યાં સુધી સફેદ દોરો કાળા દોરા દ્વારા જાહેર ન થઈ જાય તમે ખાઇ-પી શકો છો પછી રાત સુધી રોઝો પુરો કરો જ્યારે તમે મસ્જિદોમાં એઅતિકાફ કરો તો પછી પત્નિઓ સાથે તે સમયે સમાગમ ન કરો, આ અલ્લાહ તઆલાની હદો છે, તમે તેની નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતો લોકો માટે સ્પષ્ટ બયાન કરે છે, જેથી લોકો પરહેજગાર બની જાય.

(188) ૧૮૮- અને એક બીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ, ન ન્યાયાધીશો પાસે કોઈ બાબત એટલા માટે લઈ જાઓ કે તમે કોઇનું ધન અયોગ્ય રીતે અપનાવી લો, જ્યારે કે (સત્ય વાત) તમે જાણો છો.

(189) ૧૮૯- લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) ઘરોની પાછળથી તમારૂ આવવું કોઈ સદકાર્ય નથી, પરંતુ નેકી તો તે છે, જે ડરવાવાળો હોય, એટલા માટે ઘરોના દરવાજાઓથી જ આવો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ બની જાવ.

(190) ૧૯૦- અલ્લાહના માર્ગમાં તે લોકોની સાથે લડો, જેઓ તમારી સાથે લડે છે અને અતિરેક ન કરશો, (કારણકે)અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો.

(191) ૧૯૧- તેઓ સાથે લડો, જ્યાં પણ તેઓ આમને સામને આવી જાય અને તેઓને ત્યાંથી કાઢી મુકો, જ્યાંથી તેઓએ તમને કાઢયા છે અને ફિતનો કતલ કરતા પણ વધારે ખરાબ છે અને મસ્જિદે હરામ પાસે તેઓની સાથે ઝઘડો ન કરશો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારી સાથે ઝઘડો ન કરે, જો તેઓ તમારા સાથે તે જગ્યા પર ઝઘડે તો તમે પણ તેઓને કતલ કરો, કાફિરો માટે આ જ બદલો છે.

(192) ૧૯૨- જો આ લોકો (લડાઇ-ઝઘડો) છોડી દે તો અલ્લાહ તઆલા માફ કરનાર, અત્યંત કૃપાળુ છે.

(193) ૧૯૩- તેઓની સાથે લડો જ્યાં સુધી કે ફિતનો ખતમ ન થઇ જાય અને દીન અલ્લાહ તઆલા માટે જ થઈ જાય, પછી જો આ લોકો અટકી જાય (તો તમે પણ અટકી જાવ) અતિરેક તો ફકત અત્યાચારીઓ પર જ છે.

(194) ૧૯૪- પવિત્ર મહીનાનો બદલો પવિત્ર મહીનામાં છે અને પવિત્ર મહિનાઓમાં પણ બદલો લેવાના આદેશો લાગુ પડે છે, જો કોઈ તમારા પર અતિરેક કરે તો તમે પણ તેના પર તેના જેવો જ અતિરેક કરી શકો છો, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.

(195) ૧૯૫- અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરો અને પોતાને પોતાના હાથ જ બરબાદ ન થાઓ અને અહેસાન ભર્યો વ્યવહાર કરો, અલ્લાહ તઆલા અહેસાન કરવાવાળાઓને પસંદ કરે છે.

(196) ૧૯૬- હજ્જ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો, હાઁ જો તમને રોકી લેવામાં આવે તો જે કુરબાનીની સહુલત હોય તેને કરી નાખો અને ત્યાં સુધી મુંડન ન કરાવો, જ્યાં સુધી કે કુરબાની કુરબાનીની જગ્યાએ ન પહોંચી જાય, હાઁ તમારા માંથી જે બિમાર હોય અથવા તેના માથામાં કોઇ તકલીફ હોય (તો મુંડન કરી શકે છે.) પરંતુ તેના પર મુક્તિદંડ છે, ઇચ્છે તો રોઝો રાખી લે અથવા તો દાન કરી દે અથવા તો કુરબાની કરી દે, બસ જ્યારે તમે શાંતિની સ્થિતીમાં આવી જાવ તો જે વ્યક્તિ ઉમરહથી લઇ હજ્જ સુધી તમત્તુઅ (હજ્જનો એક પ્રકાર) કરે, બસ ! તેને જે કુરબાનીની સહુલત હોય તેને કરી દે, જેને શક્તિ ન હોય તે ત્રણ રોઝા હજ્જના દિવસોમાં રાખી લે અને સાત રોઝા પાછા ફરતી વખતે, આ પુરા દસ રોઝા થઇ ગયા, આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય, લોકો ! અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે.

(197) ૧૯૭- હજના મહિના દરેક લોકો જાણે છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ કરે તે પોતાની પત્નિ સાથે સમાગમ કરવાથી, ગુનાહ કરવાથી અને લડાઇ ઝઘડો કરવાથી બચતો રહે, તમે જે પણ સદકાર્ય કરો છો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે, અને પોતાની સાથે સફર ખર્ચ લઇ લો, અને હજના સફરમાં સૌથી ઉત્તમ ભથ્થું તો અલ્લાહ તઆલા નો ડર છે અને હે બુધ્ધિશાળી લોકો ! મારાથી ડરતા રહો.

(198) ૧૯૮- (અને જો હજના સમયે) પોતાના પાલનહારની કૃપા (રોજી) શોધવામાં કોઇ વાંધો નથી, જ્યારે તમે અરફાત થી પાછા ફરો તો મશઅરે હરામ (એક પવિત્ર જગ્યાનું નામ) પાસે અલ્લાહના નામને યાદ કરો અને તેને એવી રીતે યાદ કરો જેવી રીતે તેણે તમને માર્ગદર્શન આપ્યું, જો કે તમે આ પહેલા માર્ગથી ભટકી ગયેલા હતા.

(199) ૧૯૯- પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી સૌ પાછા ફરે છે અને અલ્લાહ તઆલાથી માફી માંગતા રહો, નિંશંક અલ્લાહ તઆલા માફ કરનાર, અત્યંત દયાળુ છે.

(200) ૨૦૦- પછી જ્યારે તમે હજના સિદ્રાંતો પુરા કરી લો તો અલ્લાહના નામને એવી રીતે યાદ કરો, જે રીતે તમે પોતાના પુર્વજોને કરતા હતા, પરંતુ તેનાથી પણ વધારે, કેટલા લોકો એવા પણ છે, જેઓ કહે છે હે અમારા પાલનહાર ! અમને દુનિયામાં જ ભલાઇ આપી દે, આવા લોકો માટે આખિરતમાં કોઇ ભાગ નથી.

(201) ૨૦૧- અને કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.

(202) ૨૦૨- આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા નજીકમાંજ તેમનો હિસાબ આપી દેશે.

(203) ૨૦૩- અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજહની ૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, શરત એ કે તે અલ્લાહથી ડરવાવાળાઓ હોય અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમને સૌને તેની જ તરફ ભેગા કરવામાં આવશે.

(204) ૨૦૪- અને લોકો માંથી એક તે વ્યક્તિ પણ છે, જેની દૂનિયાની વાતો તમને રાજી કરી દે છે અને તે પોતાના દિલની વાતો પર અલ્લાહને સાક્ષી ઠેરવે છે, જો કે તે કજિયાખોર છે.

(205) ૨૦૫- જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી.

(206) ૨૦૬- અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, તો તેનું ઘમંડ તેને ગુનોહ કરવા પર જમાવી દે છે, આવા લોકોનું ઠેકાણું ફકત જહન્નમ છે અને નિઃશંક તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.

(207) ૨૦૭ - અને લોકો માંથી કોઈ એવો પણ છે, જે અલ્લાહ તઆલાને રાજી કરવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે અને અલ્લાહ તઆલા આવા બંદાઓ પર ઘણી જ કૃપા કરવાવાળો છે.

(208) ૨૦૮- હે ઇમાનવાળાઓ ! ઇસ્લામમાં પુરેપુરા દાખલ થઇ જાવ અને શેતાનના માર્ગનું અનુસરણ ન કરો, કારણકે તે તમારો ખુલ્લો દુશ્મન છે.

(209) ૨૦૯- તમારી પાસે સ્પષ્ટ પુરાવા આવી જવા છતાં પણ પથભ્રષ્ટ થઈ જાવ તો જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે,

(210) ૨૧૦- શું લોકો તે વાતની રાહ જૂએ છે કે તેઓ પાસે પોતે અલ્લાહ તઆલા ઘુમ્મસના છાયાઓમાં આવી જાય અને ફરિશ્તાઓ પણ, અને કાર્યોના નિર્ણય (હમણાં) જ કરવામાં આવે, અલ્લાહ તરફ જ દરેક કાર્યો ફેરવવામાં આવે છે,

(211) ૨૧૧- બની ઇસ્રાઇલને સવાલ કરો કે અમે તેઓને કેવી કેવી ખુલ્લી નિશાનીઓ આપી અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની નેઅમતો ને પોતાની પાસે પહોંચી ગયા પછી બદલી નાખે (તે જાણી લે) કે અલ્લાહ તઆલા સખત અઝાબના આપનાર છે.

(212) ૨૧૨- કાફિરો માટે દૂનિયાનું જીવન ઘણું જ શણગારવામાં આવ્યું છે, તે ઇમાનવાળાઓની ઠઠ્ઠા-મશકરી કરે છે, જો કે ડરવાવાળાઓ કયામતના દિવસે તેઓથી ઉત્તમ હશે, (દુનિયાના જીવનમાં) અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે ઘણી જ રોજી આપે છે.

(213) ૨૧૩- (શરૂઆતમાં) દરેક લોકો એક જ ઉમ્મત હતા, (પછી તેઓએ અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા) તો અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેમની સાથે-સાથે સત્ય વાતની પુષ્ટિ માટે કિતાબ પણ ઉતારી, જેથી તેઓ લોકો વચ્ચે તેમના ઝઘડાઓનો નિર્ણય કરી દે, અને ફક્ત તે લોકો, જેમની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાંય પણ તેઓએ પોતાના વિદ્રોહ અંદરો અંદર મતભેદ કર્યો, અને જે લોકો પયગંબરો પર ઈમાન લઈ આવ્યા, તેઓને અલ્લાહ તઆલાએ પોતાની ઇચ્છાથી તેમને આ બાબતે સત્ય માર્ગ બતાવી દીધો, અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે, સત્ય માર્ગદર્શન આપે છે.

(214) ૨૧૪- શું તમે એવું વિચારી છો કે જન્નતમાં ચાલ્યા જશો ? જો કે હજુ સુધી તમારા પર તે સ્થિતી નથી આવી, જે તમારા પુર્વજો પર આવી હતી, તેઓને બિમારીઓ અને તકલીફો પહોંચી અને તેઓને ત્યાં સુધી હલાવી નાખવામાં આવ્યા કે પયગંબર અને તેઓની સાથે ઇમાનવાળાઓ કહેવા લાગ્યા, અલ્લાહની મદદ ક્યારે આવશે ? સાંભળો કે અલ્લાહ ની મદદ નજીકમાં જ આવશે.

(215) ૨૧૫- લોકો તમને સવાલ કરે છે કે તેઓ શું ખર્ચ કરે ? તમે કહી દો કે જે ધન તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે છે અને સગા-સબંધી અને અનાથો, લાચારો અને મુસાફરો માટે છે અને તમે જે કંઇ પણ ભલાઇ કરશો અલ્લાહ તઆલા તે જાણે છે.

(216) ૨૧૬- તમારા પર જિહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને તે તમારા માટે સારી હોય અને આ પણ શક્ય છે કે તમે કોઇ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય, અને સત્યતા અલ્લાહ જ સારી રીતે જાણે છે, તમે જાણતા નથી.

(217) ૨૧૭- લોકો તમને પવિત્ર મહિનાઓમાં યુધ્ધ વિશે સવાલ કરે છે, તમે કહી દો કે પવિત્ર મહિનાઓમાં યુધ્ધ કરવું ખુબ જ મોટું પાપ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું તેનો ઇન્કાર કરવો મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢવા અલ્લાહના નજીક તેનાથી પણ વધારે મોટું પાપ છે, અને ફિતના ફેલાવવાનો (ભ્રષ્ટાચાર) ગુનો કત્લ કરતા પણ મોટો છે, આ લોકો તમારી સાથે ઝઘડો કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેમનાથી શક્ય હોય તો તમને તમારા દીનથી ફેરવી નાખે, અને તમારા માંથી જે લોકો પોતાના દીનથી ફરી જાય અને તે કાફિરની સ્થિતીમાં મૃત્યુ પામે, તેમના દૂનિયા અને આખિરત બન્નેના દરેક કાર્યો વ્યર્થ થઇ જશે, આ લોકો જહન્નમી હશે અને હંમેશા હંમેશ જહન્નમમાં જ રહેશે.

(218) ૨૧૮- (તેના વિરુદ્ધ) જેઓ ઇમાન લાવ્યા અને જેઓએ હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યું, તો આ લોકો જ અલ્લાહની કૃપાના હકદાર છે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે.

(219) ૨૧૯- લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્ને કાર્યોમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેમનો ગુનોહ તેમના ફાયદા કરતા ઘણું જ વધારે છે, એવી જ રીતે તમને પુછે છે કે અલ્લાહના માર્ગમાં શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો.

(220) ૨૨૦- તમને દૂનિયા અને આખિરતના કાર્યો અને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓની ઇસ્લાહ કરવી ઉત્તમ છે, તમે જો તેઓનું (ધન) પોતાના ધન સાથે ભેગું પણ કરી લો, તો છેવટે તો તેઓ તમારા ભાઇ જ છે, અને અલ્લાહ બગાડનાર અને ઇસ્લાહ કરવાવાળાને સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિઃશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે.

(221) ૨૨૧- અને મુશરિક સ્ત્રીઓ સાથે ત્યાં સુધી તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઇમાન ન લાવે, ઇમાનવાળી દાસી આઝાદ મુશરિક સ્ત્રી કરતા ઉત્તમ છે, ભલેને તમને મુશરિક સ્ત્રી જ પસંદ કેમ ન હોય અને ન મુશરિક પૂરૂષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઇમાન ન લાવે, ઇમાન ધરાવનાર દાસ આઝાદ મુશરિક કરતા ઉત્તમ છે, ભલેને મુશરિક તમને પસંદ હોય, મુશરિક લોકો જહન્નમ તરફ બોલાવે છે અને અલ્લાહ તઆલા જન્નત અને માફી તરફ બોલાવે છે, અલ્લાહ તઆલા પોતાના આદેશોને સ્પષ્ટ કરી વર્ણન કરે છે, જેથી તે લોકો શિખામણ પ્રાપ્ત કરી શકે.

(222) ૨૨૨- તેઓ તમને માસિક પિરીયડ બાબતે સવાલ કરે છે, કહી દો કે તે ગંદકી છે, માસિક પિરીયડની સ્થિતીમાં સ્ત્રીઓ (સાથે સંભોગ કરવાથી) થી જુદા રહો અને જ્યાં સુધી તેણીઓ પાક ન થઇ જાય તેણીઓની નજીક ન જાઓ, હાઁ જ્યારે તે પાક થઇ જાય તો તેણીઓ પાસે જાઓ જ્યાંથી અલ્લાહએ તમને પરવાનગી આપી છે, અલ્લાહ તઆલા તૌબા કરવાવાળાને અને પાક-સાફ રહેવાવાળાને પસંદ કરે છે.

(223) ૨૨૩- તમારી પત્નિઓ તમારી ખેતી છે, પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો અને પોતાના માટે (સદકાર્યો) આગળ મોકલો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે તેને મળવાના છો અને ઇમાનવાળાઓને શુભસુચના સંભળાવી દો.

(224) ૨૨૪- પોતાની કસમોમાં અલ્લાહ તઆલાને આડ ન બનાવશો, કે ફલાણું નેક કાર્ય નહિ કરો અને ફલાણા ખરાબ કાર્યને નહિ છોડો, અને લોકોની વચ્ચે ઇસ્લાહનું કામ છોડી દેશો અને અલ્લાહ બધું જ સાંભળવાવાળો અને બધું જ જાણવવાળો છે.

(225) ૨૨૫- અલ્લાહ તઆલા તમને તમારી તે સોગંદો વિશે પકડ નહીં કરે જે મજબુત નહી હોય, હાઁ તે કસમોની પકડ જરૂર કરશે, જે તમે સાચા દિલથી કસમ ખાશો. અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે.

(226) ૨૨૬- જે લોકો પોતાની પત્નિઓ સાથે (મેળાપ ન રાખવા બાબતે) સોગંદો ખાય, તેઓ માટે ચાર મહિનાનો સમયગાળો છે, પછી જો તે પાછા ફરી જાય તો અલ્લાહ તઆલા ક્ષમાવાન અને અત્યંત કૃપાળુ છે.

(227) ૨૨૭- અને જો તલાક નો ઇરાદો કરી લે તો અલ્લાહ તઆલા સાંભળવાળો અને જાણવાળો છે.

(228) ૨૨૮- તલાકવાળી સ્ત્રીઓ પોતાને ત્રણ માસિક પિરીયડ સુધી રોકી રાખે, તેણીઓ માટે હલાલ નથી કે અલ્લાહએ તેણીઓના ગર્ભમાં જે સર્જન કર્યુ છે તેને છુપાવે, જો તેણીઓને અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન હોય, તેણીઓના પતિઓ આ સમયગાળા દરમિયાન તેણીઓને સ્વીકારી લેવાનો પુરે પુરો અધિકાર ધરાવે છે, જો તેઓનો ઇરાદો સુધારાનો હોય અને સ્ત્રીઓના પણ તેવા જ અધિકારો છે જેવા તેણીઓ પર પુરૂષોના છે, હાઁ પુરૂષોને સ્ત્રીઓ પર બઢોતરી છે, અને અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે,

(229) ૨૨૯- (તલાકે રજઇ) આ તલાક બે વાર છે, પછી ભલાઇ સાથે રોકી રાખવામાં આવે અથવા ઉત્તમતા સાથે છોડી દેવામાં આવે, અને તમારા માટે હલાલ નથી કે તમે તેણીઓને જે આપી દીધું છે તેમાંથી કંઇ પણ પાછું લઇ લો, હાઁ આ અલગ વસ્તુ છે કે જો તમને ભય હોય કે આ બન્ને અલ્લાહની હદો જાળવી નહી રાખી શકે તો સ્ત્રી છુટકારા માટે કંઇક આપી દેં, આમાં બન્ને માટે કોઇ ગુનોહ નથી, આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, ખબરદાર તેનાથી આગળ ન વધતા, અને જે લોકો અલ્લાહની નક્કી કરેલ હદોનું ઉલ્લંઘન કરશે તો તે જ અત્યાચારી છે.

(230) ૨૩૦- પછી જો પુરુષ તેણીઓને (ત્રીજી વાર) તલાક પણ આપી દે તો હવે તે સ્ત્રી તેના માટે હલાલ નહિ રહે, જ્યાં સુધી કે તે સ્ત્રી તેના સિવાય બીજા સાથે લગ્ન ન કરી લે, પછી જો તે પણ તલાક આપી દે તો ફરી તે બન્નેને સાથે રહેવામાં કોઇ ગુનોહ નથી, શરત એ છે કે તેઓ જાણી લે કે અલ્લાહ ની નક્કી કરેલ હદોને જાળવી રાખશે (બન્ને ફરીવાર લગ્ન કરી શકે છે,) આ અલ્લાહ તઆલાની હદો છે, જેને તે (અલ્લાહ) જાણવાવાળા માટે સ્પષ્ટ વર્ણન કરી દે છે.

(231) ૨૩૧- જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો અને તેણી પોતાની ઇદ્દ્ત પુરી કરવાની નજીક હોય તો હવે તેણીઓને સારી રીતે સ્વીકારી લો અથવા તો ભલાઇ સાથે છુટી કરી દો અને તેણીઓને તકલીફ પહોંચાડવાના હેતુથી અત્યાચાર કરવા માટે ન રોકી રાખો, જે વ્યક્તિ આવું કરે તેણે પોતાના પર જ અત્યાચાર કર્યો, તમે અલ્લાહના આદેશને ઠઠ્ઠા-મશકરી ન બનાવો અને અલ્લાહના તે ઉપકારને યાદ રાખો , જે તેણે તમારા પર કર્યો, અને જે કંઇ કિતાબ અને હિકમત અવતરિત કરી છે જેનાથી તમને શિખામણ આપી રહ્યો છે તેને પણ (યાદ કરો). અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા દરેક વસ્તુને સારી રીતે જાણે છે.

(232) ૨૩૨- અને જ્યારે તમે પોતાની પત્નિઓને તલાક આપો અને તે પોતાની ઇદ્દ્ત પુરી કરી લે તો તેણીઓને પોતાના (પ્રથમ) પતિઓ સાથે લગ્ન કરવાથી ન રોકો, જ્યારે કે તેઓ શરતોને આધિન રહી લગ્ન કરવા માટે રાજી હોય, આ શિખામણ તેઓને કરવામાં આવે છે જેઓને તમારા માંથી અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર યકીન અને ઇમાન હોય, આમાં તમારી ઉત્તમ સફાઇ અને પવિત્રતા છે, (પોતાના આદેશોની હિકમત) અલ્લાહ તઆલા જાણે છે અને તમે નથી જાણતા.

(233) ૨૩૩- અને જે પિતા (જુદાઈ) પછી ઇચ્છતો હોય કે તેનું બાળક સંપૂર્ણ બે વર્ષ દૂધ પીવે, તો માતા તેને સંપૂર્ણ બે વર્ષ સુધી દૂધ પીવડાવે, અને માતા અને બાળકનો ખવાપીવા અને પોશાકની જવાબદારી તેના પર છે, જેનું બાળક હોય, (અર્થાત તેના પિતા), અને આ ખર્ચ તે નિયમ પ્રમાણે આપતો રહશે, પરંતુ કોઈ વ્યક્તિ પર તેની તાકાતથી વધુ ભાર નાખવામાં નહિ આવે, ન તો માતાને પોતાના બાળકના કારણે તેમજ ન તો પિતાના પોતાના બાળકના કારણે તકલીફ આપવામાં આવશે, અને (જો પિતા મૃત્યુ પામે તો) ભરણપોષણ ની જવાબદારી વારસદાર પર છે, અને (બે વર્ષ પહેલાં) એકબીજાના સુલેહ સૂચનથી દૂધ છોડાવવા માંગે તો તેના પર કોઈ ગુનોહ નથી, અને જો તમે પોતાના બાળકને કોઈ દાયા (દૂધ પીવડાવનારી સ્ત્રી) પાસે દૂધ પીવડાવવા ઈચ્છો તો પણ કંઈ વાંધો નથી, અને તમે દાયાને કાયદા પ્રમાણે તેનું મહેનતાણું આપી દો, જે તમે નક્કી કર્યું હોય, અને અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમે જે કંઈ પણ કરો છો, અલ્લાહ તેને જોઈ રહ્યો છે.

(234) ૨૩૪- તમારા માંથી જે વ્યક્તિ મૃત્યુ પામે અને તેમની પત્નિઓ જીવિત હોય, તો તે સ્ત્રીઓ પોતાને ચાર મહિના અને દસ દિવસ રાહ, પછી જ્યારે તેમની ઇદ્દત પુરી કરી લે તો જે ભલાઇ પોતાના માટે કરે તેમાં તમારા પર કોઇ ગુનો નથી, અને જે કંઈ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યને જાણે છે.

(235) ૨૩૫- આવી વિધવા સ્ત્રીઓને લગ્નનો સંદેશ ઈશારામાં આપો અથવા આ વાત પોતાના દિલોમાં છુપાવી રાખો તો બન્ને સ્થિતિમાં તમારા પર કઇ ગુનોહ નથી, અલ્લાહ જાણે છે કે તમે તેણીઓને (દિલમાં) યાદ રાખો છો, પરંતુ તેમને કોઈ છુપા વચનો ન આપશો, જે વાત પણ કરવી હોય, સારી રીતે કરો અને જ્યાં સુધી તેમની ઇદ્દત પુરી ન થઈ જાય ત્યાં સુધી લગ્નનો ઈરાદો ન કરો અને જાણી લો કે જે કંઈ પણ તમારા દિલોમાં છે, અલ્લાહ તેને જાણે છે, એટલા માટે તમે તેનાથી ડરતા રહો. અને એ પણ જાણી લો કે અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે.

(236) ૨૩૬- જો તમે પત્નિઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વગર તલાક આપી દો તો પણ તમારા પર કોઇ ગુનોહ નથી, હાઁ તેણીઓને કંઇક આપી દો, સુખી પોતાના અંદાજથી, ગરીબ પોતાની તાકાત પ્રમાણે તેણીઓને સારી રીતે રુખસ્ત કરે, ભલાઇ કરવાવાળા પર આ જરૂરી છે.

(237) ૨૩૭- અને જો તમે પત્નિઓને તે પહેલા તલાક આપી દો કે તમે તેણીઓને હાથ લગાવ્યો હોય અને તમે તેણીઓનું મહેર પણ નક્કી કરી દીધું હોય, તો નક્કી કરેલ મહેરનો અડધો ભાગ આપી દો, તે અલગ વાત છે તેણી પોતે માફ કરી દેં, અથવા તો તે વ્યક્તિ માફ કરી દે જેના હાથમાં લગ્નની જવાબદારી છે, તમારૂ માફ કરી દેવું (અલ્લાહથી) ડરવા બાબતે ખુબ જ નજીક છે, એકબીજા સાથે ઉદારતાભર્યો વ્યવહાર કરવાનું ન ભૂલશો, નિઃશંક અલ્લાહ તઆલા જે કઈ પણ તમે કરી રહ્યા છો તેને જોઇ રહ્યો છે.

(238) ૨૩૮- નમાઝોની પાબંદી કરો, ખાસ કરીને વચ્ચેની નમાઝની અને અલ્લાહ તઆલા માટે અદબ સાથે ઉભા રહો.

(239) ૨૩૯- જો તમને ભય હોય (જેમનું શક્ય હોય, નમાઝ પઢી લો) ભલેને તમે ચાલતા હોય અથવા સવારી પર હોય, હાઁ જ્યારે શાંતિ થઇ જાય તો અલ્લાહના નામના એવી રીતે યાદ કરો, જેવી રીતે કે તેણે તમને આ વાતની શીક્ષા આપી જેને તમે નહતા જાણતા.

(240) ૨૪૦- જે લોકો તમારા માંથી મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય, તે વસિય્યત કરે કે એક વર્ષ સુધી તેમનો ખર્ચ આપવામાં આવશે, તેણીઓને ઘરમાંથી કાઢવામાં ન આવે, જો તેણીઓના વિચારમાં પોતાના માટે કોઈ સારો ઉપાય હોય અને તે પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઇ ગુનોહ નથી, અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે.

(241) ૨૪૧- તલાકવાળી સ્ત્રીઓને સારી રીતે વળતર આપી રુખસ્ત કરવી જોઈએ અને આ વાત પરહેજગાર માટે અત્યંત જરૂરી છે.

(242) ૨૪૨- અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાની આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે સમજી શકો.

(243) ૨૪૩- શું તમે તેઓને જોયા નથી, જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરો માંથી નીકળી ગયા હતા, અલ્લાહ તઆલાએ તેઓને કહ્યું મરી જાવ, (તે રસ્તામાં જ મૃત્યું પામ્યાં) પછી અલ્લાહ તઆલા તેઓને તેઓને જીવિત કરી દીધા, નિઃશંક અલ્લાહ તઆલા લોકો પર ઘણો જ કૃપાળુ છે, પરંતુ વધુ લોકો કૃતઘ્ની છે.

(244) ૨૨૪- અલ્લાહના માર્ગમાં જિહાદ કરો અને જાણી લો કે અલ્લાહ તઆલા દરેકની સાંભળવાવાળો અને સંપૂર્ણ જાણવાવાળો છે.

(245) ૨૪૫- કોણ છે, જે તઆલાને સારૂં ઉધાર આપે, તો ! અલ્લાહ તઆલા તેને ઘણુ જ વધારીને પરત કરે, અને અલ્લાહ જ (લોકોની રોજી) તંગ અને વિસ્તૃત કરે છે, અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.

(246) ૨૪૬- શું તમે મૂસા પછી બની ઇસ્રાઇલના જૂથને નથી જોયા, જ્યારે તેઓએ પોતાના પયગંબરને કહ્યું કે કોઇને અમારો સરદાર બનાવી દો, જેથી અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કરીએ, તો પયગંબરે તેમને કહ્યું, શક્ય છે કે જિહાદ તમારા પર ફર્ઝ કરી દેવામાં આવે, પછી તમે જિહાદ ન કરો, તેઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કેમ ન કરીએ ? અમને તો અમારા ઘરો માંથી કાઢી મુકવામાં આવ્યા છે અને સંતાનોથી દૂર કરી દેવામાં આવ્યા છે, પછી જ્યારે તેઓ પર જિહાદ ફરજ કરી દેવામાં કરવામાં આવ્યું તો થોડા લોકો સિવાય બધા ફરી ગયા અને અલ્લાહ તઆલા જાલિમોને ખુબ સારી રીતે જાણે છે.

(247) ૨૪૭- અને તેઓને તેમના પયગંબરે કહ્યું કે અલ્લાહ તઆલાએ તાલૂતને તમારો સરદાર બનાવી દીધો છે, તેઓ કહેવા લાગ્યા, તેની સરદારી અમારા પર કેવી રીતે હોઇ શકે ? તેનાથી વધારે સરદારીનો અધિકાર તો અમને છે, તેની પાસે કંઈ પણ ધન દૌલત પણ નથી, પયગંબરે કહ્યું ! અલ્લાહ તઆલાએ તેને જ તમારા પર (સરદારી માટે) પર નક્કી કર્યો છે અને તેને જ્ઞાન અને તાકાત પણ આપવામાં આવી છે, અલ્લાહ જેને ઇચ્છે પોતાનું રાજ્ય આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી, જ્ઞાની છે.

(248) ૨૪૮- તેઓના પયગંબરે તેમને કહ્યું કે તેની (તાલૂત) સરદારીની ખુલ્લી નિશાની એ છે કે (તેના સરદારીના સમયમાં) તમારી પાસે તે પેટી આવી જશે જેમાં તમારા પાલનહાર તરફથી શાંતિ હશે અને મૂસા અને હારૂનના સંતાનોનો છોડેલો વારસો છે, ફરિશ્તાઓ તેને ઉઠાવી લાવશે, નિંશંક આ તો તમારા માટે ખુલ્લા પુરાવા છે જો તમે ઇમાનવાળા છો.

(249) ૨૪૯- જ્યારે તાલૂત લશ્કરને લઇ નીકળ્યો તો કહ્યું સાંભળો ! અલ્લાહ તઆલા તમારી કસોટી એક નહેર વડે કરશે, જે તેમાંથી પાણી પી લેશે તે મારો સાથી નથી અને જે તેમાંથી ન પીવે તે મારો સાથી છે, હાઁ તે અલગ વાત છે કે પોતાના હાથ વડે એક ખોબો ભરી લે, પરંતુ થોડાક લોકો સિવાય સૌએ તે પાણી પી લીધું, તાલૂત ઇમાનવાળાઓ સાથે જ્યારે નહેરથી પસાર થઇ ગયા તો તાલૂતના લશ્કરના લોકો કહેવા લાગ્યા કે આજે અમારામાં જાલૂત અને તેના લશ્કરો સાથે લડાઇ કરવાની તાકાત નથી, અલ્લાહ તઆલાની મુલાકાત પર ભરોસો રાખનારાઓએ કહ્યું કે કેટલીક વખતે નાનું અને ઓછું જૂથ મોટા અને વધારે જૂથ પર અલ્લાહના આદેશથી વિજય પ્રાપ્ત કરી લે છે, અલ્લાહ તઆલા ઘીરજ રાખનારાઓની સાથે છે.

(250) ૨૫૦- જ્યારે તેઓ જાલૂત અને તેના લશ્કરો સામસામે આવ્યા, તેઓએ દુઆ કરી કે હે પાલનહાર ! અમને ધીરજ આપ, અડગ રાખ અને કાફિરો વિરુદ્ધ અમારી મદદ કર.

(251) ૨૫૧- અલ્લાહના આદેશથી તેઓએ જાલૂતીઓને હાર આપી અને દાવુદના હાથ વડે જાલૂત કત્લ થયો અને અલ્લાહ તઆલાએ દાઉદને સરદારી અને હિકમત અને જેટલી પણ ઇચ્છા કરી, જ્ઞાન આપ્યું. જો અલ્લાહ તઆલા કેટલાક લોકોને કેટલાક લોકો વડે બચાવ ન કરતો તો ધરતી પર ફસાદ ફેલાઇ જાત, પરંતુ અલ્લાહ તઆલા દૂનિયાવાળાઓ પર કૃપા કરનાર છે.

(252) ૨૫૨- આ અલ્લાહ તઆલાની આયતો છે જેને અમે સાચી રીતે તમારી સમક્ષ પઢીએ છીએ, નિંશંક તમે પયગંબરો માંથી છો.

(253) ૨૫૩- આ પયગંબરો છે, જેમના માંથી અમે કેટલાકને કેટલાક પર મહાનતા આપી છે, તેઓ માંથી કેટલાક સાથે અલ્લાહએ વાત કરી છે અને કેટલાકના દરજ્જા વધારી દીધા છે અને અમે ઇસા બિન મરયમને સ્પષ્ટ નિશાનીઓ આપી અને રૂહુલ્ કુદૂસ વડે તેમની મદદ કરી, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તે પયગંબરોને આવી ગયા પછી લોકો અંદરોઅંદર ઝઘડો ન કરતા, જ્યારે કે તેમની પાસે સ્પષ્ટ આદેશો પણ આવી ગયા હતા, તે લોકોએ મતભેદ કર્યો, તેઓ માંથી કેટલાક તો ઇમાન લાવ્યા અને કેટલાક ઇન્કાર કર્યો અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો અંદરોઅંદર ન ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલા જે ઇચ્છે છે, તે કરે છે.

(254) ૨૫૪- હે ઇમાનવાળાઓ ! જે કંઈ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી દાન કરતા રહો, આ પહેલા કે તે દિવસ આવી જાય જેમાં ન વેપાર છે ન મિત્રતા અને ન તો ભલામણ, અને ઇન્કારીઓ જ અત્યાચારી છે.

(255) ૨૫૫- અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે.

(256) ૨૫૬- દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે, જેણે તાગૂતનો ઇન્કાર કર્યો અને અલ્લાહ પર ઈમાન લાવ્યો, તેણે મજબુત કડાને પકડી લીધો, જે ક્યારેય નહી તુટે અને અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જાણવાવાળો છે.

(257) ૨૫૭- અલ્લાહ તે લોકોનો દોસ્ત છે, જેઓ ઈમાન લાવ્યા, તે તેઓને (કૂફર અને શિર્કના) અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે છે અને જે લોકોએ કૂફર કર્યું તેમનો દોસ્ત તાગૂત છે, તે તેઓને પ્રકાશ માંથી કાઢી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે.

(258) ૨૫૮- શું તમે તે વ્યક્તિને નથી જોયો, જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ સાથે તેના પાલનહાર વિશે ઝગડો કરી રહ્યો હતો, જ્યારે ઇબ્રાહીમે તે વ્યક્તિ (નમરુદ)ને કહ્યું કે મારો પાલનહાર તો તે છે જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે કહેવા લાગ્યો કે હું પણ જીવિત કરુ છું અને મૃત્યુ આપુ છું, ઇબ્રાહીમે કહ્યું અલ્લાહ તઆલા સૂર્યને પૂર્વ દિશા માંથી કાઢે છે તું તેને પશ્ર્ચિમ દિશા માંથી કાઢી બતાવ, હવે તો તે ઇન્કારી અચંબામાં પડી ગયો અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો.

(259) ૨૨૯- અથવા તે વ્યક્તિને નથી જોયો, જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જોવો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(260) ૨૬૦ અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે હે મારા પાલનહાર ! મને બતાવ તું મૃતકોને કેવી રીતે જીવિત કરીશ ? (અલ્લાહ તઆલાએ) કહ્યું શું તને ઇમાન નથી ? જવાબ આપ્યો ઇમાન તો છે પરંતુ મારુ હૃદય સંતુષ્ટ થઇ જાય, ફરમાવ્યું ચાર પંખીઓ લઇ લો, તેઓના ટુકડા કરી નાખો, પછી દરેક પર્વત પર તેનો એક એક ટુકડો મુકી દો, પછી તેને પોકારો, તમારી પાસે દોડીને આવી જશે અને જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી, હિકમતોવાળો છે.

(261) ૨૬૧- જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ તે દાણા જેવું છે જેમાંથી સાત ડાળખીઓ નીકળે અને દરેક ડાળખીમાં સો દાણા હોય અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે વધારીને આપે અને અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે.

(262) ૨૬૨- જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે ત્યાર પછી ન તો ઉપકાર દર્શાવે છે અને ન તો તકલીફ આપે છે, તેઓનો બદલો તેમના પાલનહાર પાસે છે, તેઓ પર ન તો ભય હશે અને ન તો તેઓ નિરાશ થશે.

(263) ૨૬૩- નમ્રતાથી વાત કરવી અને માફ કરી દેવા તે એવા દાનથી ઉત્તમ છે જેના પછી તકલીફ આપવામાં આવે અને અલ્લાહ તઆલા બેનિયાઝ (નિરપેક્ષ), ધૈર્યવાન છે.

(264) ૨૬૪- હે ઇમાનવાળાઓ ! પોતાના દાનને ઉપકાર દર્શાવી અને તકલીફ પહોંચાડી બરબાદ ન કરો, જેવી રીતે તે વ્યક્તિ પોતાનું ધન લોકોના દેખાડા માટે ખર્ચ કરે અને ન અલ્લાહ તઆલા પર ઇમાન ધરાવે અને ન તો કયામત પર, તેનું ઉદાહરણ તે સાફ પત્થર જેવું છે જેના પર થોડીક માટી હોય પછી તેના પર પુષ્કળ વરસાદ પડે અને તે તેને અત્યંત સાફ અને સખત છોડી દે, તે દેખાડો કરનારને પોતાની કમાણી માંથી કંઇ પણ હાથ નથી આવતું અને અલ્લાહ તઆલા કાફિરોને માર્ગ નથી બતાવતો.

(265) ૨૬૫- તે લોકોનું ઉદાહરણ, જે પોતાનું ધન અલ્લાહ તઆલાની ખુશી ઇચ્છતા, હૃદયની ખુશી અને વિશ્ર્વાસ સાથે ખર્ચ કરે છે તે બગીચા જેવુ છે, જે ઉંચાઇ પર હોય અને પુષ્કળ વરસાદ તેના પર પડે અને તે પોતાનું ફળ બમણું આપે અને જો તેના પર વરસાદ ન પણ પડે તો ફુવારો જ પુરતો છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઇ રહ્યો છે.

(266) ૨૬૬- શું તમારા માંથી કોઇ પણ એવું ઇચ્છે છે કે તેનો ખજુરી અને દ્રાક્ષનો બગીચો હોય, જેમાં નહેરો વહી રહી હોય અને દરેક પ્રકારના ફળો હોય, તે વ્યક્તિનું ઘડપણ આવી ગયું હોય, તેના નાના નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂંનો વંટોળ લાગી જાય જેમાં આગ પણ હોય, બસ ! તે બગીચો બળી જાય, આવી જ રીતે અલ્લાહ તઆલા તમારા માટે આયતો બયાન કરે છે જેથી તમે ચિંતન-મનન કરો.

(267) ૨૬૭- હે ઇમાનવાળાઓ ! પોતાની પવિત્ર કમાણી અને ધરતી માંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓ ખર્ચ કરો, તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ કરવાનો ઇરાદો ન કરશો, જો કે તે જ વસ્તુ જો તમને આપવામાં આવે તો તમે પસંદ ન કરો, હાઁ આંખો બંધ કરી લઈ લો (તો વાત અલગ છે). જાણી લો કે અલ્લાહ તઆલા બેનિયાઝ (નિરપેક્ષ) અને ગુણવાન છે.

(268) ૨૬૮- શેતાન તમને લાચારીથી બીવડાવે છે અને નિર્લજતાનો આદેશ આપે છે અને અલ્લાહ તઆલા તમને પોતાની માફી અને કૃપાનું વચન આપે છે. અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે.

(269) ૨૬૯- તે જેને ઇચ્છે હિકમત અને બુધ્ધી આપે છે અને જે વ્યક્તિને હિકમત અને બુધ્ધી આપવામાં આવે તેને ઘણી જ મોટી ભલાઇ આપવામાં આવી અને શિખામણ ફકત બુધ્ધીશાળી જ પ્રાપ્ત કરે છે.

(270) ૨૭૦- અને જે કંઈ પણ (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરશો, અથવા કંઇ નઝર માનો, તેને અલ્લાહ તઆલા ખુબ જ સારી રીતે જાણે છે અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી.

(271) ૨૭૧- જો તમે દાનને જાહેર કરો તો પણ સારૂ છે અને જો તમે તેને છુપી રીતે લાચારોને આપી દો તો આ તમારા માટે ઉત્તમ છે, (આ પ્રમાણેના દાન) તમેં આપતા રહેશો તો અલ્લાહ તઆલા તમારી મુસીબતોને દૂર કરી દેશે, અલ્લાહ તઆલા તમારી બુરાઈનો કફફારો બનાવી દેશે અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોની ખબર રાખનાર છે.

(272) ૨૭૨- હે પયગંબર ! તેઓને હિદાયત પર લાવવા તમારા શિરે નથી, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને હિદાયત આપે છે, તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે જ પામશો, તમારે ફકત અલ્લાહ તઆલાની ખુશી માટે જ ખર્ચ કરવું જોઇએ, તમે જે કંઇ પણ ધન ખર્ચ કરશો તેનો પુરે પુરો બદલો તમને આપવામાં આવશે અને તમારો અધિકાર મારવામાં નહી આવે.

(273) ૨૭૩- દાનનો અધિકાર ફકત લાચારો માટે જ છે, જે અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જે શહેરમાં હરી ફરી નથી શકતા, અણસમજું લોકો તેઓના સવાલ ન કરવાના કારણે તેઓને ધનવાન સમજે છે તમે તેઓના મુખો જોઇ, તેમને કપાળોથી ઓળખી લેશો તેઓ લોકોને સામેથી સવાલ નથી કરતા, તમે જે કંઇ ધન ખર્ચ કરો તો અલ્લાહ તઆલા તેને જાણવાવાળો છે.

(274) ૨૭૪- જે લોકો પોતાનો માલ રાત-દિવસ છુપી અને ખુલ્લી રીતે ખર્ચ કરે છે, તેઓ માટે તેમના પાલનહાર પાસે બદલો છે અને ન તો તેઓને ભય હશે અને ન તો કોઈ ગમ હશે.

(275) ૨૭૫- (આ લોકો વિપરીત) જે લોકો વ્યાજ ખાઈ છે, તે લોકો એવા માણસની જેમ ઉભા હશે કે જેને શેતાને પોતાના સ્પર્શથી ધૂની બનાવી દીધો હોય, આ એટલા માટે કે આ લોકો કહેતા હતા કે વેપાર પણ વ્યાજની માફક જ છે, પરંતુ અલ્લાહ તઆલાએ વેપારને હલાલ અને વ્યાજને હરામ કર્યુ, જે વ્યક્તિ પોતાની પાસે આવેલી અલ્લાહ તઆલાની શિખામણ સાંભળી રોકાઇ ગયો, તેના માટે તે છે જે પસાર થઇ ગઇ અને તેનું પરિણામ અલ્લાહ પાસે જ છે, અને જે ફરી બીજીવાર (વ્યાજ તરફ) ફર્યો તો તેઓ જ જહન્નમી છે, આવા લોકો હંમેશા તેમાં રહેશે.

(276) ૨૭૬- અલ્લાહ તઆલા વ્યાજ ને ખતમ કરે છે અને સદકાને વધારે છે અને અલ્લાહ તઆલા કોઇ કૃતધ્ન અને પાપીથી મોહબ્બત નથી કરતો.

(277) ૨૭૭- નિઃશંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા નમાજોની પાબંદી કરી અને ઝકાત આપી, તેઓનું બદલો તેમના પાલનહાર પાસે છે, તેઓ પર ન કોઇ ભય છે અને ન તો કોઈ ગમ.

(278) ૨૭૮- હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરતા રહો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તેને છોડી દો, જો તમે સાચે જ ઇમાનવાળા છો.

(279) ૨૭૯- અને જો તમે આ પ્રમાણે ન કર્યું તો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સામે લડવા માટે તૈયાર થઇ જાઓ, હાઁ જો તમે તૌબા કરી લો તો તમારો ખરો માલ તમારો જ છે, ન તમે અત્યાચાર કરો ન તમારા પર અત્યાચાર કરવામાં આવશે.

(280) ૨૮૦- અને જો કોઇ (દેવાદાર) સંકટમાં હોય તો તેને સરળતા સુધી મોહલત આપવી જોઇએ, અને જો (મૂળ કિંમત પણ) સદકો કરી દો તો તમારા માટે ઘણું જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ.

(281) ૨૮૧- અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરો બદલો આપવામાં આવશે, અને તેમના પર જુલ્મ કરવામાં નહી આવે.

(282) ૨૮૨- હે ઇમાનવાળાઓ ! જ્યારે તમે અંદર અંદર એકબીજાને નક્કી કરેલ સમય સુધી ઉધારીની આપ-લે કરો તો તેને લખી લો, અને લખવાવાળા તમારી વચ્ચે ન્યાય સાથે વ્યવહાર કરે, અને અલ્લાહ તઆલાએ જેને લખવાની લાયકાત આપી હોય તો તેણે લખવાનો ઇન્કાર ન કરવો જોઇએ, અને જેના શિરે દેવું હશે, તે નોંધણી માટેનો જવાબદાર રહેશે, તે અલ્લાહથી ડરે અને લખાણમાં કંઇ ઘટાડો ન કરે, હાઁ જો દેવાદાર અણસમજું હોય અથવા અશકત હોય અથવા લખવા માટેની શક્તિ ન ધરાવતો હોય તો પછી તેની તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ ન્યાય સાથે લખાવી દે અને આ બાબતે પોતાના માંથી બે (મુસલમાન) પુરૂષોને સાક્ષી બનાવી લો, જો બે પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓને બનાવી લો, જો તેમાંથી એક ભૂલી જાય તો બીજો તેને યાદ અપાવી દે અને જ્યારે સાક્ષીઓને બોલાવવામાં આવે તો ઇન્કાર ન કરે, અને મામલો નાનો હોય કે મોટો સમયગાળો નક્કી કરી તેને લખી લેવામાં સુસ્તી ન કરો, અલ્લાહ તઆલા પાસે આ વાત ઘણી જ ન્યાયવાળી છે અને તમે શંકામાં નહિ પડો, હાઁ જે વેપાર ધંધામાં આપ-લે કરો છો, અને તે તમે અંદરો અંદર રોકડ કરી લો છો, તેને ન લખો તો પણ કંઈ વાંધો નથી, અને સોદો કરતી વખતે પણ સાક્ષીઓ નક્કી કરી લો, અને લખવાવાળાને તકલીફ આપવામાં ન આવે, અને ન તો સાક્ષીઓને તકલીફ આપવામાં આવે, જો તમે આમ કરશો તો ગુનાહનું કામ કરશો, અલ્લાહ તઆલાથી ડરો, અલ્લાહ તમને શિખવાડી રહ્યો છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખુબ સારી રીતે જાણવાવાળો છે.

(283) ૨૮૩- અને જો તમે સફરમાં હોય અને લખનાર ન મળે તો ગીરવી રાખી લો, હાઁ જો અંદર અંદર એક બીજાથી સંતોષ હોય તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને પોતાના પાલનહારથી ડરવું જોઈએ અને ગવાહીને ન છુપાવો અને જે વ્યક્તિ ગવાહી છુપાવી લે તે પાપી છે અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે.

(284) ૨૮૪- આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, અને જે કંઇ પણ તમારા હૃદયોમાં છે ભલે ને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે અને જેને ઇચ્છશે તેને સજા આપશે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

(285) ૨૮૫- પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે.

(286) ૨૮૬- અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો) હે અમારા પાલનહાર ! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર ! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર ! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો, અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી.