20 - Taa-Haa ()

|

(1) ૧) તો-હા

(2) ૨) અમે આ કુરઆન તમારા પર એટલા માટે નથી ઉતાર્યું કે તમે સંકટમાં પડી જાવ.

(3) ૩) આ તો તે દરેક લોકો માટે નસિંહત છે, જે (અલ્લાહથી) ડરે છે.

(4) ૪) આ તો તે ઝાત તરફથી ઉતારવામાં આવ્યું છે, જેણે ધરતીનું અને બુલંદ આકાશોનું સર્જન કર્યુ.

(5) ૫) જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે.

(6) ૬) જે કઈ આકાશોમાં છે અને જે કઈ ધરતીમાં છે અને જે કઈ પણ તે બન્નેની વચ્ચે છે અને જ કઈ ધરતીની નીચે છે, તે બધી જ વસ્તુઓનો માલિક છે.

(7) ૭) જો તમે ઊંચા અવાજે વાત કરો તો તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ વાતને પણ જાણે છે.

(8) ૮) અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તેના દરેક નામ શ્રેષ્ઠ છે.

(9) ૯) અને શું તમારા સુધી મૂસાની ખબર પહોચી છે?

(10) ૧૦) જ્યારે તેમણે આગ જોઇ તો પોતાના ઘરવાળાઓને કહ્યું કે તમે થોડીક વાર ઊભા રહો, મને આગ દેખાઈ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ અંગારો તમારી પાસે લઈ આવું અથવા ત્યાં આગ પાસે મને કોઈ રસ્તો મળી જાય.

(11) ૧૧) જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો અવાજ કરવામાં આવ્યો કે, હે મૂસા !

(12) ૧૨) હું તારો પાલનહાર છું. તમે પોતાના પગરખાં ઉતારી દો. કારણકે તમે પવિત્ર “તૂવા” નામના મેદાનમાં છો.

(13) ૧૩) અને મેં તમને (નુબુવ્વત માટે) પસંદ કરી લીધા, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનથી સાંભળો.

(14) ૧૪) નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ બંદગીને લાયક નથી. બસ ! મારી જ બંદગી કરો અને મારી યાદ માટે નમાઝ પઢતા રહો.

(15) ૧૫) ખરેખર કયામત જરૂર આવવાની છે, હું તે સમય છૂપાવીને રાખીશ, જેથી દરેક વ્યક્તિને પોતાની મહેનતનો બદલો આપવામાં આવે.

(16) ૧૬) હવે જો કોઈ કયામતના દિવસ પર ઈમાન નહિ લાવ, અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય, તે તમને કયામતના (દિવસથી) ગાફેલ ન કરી દે, નહિ તો તમે પણ નષ્ટ થઇ જશો.

(17) ૧૭) હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે ?

(18) ૧૮) મૂસાએ જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને (તદ્ઉપરાંત) મારા માટે આમાં બીજા ઘણા ફાયદા છે.

(19) ૧૯) કહ્યું હે મૂસા ! તેને (ઝમીન પર) નાખી દો.

(20) ૨૦) નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી.

(21) ૨૧) અલ્લાહ તઆલાએ કહ્યું કે ડરશો નહિ અને તેને પકડી લો, અમે તેને તેની મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું.

(22) ૨૨) અને તારો હાથ પોતાની બગલમાં નાખ તો તે કોઈ તકલીફ વગર સફેદ પ્રકાશિત થઇને નીકળશે.આ બીજો નિશાની છે.

(23) ૨૩) આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ.

(24) ૨૪) હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે.

(25) ૨૫) મૂસાએ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ.

(26) ૨૬) અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે.

(27) ૨૭) અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ.

(28) ૨૮) જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે.

(29) ૨૯) અને મારા માટે મારા ખાનદાન માંથી એક મદદગાર નક્કી કરી દે.

(30) ૩૦) એટલે કે મારા ભાઇ હારૂનને

(31) ૩૧) તું તેના દ્વારા મારી કમર મજબૂત કરી દે.

(32) ૩૨) અને તેને મારા કામ માટે ભાગીદાર બનાવ.

(33) ૩૩) જેથી અમે બન્ને વધુમાં વધુ તારી તસ્બીહ પઢતા રહીએ.

(34) ૩૪) અને વધારેમાં વધારે તને યાદ કરીએ.

(35) ૩૫) નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનારો છે.

(36) ૩૬) અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા જે કઈ તે માગ્યું, તે તમને આપી દેવામાં આવ્યું.

(37) ૩૭) અમે તો તમારા પર આના કરતા પણ મોટો ઉપકાર કર્યો હતો.

(38) ૩૮) (તે સમય યાદ કરો) જ્યારે અમે તમારી માતાના દિલમાં તે વિચાર મૂકી દીધો, જેની વાત હવે તમને વહી દ્વારા જણાવવામાં આવી રહી છે.

(39) ૩૯) કે તું તે બાળક (મૂસા)ને પેટીમાં બંધ કરી દરિયામાં છોડી દે, બસ ! દરિયો તેને કિનારા પર લાવી દેશે, જેને મારો અને મૂસાનો દુશ્મન લઇ લેશે અને (હે મૂસા !) તમારા પર મારા તરફથી ખાસ કૃપા કરવામાં આવી, જેથી તમારો ઉછેર મારી સામે કરવામાં આવે.

(40) ૪૦) (યાદ કરો) જ્યારે કે તમારી બહેન કિનારા પર તમારી સાથે સાથે ચાલી રહી હતી ૯અને જ્યારે ફિરઓને પેટી ઉઠાવી લીધી) તો તેઓને કહેવા લાગી, શું હું તમને તેના વિશે જાણકારી આપું, જે આ બાળકનો ઉછેર સારી રીતે કરી શકશે? અને અમે તમને ફરી તમારી માતા પાસે પહોંચાડી દીધા, જેથી તેની આંખો ઠંડી રહે અને તે નિરાશ ન થાય અને તમે એક વ્યક્તિને મારી નાંખ્યો હતો, તેનાથી પણ અમે તમને નિરાશ થવાથી બચાવી લીધા, અને અમે તમને ઘણી આઝમાયશથી પસાર કર્યા, પછી તમે કેટલાય વર્ષ સુધી “મદયન” શહેરના લોકો સાથે રહ્યા, પછી હે મૂસા !અલ્લાહની ઇચ્છા પ્રમાણે તમે અહિયા આવી ગયા.

(41) ૪૧) અને મેં તમને ખાસ પોતાના માટે પસંદ કરી લીધા.

(42) ૪૨) હવે તમે અને તમારો ભાઈ બન્ને મારી નિશાનીઓ લઇ જાવ. અને ખબરદાર મારા ઝિકરમાં સુસ્તી ન કરશો.

(43) ૪૩) તમે બન્ને ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ કર્યો છે.

(44) ૪૪) જુઓ ! તેને નમ્રતાપૂર્વક સમજાવો કે કદાચ તે સમજી જાય અથવા ડરી જાય.

(45) ૪૫) બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર ! અમને ભય છે કે ક્યાંક ફિરઔન અમારા પર કોઈ અત્યાચાર ન કરે, અથવા પોતાના વિદ્રોહમાં વધી ન જાય.

(46) ૪૬) અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે ભયભીત ન થાવ, હું તમારી સાથે છું અને હું સાંભળી રહ્યો હશું અને જોઈ રહ્યો હશું.

(47) ૪૭) તમે તેની પાસે જઇને કહો કે અમે તારા પાલનહારના પયગંબરો છીએ, તું અમારી સાથે બની ઇસ્રાઇલને મોકલી દે, તેમની સજાને ટાળી દે, અમે તો તારી પાસે તારા પાલનહાર તરફથી નિશાની લઇને આવ્યા છે અને જે હિદાયતનો માર્ગ અપનાવી લેશે, સલામતી તેના જ માટે છે.

(48) ૪૮) અમારી તરફ વહી કરવામાં આવી છે કે જે વ્યક્તિ તેને જુઠલાવશે અને તેનાથી મોઢું ફેરવશે તો તેના માટે અઝાબ છે.

(49) ૪૯) ફિરઔને પ્રશ્ન કર્યો કે હે મૂસા ! તમારા બન્નેન્નો પાલનહાર કોણ છે ?

(50) ૫૦) જવાબ આપ્યો કે અમારો પાલનહાર તે છે, જેણે દરેકને તેનો ખાસ ચહેરો આપ્યો. પછી તેને માર્ગદર્શન આપી દીધું.

(51) ૫૧) તેણે કહ્યું કે સારું, જણાવો કે આગળના લોકોની દશા કેવી છે ?

(52) ૫૨) મૂસાએ જવાબ આપ્યો કે તેનું જ્ઞાન મારા પાલનહારની પાસે કિતાબમાં છે. ન તો મારો પાલનહાર ચૂક કરે છે અને ન તો તે ભૂલી જાય છે.

(53) ૫૩) તેણે જ તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યું અને તેણે તેમાં ચાલવા માટે માર્ગો બનાવ્યા અને આકાશ માંથી પાણી પણ તે જ વરસાવે છે, પછી તે વરસાદના કારણે અલગ-અલગ પ્રકારની ઊપજો તે જ ઊપજાવે છે.

(54) ૫૪) તમે પોતે ખાઓ અને પોતાના ઢોરોને પણ ચરાવો, કોઈ શંકા નથી કે આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.

(55) ૫૫) તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું.

(56) ૫૬) અમે તેને અમારી દરેક નિશાનીઓ બતાવી, તો પણ તે જુઠલાવતો રહ્યો અને ઇન્કાર જ કરતો રહ્યો.

(57) ૫૭) મૂસાને કહેવા લાગ્યો , હે મૂસા ! શું તું મારી પાસે એટલા માટે આવ્યો છે કે પોતાના જાદુના જોરથી અમારા શહેર માંથી અમને બહાર કાઢી મૂકો ?

(58) ૫૮) સારું, અમે પણ તારી વિરુદ્ધ તેના જેવું જ જાદુ જરૂર લાવીશું, બસ તું અમારી અને તારી વચ્ચે (મુકાબલા માટે) ખુલ્લા મેદાનમાં એક સમય નક્કી કરી દે, જેનો ભંગ ન તો તમે કરો અને ના તો અમે કરીએ.

(59) ૫૯) મૂસાએ જવાબ આપ્યો કે શણગાર અને જલસાનો દિવસ નક્કી છે અને એ કે લોકો સવાર માંજ ભેગા થઇ જાય.

(60) ૬૦) બસ ! ફિરઔન પાછો ફર્યો અને તેણે પોતાની યુક્તિઓ ભેગી કરી અને મુકાબલા માટે આવી ગયો.

(61) ૬૧) તે સમયે મૂસાએ લોકોને કહ્યું, તમારા પર અફસોસ ! અલ્લાહ તઆલા પર જૂઠાણું ન બાંધો, નહિ તો તે તમને અઝાબ આપી, નષ્ટ કરી દેશે, કારણકે જે વ્યક્તિ જૂઠાણું બાંધે છે, તે ક્યારેય સફળ થતો નથી.

(62) ૬૨) બસ ! આ વિશે લોકો અંદરોઅંદર ઝઘડવા લાગ્યા અને ધીમેધીમે સલાહસૂચન કરવા લાગ્યા.

(63) ૬૩) છેવટે લોકો કહેવા લાગ્યા કે આ બન્ને તો જાદુગર છે અને તેમની ઇચ્છા એ છે કે પોતાના જાદુના જોરથી તમને તમારા શહેર માંથી કાઢી મૂકે અને તમારા શ્રેષ્ઠ માર્ગને બરબાદ કરી દે.

(64) ૬૪) એટલા માટે તમે તમારી દરેક યુક્તિ ભેગી કરો, અને સૌ એક બની મીકાબલો કરવા માટે આવો, અને સમજી લો કે જે આજે વિજય પામ્યો તે જ બાજી લઇ ગયો.

(65) ૬૫) મૂસાને કહેવા લાગ્યા કે, હે મૂસા ! તમે નાખો છો અથવા અમે પહેલા અમે નાખીએ?

(66) ૬૬) મૂસએ કહ્યુ કે તમે જ પહેલા નાંખો, તેમના જાદુના અસરથી એવું લાગતું હતું કે તેમની દોરીઓ અને લાકડીઓ દોડી રહી છે.

(67) ૬૭) આ જોઈ મૂસા મનમાં ને મનમાં ભયભીત થયા.

(68) ૬૮) અમે (વહી દ્વારા) તેમને કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો.

(69) ૬૯) અને જે તમારા જમણા હાથમાં જે છે, તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા.

(70) ૭૦) આ જોઈ દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા.

(71) ૭૧) ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા ? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોની સજા વધારે સખત અને લાંબા સમય સુધી દુ:ખ પહોચાડવાવાળી છે.

(72) ૭૨) જાદુગરોએ જવાબ આપ્યો કે જે ઝાતે અમને પેદા કર્યા છે અને જે કઈ અમારી પાસે સ્પષ્ટ પુરાવા આવી ચુક્યા છે, અમે તને તેના પર ક્યારેય પ્રાથમિકતા નહિ આપીએ, હવે જે કઈ કરવા ઈચ્છતો હોય તું કરી લે, તું જે કઈ અમને સજા આપીશ તે ફક્ત આ દુનિયાના જીવન સુધી જ સીમિત હશે.

(73) ૭૩) અમે પોતાના પાલનહાર પર ઈમાન લાવી ચુક્યા છે, જેથી તે અમારી ભૂલોને માફ કરી દે, અને જાદુગરી (નો પાપ) જેના માટે તે અમને ઉભાર્યા છે. અલ્લાહ જ શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળો છે.

(74) ૭૪) વાત એવી છે કે જે પણ પાપી બની પોતાના પાલનહાર પાસે આવશે, તેના માટે જહન્નમ છે, જ્યાં ન તો તે મૃત્યુ પામશે અને ન તો જીવિત રહેશે.

(75) ૭૫) અને જે પણ તેની પાસે ઈમાનની સ્થિતિમાં આવશે અને તેણે સત્કાર્યો કર્યા હશે, તેના માટે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત દરજ્જા છે.

(76) ૭૬) હંમેશાવાળી જન્નતો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ જ ઇનામ (બક્ષિસ) છે તે દરેક વ્યક્તિ માટે, જે (ગુનાહોથી) પાક હશે.

(77) ૭૭) અને અમે મૂસા તરફ વહી કરી કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ અને તેમના માટે દરિયામાં સૂકો માર્ગ બનાવ, પછી તમને કોઈનાથી પકડાઇ જવાનો ન ભય હશે, ન ડર.

(78) ૭૮) ફિરઔને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી તો દરિયો તે સૌના પર છવાઇ ગયો, જેવો છવાઇ જવાનો હતો.

(79) ૭૯) ફિરઔને પોતાની કોમને ગુમરાહ જ કર્યા અને સત્ય માર્ગ ન બતાવ્યો.

(80) ૮૦) હે બની ઇસ્રાઇલના! જુઓ, અમે તમને તમારા દુશ્મનોથી છુટકારો આપ્યો અને તૂર નામના પર્વતની જમણી બાજુ (કીતાબા આપવાનું) વચન આપ્યું. અને તમારા માટે “મન્ અને સલ્વા” ઉતાર્યું.

(81) ૮૧) (અને કહ્યું કે) તમે અમારી આપેલી પવિત્ર રોજી ખાઓ અને તે ખાઈ વિદ્રોહ ન ફેલાવો, નહિતર તમારા પર મારો ગુસ્સો ઊતરશે. અને જેના પર મારો ગુસ્સો ઊતરી જાય, તે ખરેખર નષ્ટ થઇને જ રહેશે.

(82) ૮૨) હાં ! જે વ્યક્તિ તૌબા કરી લે અને ઈમાન લાવે અને સારા અમલ કરે, અને સત્ય માર્ગ પર જ રહેશે, તો ખરેખર હું તેને માફ કરવાવાળો છું.

(83) ૮૩) અને હે મૂસા ! અહિયાં તમને પોતાની કોમ પાસેથી કેવી વસ્તુ ઝડપથી લઇ આવી ?

(84) ૮૪) મૂસાએ કહ્યું, તે લોકો મારી પાછળ જ આવી રહ્યા છે, અને મેં તારી પાસે આવવા માટે એટલે ઉતાવળ કરી કે તું મારાથી ખુશ થઇ જાવ.

(85) ૮૫) અલ્લાહ તઆલાએ કહ્યું, અમે તારી કોમને તારી પાછળ આઝમાયશમાં નાંખી દીધી અને તે લોકોને “સામરી” એ ગુમરાહ કરી દીધા.

(86) ૮૬) બસ ! મૂસા સખત ગુસ્સે થઇ, દુ:ખી થઇ પોતાની કોમ પાસે પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમના લોકો ! શું તમારા પાલાનહારે તમને સારું વચન નહતું આપ્યું? શું આ સમયગાળો તમને લાંબો લાગ્યો ? પરંતુ તમારી ઇચ્છા હતી કે તમારા પર તમારો પાલનહાર ગુસ્સે થાય, કે તમે મારા વચનનો ભંગ કર્યો.

(87) ૮૭) તે લોકોએ કહેવા લાગ્યા, અમે પોતાના અધિકારથી તમારી સાથે વચન ભંગ નથી કર્યું, પરંતુ અમે જે ઘરેણાં ઉઠાવ્યા હતા, તેને અમે (આગમાં) નાંખી દીધા અને આવી રીતે સામરીએ પણ (આગમાં) નાંખી દીધા.

(88) ૮૮) પછી તેણે (ઓગાળેલા સોના વડે) એક વાછરડું બનાવ્યું એટલે કે વાછરડા જેવું શરીર બનાવી લીધું, જેમાંથી વાછરડા જેવો અવાજ નીકળતો હતો, પછી કહેવા લાગ્યા કે આ તમારો અને મૂસાનો પાલનહાર છે, પરંતુ મૂસા ભૂલી ગયો છે. (જે તૂર પર ચાલ્યા ગયા).

(89) ૮૯) શું આ લોકો જોતા નથી કે તે તો તમારી વાતનો જવાબ પણ નથી આપતો અને ન તો તમારા ફાયદા અને નુકસાનનો કઈ પણ અધિકાર ધરાવે છે.

(90) ૯૦) અને હારૂનએ આ પહેલા જ તેમને કહી દીધું હતું, હે મારી કોમના લોકો ! આ વાછરડા દ્વારા તમારી કસોટી કરવામાં આવી છે, તમારો સાચો પાલનહાર તો અલ્લાહ, રહમાન જ છે. બસ ! તમે સૌ મારું અનુસરણ કરો અને મારી વાત માનો.

(91) ૯૧) તે લોકોએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મૂસા અમારી પાસે પાછા ન આવી જાય, ત્યાં સુધી અમે આની પૂજાપાઠ કરતા રહીશું.

(92) ૯૨) (જ્યારે મૂસા પાછા આવ્યા તો હારૂનને કહ્યું) હે હારૂન ! જ્યારે તમે આ લોકોને ગુમરાહ થતા જોઈ રહ્યા હતા, તો તેમની (ઈસ્લાહ માટે) તમને કઈ વસ્તુએ રોકી રાખ્યા?

(93) ૯૩) કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો ?

(94) ૯૪) હારૂનએ કહ્યું, હે મારા ભાઇ ! મારી દાઢી અને માથાના વાળ ન પકડો, મને તો ફક્ત એ વિચાર આવ્યો ક્યાંક તમે એવું કહેશો કે તેં બની ઇસ્રાઇલના વચ્ચે વિવાદ કરી દીધો. અને મારા આદેશની રાહ ન જોઇ.

(95) ૯૫) મૂસાએ (સામરી તરફ ફરી) પુછ્યું, સામરી ! તારી શું સ્થિતિ છે ?

(96) ૯૬) સમારીએ જવાબ આપ્યો કે મેં તે વસ્તુ જોઇ જેને બીજાએ ન જોઇ. તો મેં રસૂલની નીચેથી એક મુઠ્ઠી ભરી લીધી, તેને તેની અંદર નાંખી દીધી, આવી જ રીતે મારા મનમાં આ વાત સત્ય લાગી.

(97) ૯૭) મૂસાએ કહ્યું કે સારું જા દુનિયાના જીવનમાં તારી સજા એ જ છે કે તું (બીજાને) કહેતો રહીશ કે મને અડશો નહીં અને તારા માટે એક અઝાબનો સમય છે, જે તારાથી દૂર થઇ શકતો નથી, અને તું જો પોતાના તે (જુઠા) મઅબૂદને, જેના પર તું અડગ રહ્યો હતો, અમે તેને બાળી નાખીશું અને (તેની રાખ)નો ભૂકો કરી, દરિયામાં નાખી દઈશું,

(98) ૯૮) તમારો ઇલાહ તો ફક્ત તે જ અલ્લાહ છે, જેનાં સિવાય કોઈ મઅબૂદ નથી, તેનું જ્ઞાન દરેક વસ્તુ પર ફેલાયેલું છે.

(99) ૯૯) (હે નબી ! ) આવી જ રીતે અમે તમારી સમક્ષ પહેલા થઇ ગયેલા કિસ્સાઓનું વર્ણન કરીએ છીએ અને નિ:શંક અમે તમને પોતાની પાસેથી ઝિકર (કુરઆન) આપ્યું છે.

(100) ૧૦૦) જે વ્યક્તિ તેનાથી મોઢું ફેરવશે, તે ખરેખર કયામતના દિવસે પોતાનાં ગુનાહનો ભાર ઉઠાવશે.

(101) ૧૦૧) તેઓ હમેશા તે જ સ્થિતિમાં રહેશે, અને કયામતના દિવસે આવો ભાર ઉઠાવવો ખૂબ જ ખરાબ ગણાશે.

(102) ૧૦૨) જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અમે તે દિવસે પાપીઓને ભેગા કરીશું, અમે તે દિવસે (ભય ના કારણે) ભૂરી અને પીળી આંખો સાથે લાવીશું.

(103) ૧૦૩) તેઓ અંદરોઅંદર ધીરેધીરે વાત કરી રહ્યા હશે કે અમે તો દુનિયામાં ફક્ત દસ દિવસ જ રહ્યા.

(104) ૧૦૪) જે કંઇ તેઓ કહી રહ્યા છે, તેની સત્યતાને અમે જાણીએ છીએ. તે લોકો કરતા વધારે સત્ય માર્ગવાળો કહી રહ્યો હશે કે તમે તો ફક્ત એક જ દિવસ રહ્યા.

(105) ૧૦૫) તે તમને પર્વતો વિશે સવાલ કરે છે, (કયામતનાં દિવસે તેમનું શું થવાનું છે?) તો તમે કહી દો કે તેમને મારો પાલનહાર કણ બનાવી ઉડાવી દેશે.

(106) ૧૦૬) અને ધરતીને સપાટ મેદાન કરી દેશે.

(107) ૧૦૭) જેમાં ન તો તમે કોઈ ઊંચ નીચ જોશો અને ન તો ખાડા.

(108) ૧૦૮) તે દિવસે દરેક લોકો પોકારવાવાળાની પાછળ ચાલ્યા આવશે, કોઈ તેમનાં વિરુદ્ધ જઈ નહિ શકે, અને અલ્લ્લાહ સમક્ષ દરેકનો અવાજ નીચો થઇ જશે.તમને બણબણાટ સિવાય કંઇ પણ નહીં સંભળાય.

(109) ૧૦૯) તે દિવસે ભલામણ કંઇ કામ નહીં આવે, પરંતુ જેને રહમાન (અલ્લાહ) પરવાનગી આપે અને તેની વાતને પસંદ કરે.

(110) ૧૧૦) જે કંઇ તેમની આગળ-પાછળ છે તેને અલ્લાહ જ જાણે છે, સર્જનોનું જ્ઞાન તેનાથી ઉચ્ચ નથી હોઈ શકતું.

(111) ૧૧૧) દરેક ચહેરા, તે જીવિત અને બાકી રહેનાર, વ્યવસ્થાપક અલ્લાહની સમક્ષ સંપૂર્ણ આજીજી સાથે ઝૂકેલા હશે, નિ:શંક તે બરબાદ થઇ ગયો જેણે ઝુલ્મ કર્યો.

(112) ૧૧૨) અને જે વ્યક્તિ સત્કાર્ય કરશે અને સાથે સાથે ઈમાન પણ ધરાવતો હશે, તો તેને ન તો અન્યાય થવાનો ભય હશે અને ન તો તેનો અધિકાર છીનવાઇ જવાનો.

(113) ૧૧૩) એવી જ રીતે અમે તમારા પર અરબી ભાષામાં કુરઆન ઉતાર્યું અને અલગ અલગ રીતે ચેતવણી આપી,, જેથી લોકો ડરવા લાગે. અથવા તેઓ કઈક નસીહત પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય.

(114) ૧૧૪) બસ ! અલ્લાહ, પ્રતિષ્ઠિત, ઉચ્ચ અને સાચો બાદશાહ છે. તમે કુરઆનની વહી સપૂર્ણ ઉતાર્યા પહેલા જ તેને પઢવા માટે ઉતાવળ ન કરશો, અને આ દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! તું મારા ઇલ્મમાં વધારો કર.

(115) ૧૧૫) અમે આદમ પાસેથી એક વચન લીધું હતું પરંતુ તે ભૂલી ગયા અને અમે તેમનામાં કોઈ મજબૂતાઇ ન જોઇ.

(116) ૧૧૬) અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું, કે આદમને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ કર્યો, તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

(117) ૧૧૭) તો અમે આદમને કહ્યું કે હે આદમ ! આ તારો અને તમારી પત્નીનો શત્રુ છે, એવું ન થાય કે તે તમને બન્નેને જન્નત માંથી કઢાવી દે, કે જેથી તમે મુસીબતમાં પડી જાવ.

(118) ૧૧૮) અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર.

(119) ૧૧૯) અને ન તો તમે તરસ્યા છો અને ન તડકાના કારણે તમને તકલીફ પહોંચે છે.

(120) ૧૨૦) પરંતુ શેતાને તેમના હૃદયમાં વસ્વસો નાખ્યો અને કહ્યું, આદમ ! શું હું તમને તે વૃક્ષ વિશે ન જણાવું જેનાથી હંમેશા બાકી રહેવાવાળું જીવન અને હંમેશાની હુકુમત નસીબ થશે?

(121) ૧૨૧) છેવટે તે બન્નેએ તે વૃક્ષનું ફળ ખાઇ લીધું, બસ ! બન્નેના ગુપ્તાંગ ખુલ્લા થઇ ગયા તો તેઓ જન્નતના પાંદડાથી તેને ઢાંકવા લાગ્યા. આદમએ પોતાના પાલનહારની અવજ્ઞા કરી, બસ ! તેઓ ભટકી ગયા.

(122) ૧૨૨) પછી તેના પાલનહારે તેમને પસંદ કરી લીધા, તેમની તૌબા કબૂલ કરી અને તેમને હિદાયત આપી.

(123) ૧૨૩) અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે બન્ને (અર્થાત ઇન્સાન અને શેતાન) અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના દુશ્મન છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો તે ન તો ગુમરાહ થશે અને ન તો તેને તકલીફ ઉઠવવી પડશે.

(124) ૧૨૪) અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને કયામતના દિવસે અમે તેને આંધળો કરી ઉઠાવીશું.

(125) ૧૨૫) તે કહેશે, હે મારા પાલનહાર ! તે મને આંધળો કરી કેમ ઉઠાવ્યો, જો કે હું (દુનિયામાં) સ્પષ્ટ જોતો હતો.

(126) ૧૨૬) અલ્લાહ તઆલા કહેશે, જેવી રીતે અમારી આયતો તમારી પાસે આવી તો તે તેને ભુલાવી દીધી હતી, એવી જ રીતે તું આજે ભુલાવી દેવામાં આવશે.

(127) ૧૨૭) અને જે વ્યક્તિ હદથી વધી જાય અને પોતાના પાલનહારની આયતો પર ઈમાન ન લાવે, અમે તેને આ પ્રમાણે જ સજા આપીશું અને આખિરતનો અઝાબ ખૂબ જ સખત અને બાકી રહેવાવાળો છે.

(128) ૧૨૮) શું તે લોકોને એ વાતથી પણ શિખામણ પ્રાપ્ત ના થઇ શકી કે અમે તેમના પહેલાં ઘણી જ વસ્તીઓને નષ્ટ કરી દીધી છે. જેમની વસ્તીઓમાં આ લોકો હરીફરી રહ્યા છે? નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.

(129) ૧૨૯) જો તમારા પાલનહારની વાત પહેલાથી જ નક્કી કરેલી ન હોતી અને નક્કી કરેલ સમય પણ નક્કી ન હોત તો તે જ સમયે તેમના પર અઝાબ આવી જાત.

(130) ૧૩૦) બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે ખુશ રહેશો.

(131) ૧૩૧) અને પોતાની નજર ક્યારેય તે વસ્તુ પાછળ ન નાંખશો, જે અમે તેમના માંથી કેટલાક લોકોને દુનિયાનો શણગાર આપી રાખ્યો છે, જેથી અમે તેમની આઝમાયશ તેના વડે કરીએ, તમારા પાલનહારની રોજી જ ઉત્તમ અને ઠોસ છે.

(132) ૧૩૨) પોતાના ઘરવાળાને નમાઝનું કહેતા રહો અને પોતે પણ કાયમ પઢતા રહો, અમે તમારી પાસે રોજી નથી માંગતા પરંતુ અમે પોતે તમને રોજી આપીએ છીએ. સારૂ પરિણામ તો પરહેજગાર લોકો માટે જ છે.

(133) ૧૩૩) કાફિર કહે છે કે આ પયગંબર અમારી પાસે તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી લાવ્યો ? શું તેમની પાસે સહિફામાં સ્પષ્ટ પુરાવા નથી આવ્યા ?

(134) ૧૩૪) અને જો અમે આ પહેલા જ તેમને અઝાબ આપી નષ્ટ કરી દેતા તો ખરેખર આ લોકો કહેતા કે, હે અમારા પાલનહાર ! તે અમારી પાસે પોતાનો પયગંબર કેમ ન મોકલ્યો ? કે અમારૂ અપમાન થતા પહેલા જ અમે તારી આયતોનું અનુસરણ કરીએ.

(135) ૧૩૫) તમે તેમને કહી દો દરેક પરિણામની રાહ જુએ છે, બસ ! તમે પણ રાહ જુઓ, નજીકમાં જ જાણી લેશો કે સત્ય માર્ગ તથા હિદાયત ઉપર કોણ છે ?