78 - An-Naba ()

|

(1) ૧) કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે?

(2) ૨) તે જબરદસ્ત ખબર વિશે?

(3) ૩) જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે.

(4) ૪) કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે.

(5) ૫) ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે.

(6) ૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?

(7) ૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)

(8) ૮) અને તમને જોડકામાં પેદા કર્યા.

(9) ૯) અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી.

(10) ૧૦) અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું.

(11) ૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.

(12) ૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો) બનાવ્યા.

(13) ૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.

(14) ૧૪) અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો.

(15) ૧૫) જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ.

(16) ૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવીએ)

(17) ૧૭) નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે.

(18) ૧૮) જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો.

(19) ૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.

(20) ૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે.

(21) ૨૧) નિ:શંક જહન્નમ ઘાતમાં છે.

(22) ૨૨) જે દુરાચારીઓનું ઠેકાણુ છે.

(23) ૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે.

(24) ૨૪) કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે.

(25) ૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.

(26) ૨૬) આ (તેમનો) સંપૂર્ણ બદલો હશે.

(27) ૨૭) તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.

(28) ૨૮) અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા.

(29) ૨૯) અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે.

(30) ૩૦) (અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહિ કરીએ.

(31) ૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.

(32) ૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.

(33) ૩૩) અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ.

(34) ૩૪) અને છલકાતા પ્યાલા.

(35) ૩૫) ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત.

(36) ૩૬) આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.

(37) ૩૭) જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.

(38) ૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.

(39) ૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.

(40) ૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત.