(1) ૧) સાબિત થવાવાળી
(2) ૨) સાબિત થવાવાળી શું છે ?
(3) ૩) અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
(4) ૪) ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી.
(5) ૫) (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
(6) ૬) અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
(7) ૭) જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
(8) ૮) શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો?
(9) ૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
(10) ૧૦) તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
(11) ૧૧) જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા.
(12) ૧૨) જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
(13) ૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
(14) ૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
(15) ૧૫) તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે.
(16) ૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
(17) ૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે.
(18) ૧૮) તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
(19) ૧૯) પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.
(20) ૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે.
(21) ૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
(22) ૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
(23) ૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
(24) ૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
(25) ૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
(26) ૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
(27) ૨૭) કાશ ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત.
(28) ૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
(29) ૨૯) મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ.
(30) ૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
(31) ૩૧) પછી તેને જહન્નમમાં નાખી દો.
(32) ૩૨) પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો.
(33) ૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
(34) ૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
(35) ૩૫) બસ ! આજે તેનો કોઈ મિત્ર નહિ હોય.
(36) ૩૬) અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહિ મળે.
(37) ૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
(38) ૩૮) બસ ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો.
(39) ૩૯) અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી.
(40) ૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.
(41) ૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
(42) ૪૨) અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
(43) ૪૩) (આ તો ) જગતના પાલનહારે ઉતાર્યું છે.
(44) ૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો,
(45) ૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
(46) ૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
(47) ૪૭) પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત.
(48) ૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
(49) ૪૯) અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
(50) ૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
(51) ૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે.
(52) ૫૨) બસ ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો.