(1) ૧) હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
(2) ૨) ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.
(3) ૩) અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
(4) ૪) અને પોતાના કપડા પાક સાફ રાખો.
(5) ૫) અને ગંદકીથી દૂર રહો.
(6) ૬) અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
(7) ૭) અને પોતાના પાલનહાર માટે સબર કરો.
(8) ૮) ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
(9) ૯) તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
(10) ૧૦) કાફિરો માટે સરળ નહિ હોય.
(11) ૧૧) તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
(12) ૧૨) તેને ખૂબ માલ આપ્યો.
(13) ૧૩) અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
(14) ૧૪) અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
(15) ૧૫) પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
(16) ૧૬) આવું ક્યારેય નહિ થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
(17) ૧૭) હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
(18) ૧૮) તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
(19) ૧૯) બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
(20) ૨૦) પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
(21) ૨૧) તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ.
(22) ૨૨) પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
(23) ૨૩) પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
(24) ૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
(25) ૨૫) આ તો માનવીની જ વાત છે.
(26) ૨૬) હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
(27) ૨૭) અને તમને શું ખબર કે જહન્નમ શું છે ?
(28) ૨૮) ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
(29) ૨૯) ચામડીને બાળી નાખશે.
(30) ૩૦) અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
(31) ૩૧) અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
(32) ૩૨) (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ.
(33) ૩૩) અને રાતની, જ્યારે તે જવા લાગે.
(34) ૩૪) અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
(35) ૩૫) કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
(36) ૩૬) તે માનવીઓ માટે ભયનું કારણ છે.
(37) ૩૭) જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
(38) ૩૮) દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
(39) ૩૯) સિવાય જમણા હાથવાળા.
(40) ૪૦) કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
(41) ૪૧) ગુનેગાર વિશે
(42) ૪૨) તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
(43) ૪૩) તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
(44) ૪૪) ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
(45) ૪૫) અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
(46) ૪૬) અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
(47) ૪૭) અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
(48) ૪૮) (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
(49) ૪૯) તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
(50) ૫૦) જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
(51) ૫૧) જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
(52) ૫૨) પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
(53) ૫૩) ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
(54) ૫૪) સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
(55) ૫૫) હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
(56) ૫૬) અને તેઓ શિખામણ પ્રાપ્ત નહિ કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.