53 - An-Najm ()

|

(1) ૧) સિતારાઓની કસમ ! જ્યારે તે આથમવા લાગે.

(2) ૨) તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.

(3) ૩) તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.

(4) ૪) જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.

(5) ૫) તેમને એક મજબુત શક્તિશાળી (ફરિશ્તા)એ શિક્ષા આપી છે.

(6) ૬) જે શક્તિશાળી છે. પછી તે સામે આવી ઉભો થઇ ગયો.

(7) ૭) અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.

(8) ૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.

(9) ૯) બસ ! તે બે કમાનોનાં અંતર બરાબર આવી ગયો, પરતું તેના કરતા પણ વધારે નજીક

(10) ૧૦) બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું.

(11) ૧૧) જે કંઇ તેણે આંખો વડે જોયું હતું, દિલે તેને જુઠ્ઠું ન સમજ્યું.

(12) ૧૨) શું તમે તે વાત વિશે ઝધડો કરી રહ્યા છો, જે તેણે આંખો વડે જોયું છે.

(13) ૧૩) (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.

(14) ૧૪) સિદરતુલ્ મુન્તહા પાસે.

(15) ૧૫) તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.

(16) ૧૬) જ્યારે કે સિદરહને છુપાવી રાખતી હતી તે વસ્તુ, જે તેના પર પડતી હતી.

(17) ૧૭) (પયગંબરની) આંખમાં ન તો ઝાંખ પડી અને ન તો હદથી આગળ વધી.

(18) ૧૮) નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.

(19) ૧૯) શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા ?

(20) ૨૦) અને મનાત્ જે ત્રીજા છે.

(21) ૨૧) શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે ?

(22) ૨૨) આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.

(23) ૨૩) ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે.

(24) ૨૪) શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે?

(25) ૨૫) આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે.

(26) ૨૬) અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય.

(27) ૨૭) નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.

(28) ૨૮) જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું.

(29) ૨૯) જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો.

(30) ૩૦) આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.

(31) ૩૧) અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.

(32) ૩૨) જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,

(33) ૩૩) શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું ?

(34) ૩૪) ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.

(35) ૩૫) શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે ?

(36) ૩૬) શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે.

(37) ૩૭) અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે.

(38) ૩૮) કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.

(39) ૩૯) અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.

(40) ૪૦) અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.

(41) ૪૧) પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.

(42) ૪૨) અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.

(43) ૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.

(44) ૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.

(45) ૪૫) અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.

(46) ૪૬) ટીપા વડે જ્યારે કે (ગર્ભમાં) ટપકાવવામાં આવે છે.

(47) ૪૭) અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.

(48) ૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ લાચાર કરે છે.

(49) ૪૯) અને એ કે તે જ શિઅરા (તારાનું નામ)નો રબ છે.

(50) ૫૦) અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.

(51) ૫૧) અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયા.

(52) ૫૨) અને આ પહેલા નૂહની કોમને (પણ નષ્ટ કરી), નિ:શંક તેઓ ખુબ જ જાલિમ અને બળવાખોર હતા.

(53) ૫૩) અને મુઅતફીકા (શહેર અથવા ફેરવેલી વસ્તીઓને) તેણે જ ફેરવી નાખી.

(54) ૫૪) પછી તેમના પર (નષ્ટતા) છવાઈ ગઈ, જેણે તે વસ્તીના લોકોને સપૂર્ણ ઢાંકી લીધા.

(55) ૫૫) બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર શંકા કરીશ.

(56) ૫૬) આ (પયગંબર) પણ પેહલા ડરાવનાર પયગંબરોની જેમ જ ડરાવનાર છે.

(57) ૫૭) કયામત નજીક આવી ગઇ.

(58) ૫૮) અલ્લાહ સિવાય તેને હટાવી શકે તેઓ કોઈ નથી.

(59) ૫૯) બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.

(60) ૬૦) અને હસો છો. રડતા નથી.

(61) ૬૧) (પરંતુ) તમે રમત-ગમતમાં પડી તેનાથી ગાફેલ થઇ ગયા છો.

(62) ૬૨) હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરતા રહો.