(1) ૧- હે ઈમાનવાળાઓ ! વચનો પૂરા કરો, તમારા માટે ઢોરના પ્રકાર (કેટલાક) પશુઓ હલાલ કરવામાં આવ્યા છે, તે સિવાય જેના નામ વર્ણન કરી જણાવી દેવામાં આવશે, પરંતુ એહરામની સ્થિતિમાં શિકારને હલાલ સમજવાવાળા ન બનશો, નિ:શંક અલ્લાહ જે ઇચ્છે, આદેશ આપે છે.
(2) ૨- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાની પવિત્ર નિશાનીઓનો અનાદર ન કરો, ન પવિત્ર મહિનાઓનું, ન હરમમાં કુરબાન થનારા અને પટ્ટો પહેરાવેલ જાનવરોનો જે કાબા તરફ જઇ રહ્યા હોય અને ન તે લોકોનો જે અલ્લાહના ઘરના ઇરાદાથી પોતાના પાલનહારની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના હેતુથી જઇ રહ્યા હોય, હાં જ્યારે તમે અહેરામ ઊતારી નાખો તો શિકાર કરી શકો છો, જે લોકોએ તમને મસ્જિદે હરામથી રોક્યા હતા તેઓની શત્રુતા તમને તે વાત પર ન ઉભારે કે તમે હદ વટાવી જનારા બની જાવ, સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો અને પાપ અને અત્યાચાર કરવામાં મદદ ન કરો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે.
(3) ૩- તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક, લોહી, ડુક્કરનું માંસ અને જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય અને જે ગળું ફસાઇ જવાથી મૃત્યુ પામ્યું હોય અને જે ઇજાગ્રસ્ત થઈ મૃત્યુ પામ્યું હોય અને જે ઊંચી જગ્યાએથી પડી જવાથી મૃત્યુ પામે અને જે કોઇના શિંગડા મારવાથી મૃત્યુ પામે અને જેને હિંસક પશુએ ફાડી ખાધું હોય, પરંતુ તેને તમે ઝબહ કરી દો તો હરામ નથી અને જે જાનવર વેદી ઉપર ઝબહ કરવામાં આવ્યું હોય અને તે જાનવર પણ, જે પાસાના તીરો વડે ઝબહ થયું હોય, આ બધા ગુનાહના કાર્ય છે, આજે કાફિરો તમારા દીનથી સંપૂર્ણ નિરાશ થઇ ગયા, બસ ! તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો, આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો, બસ ! જે વ્યક્તિ સખત ભૂખના કારણે ,(આ હરામ કરેલી વસ્તુઓ માંથી કોઈ વસ્તુ ખાવા પર) આકુળવ્યાકુળ થઇ જાય, શરત એ છે કે કોઇ ગુનાહ તરફ તેની ઇચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.
(4) ૪- તમને સવાલ કરે છે કે તેઓ માટે શું-શું હલાલ કરવામાં આવ્યું છે ? તમે કહી દો કે દરેક પાક વસ્તુઓ તમારા માટે હલાલ કરવામાં આવી છે અને જે શિકારી જાનવરોને તમે કેળવ્યા હોય એટલે કે જેને તમે થોડુંક એવું શિખવાડો છો જેવું અલ્લાહએ તમને શિખવાડ્યું છે, બસ ! જે શિકારને તે (જાનવર) તમારા માટે પકડી રાખે તો તમે તેને ખાઇ લો અને તેના પર અલ્લાહ તઆલાનું નામ લો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા જલ્દીથી હિસાબ લેવાવાળો છે.
(5) ૫- બધી જ પાક વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને અહલે કિતાબનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, શરત એ છે કે તમે તેઓને મહેર આપી લગ્ન કરવા ઇચ્છતા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવા અથવા છુપી રીતે સંબંધ ન હોવો જોઈએ, અને જે વ્યક્તિએ ઈમાનને છોડીને કૂફરનો માર્ગ અપનાવ્યો તો તેના દરેક કાર્યો વ્યર્થ થઈ જશે અને આખિરતમાં તે નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.
(6) ૬- હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નમાઝ પઢો તો પોતાના ચહેરાને અને પોતાના હાથોને કોણીઓ સુધી ધોઇ લો, પોતાના માથાઓ પર હાથ ફેરવી લો અને પોતાના પગને ઘુંટીઓ સુધી ધોઇ લો અને જો તમે નાપાકી ની અવસ્થામાં હોવ તો ગુસ્લ (પવિત્ર સ્નાન) કરી લો, હાં જો તમે બિમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારા માંથી કોઇ હાજત પૂરી કરીને આવ્યો હોય, અથવા તો તમે પત્ની સાથે ભેગા (સમાગમ) થયા હોય, અને તમને પાણી ન મળે તો તમે સાફ માટી વડે તયમ્મુમ કરી લો, તેને પોતાના ચહેરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તઆલા તમારા પર કોઇ પણ પ્રકારની તંગી નાખવા નથી ઇચ્છતો, પરંતુ તેની ઇચ્છા તમને પવિત્ર કરવાની અને પોતાની પુષ્કળ નેઅમત (કૃપા) આપવાની છે, જેથી તમે આભાર વ્યકત કરતા રહો.
(7) ૭- અને અલ્લાહના તે એહસાનને યાદ કરો, જે તેણે તમારા ઉપર કર્યો અને તે મજબૂત વચનને પણ (યાદ રાખો) જે તમારી પાસેથી લેવામાં આવ્યું, જ્યારે કે તમે સમિઅના વ અતઅના (અમે સાંભળ્યુ અને ઈતાઅટ કબૂલ કરી), અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા દિલોની વાતોને જાણવાવાળો છે.
(8) ૮- હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો, આ જ વાત તકવાની વધુ નજીક છે, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણે છે.
(9) ૯- અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે.
(10) ૧૦- અને જે લોકોએ કૂફર કર્યો અને અમારા આદેશોને જૂઠલાવ્યા તો આવા જ લોકો જહન્નમી છે.
(11) ૧૧- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે ઉપકાર તમારા પર કર્યા છે તેને તમે યાદ કરો, જ્યારે કે એક જૂથે તમારા પર અત્યાચાર કરવાનો ઇરાદો કર્યો તો અલ્લાહ તઆલાએ તેમના હાથ તમારા સુધી પહોંચતા પહેલા રોકી લીધા અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
(12) ૧૨- અને અલ્લાહ તઆલાએ બની ઇસ્રાઇલ પાસેથી વચન લીધું અને તેમના માંથી જ બાર સરદાર અમે નક્કી કર્યા અને અલ્લાહ તઆલાએ કહ્યું કે ખરેખર હું તમારી સાથે છું, જો તમે નમાઝ પઢતા રહેશો અને ઝકાત આપતા રહેશો અને મારા પયગંબરોની વાત માનશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહ તઆલાના બંદાઓને ઉધાર આપતા રહેશો, તો ચોક્કસપણે હું તમારી બૂરાઈને તમારાથી દૂર રાખીશ અને તમને તે જન્નતોમાં પ્રવેશ આપીશ, જેની નીચે ઝરણાં વહી રહ્યા છે. હવે તે વચન આપ્યા પછી પણ તમારા માંથી જે કૂફર કરશે, તો નિ:શંક તે સત્યમાર્ગથી ભટકી ગયો.
(13) ૧૩- પછી તેમના વચનભંગના કારણે અમે તેમના પર અમારી લઅનત (ફિટકાર) નાખી દીધી અને તેઓના હૃદયો સખત કરી દીધા કે (હવે તેમની સ્થિતિ એવી છે કે) કે કલામ (દિવ્યવાણી) ને તેની જગ્યાએથી બદલી નાંખે છે અને જે કંઈ શિખામણ તેઓને આપવામાં આવી હતી તેનો મોટો ભાગ ભૂલી ગયા, થોડાક લોકો સિવાય તમને તેમના દરેક દગાની જાણ થતી રહેશે, બસ ! તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ઉપકાર કરવાવાળાઓને મુહબ્બત કરે છે.
(14) ૧૪- (એવી જ રીતે અમે) તે લોકો પાસેથી મજબૂત વચન લીધું હતું, જેઓએ કહ્યું હતું કે અમે નસ્રાની છે, તેઓ પણ તેનો મોટો ભાગ ભૂલાવી બેઠા, જેની શિખામણ તેઓને આપવામાં આવી હતી, જેના પરિણામ રૂપે અમે કયામત સુધી તેઓની અંદરો અંદર કપટ અને શત્રુતા નાખી દીધી, અને જે કંઈ પણ આ લોકો કરતા હતા નજીક માંજ અલ્લાહ તઆલા તેઓને બધું જ બતાવી દેશે.
(15) ૧૫- હે કિતાબવાળાઓ ! નિ:શંક તમારી પાસે અમારો પયગંબર આવી પહોંચ્યો, જે તમારી સમક્ષ અલ્લાહની કિતાબની વધું પડતી એવી વાતો જાહેર કરી રહ્યો છે જેને તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી જ વાતોને છોડી પણ દે છે, હવે તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ અને ખુલ્લી કિતાબ આવી પહોંચી છે.
(16) ૧૬- જેના કારણે અલ્લાહ તઆલા તેઓને સલામતીનો માર્ગ બતાવે છે, જે અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય (તેમને અને તેઓને પોતાની તૌફીક વડે અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવે છે અને સત્યમાર્ગ તરફ તેઓને માર્ગદર્શન આપે છે.
(17) ૧૭- નિ:શંક તે લોકો કાફિર છે, જેઓએ કહ્યું કે મરયમના દીકરા મસીહ તે જ અલ્લાહ છે, તમે તેઓને કહી દો કે જો અલ્લાહ તઆલા મસીહ ઈબ્ને મરયમને અને તેમની માતાને અને જે કંઈ પણ ઝમીનમાં હોય, તે દરેકને નષ્ટ કરવા ઈચ્છે તો કોણ છે જે અલ્લાહને તેના ઈરાદાથી રોકી શકે છે? અને જે કંઈ આકાશો અને ધરતી અને બન્ને વચ્ચેનું દરેક સામ્રાજ્ય અલ્લાહ તઆલાનું જ છે, તે જે ઇચ્છે છે, સર્જન કરે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(18) ૧૮- યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના પ્રિય છે, તમે તેઓને પૂછો કે (જો આ પ્રમાણેની જ વાત હોત તો) પછી તમને તમારા અપરાધના કારણે સજા કેમ આપતો? નહીં, પરંતુ તમે પણ તેના સર્જન માંથી એક માનવી છો, તે જેને ઇચ્છે છે માફ કરે છે અને જેને ઇચ્છે છે અઝાબ આપે છે, આકાશો અને ધરતીમાં અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે.
(19) ૧૯- હે અહલે કિતાબ ! અમારો પયગંબર તમારી પાસે તે સમયે આવ્યો, જ્યારે કે પયગંબરોનો આવવાનો સિલસિલો બંધ થઈ ગયો હતો અને આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે એમ ન કહી શકો કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અથવા સચેત કરનાર તો આવ્યો જ નથી, લો, હવે તમારી પાસે ખુશખબર આપનાર અને સચેત કરનાર પણ આવી ગયો છે અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(20) ૨૦) અને યાદ કરો મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું હે મારી કોમના લોકો ! અલ્લાહ તઆલાના તે ઉપકારને યાદ કરો કે તેણે તમારા માંથી પયગંબરો બનાવ્યા અને તમને બાદશાહ બનાવી દીધા અને તમને તે આપ્યું જે સમગ્ર જગતમાં કોઇને આપવામાં આવ્યું નથી.
(21) ૨૧- હે મારી કોમના લોકો ! તે પવિત્ર ધરતીમાં દાખલ થઇ જાવ, જે અલ્લાહ તઆલાએ તમારા નામે લખી દીધી છે અને પોતાની પીઠ બતાવી અત્યાચાર ન કરો, નહિ તો નુકસાન ઉઠાવનારા બની જશો.
(22) ૨૨- તેઓએ જવાબ આપ્યો કે, હે મૂસા ! ત્યાં તો શક્તિશાળી, અતિરેક કરનાર લોકો છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી નહીં જાય, અમે ત્યાં ક્યારેય નહીં જઇએ, હાં જો તેઓ ત્યાંથી નીકળી જશે તો પછી અમે (રાજી ખુશીથી) જતા રહીશું.
(23) ૨૩- જે લોકો અલ્લાહથી ડરતા હતા, તેમના માંથી બે વ્યક્તિઓ, જેમના પર અલ્લાહએ પોતાની કૃપા કરી હતી, કહ્યું, કે તમે તેઓ પાસે દરવાજા સુધી તો પહોંચી જાવ, દરવાજામાં પગ મૂકતા જ તમે વિજય પ્રાપ્ત કરી લેશો અને જો તમે ઈમાનવાળાઓ હોવ તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
(24) ૨૪- કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા ! જ્યાં સુધી તે અતિરેક કરનાર લોકો ત્યાં છે અમે ક્યારેય દાખલ નહિ થઈએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે.
(25) ૨૫- મૂસા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર ! મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ ! તમે અમને અને અવજ્ઞાકારી લોકોને અલગ કરી દો.
(26) ૨૬- અલ્લાહ તઆલાએ કહ્યું કે હવે તે ધરતી તેઓ માટે ચાલીસ વર્ષ સુધી હરામ કરી દેવામાં આવી , તેટલો સમય તે લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહી લોકો માટે નિરાશ ન થશો.
(27) ૨૭- એવી જ રીતે તે લોકો સમક્ષ આદમના બે દીકરાઓનો સાચો કિસ્સો સંભળાવો, જ્યારે તે બન્નેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઇ ગઇ અને બીજાની કબૂલ ન થઇ, તો તે (જેની કુરબાની કબૂલ ન થઈ) કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, (જેની કબૂલ થઇ) તેણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલા ડરવાવાળઓનું જ કાર્ય કબૂલ કરે છે.
(28) ૨૮- જો તું મને કતલ કરવા માટે પોતાનો હાથ આગળ વધારીશ તો પણ હું તને કતલ કરવા માટે મારો હાથ આગળ નહિ વધારું, હું તો અલ્લાહ તઆલાથી ડરું છું.
(29) ૨૯- હું તો ઇચ્છુ છું કે તું મારા પાપ અને પોતાના પાપોને પોતાના શિરે કરી લે અને તું જહન્નમી બની જા, અત્યાચારીઓનો આ જ બદલો છે.
(30) ૩૦- બસ ! તેને તેની મનેચ્છાએ પોતાના ભાઇના કતલ માટે ઉભારી દીધો અને તેણે તેને કતલ કરી દીધો, જેથી તે નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ ગયો.
(31) ૩૧- પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી તે કાતિલને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઇની લાશને છૂપાવી દે, તે કહેવા લાગ્યો કે અફસોસ ! શું હું આ કાગડા જેવો પણ ન થઇ શકયો કે પોતાના ભાઇની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો ? પછી તો તે (ઘણો જ) પસ્તાયો.
(32) ૩૨- આ કારણે અમે બની ઇસ્રાઇલ માટે (તૌરાતમાં) લખી દીધું હતું કે જે વ્યક્તિ કોઇને વગર કારણે કતલ કરે અથવા તો ધરતી પર ફસાદ ઉભો કરવા માટે કતલ કર્યું તો જાણે કે તેણે સમગ્ર માનવજાતિની હત્યા કરી, અને જે વ્યક્તિ કોઇ એકના પ્રાણ બચાવી લે તો તેણે જાણે કે સમગ્ર માનવજાતિને જીવન પ્રદાન કર્યું, અને તેઓની પાસે અમારા ઘણા જ પયગંબરો સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, તો પણ તેઓ માંથી વધારે પડતા લોકો ધરતી પર અત્યાચાર અને અતિરેક કરનારાઓ જ રહ્યા.
(33) ૩૩- જે લોકો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સાથે લડાઇ કરશે અને ધરતી પર અતિરેક કરતા ફરશે, તેમની સજા એ જ હોઈ શકે છે કે તેમને કતલ કરી દેવામાં આવે અથવા ફાંસીએ લટકાવી દેવામાં આવે, અથવા વિરુદ્ધ દિશાથી તેઓના હાથ-પગ કાપી નાંખવામાં આવે, અથવા તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવે, આ તો તેઓ માટે દુનિયાના જીવનનું અપમાન અને આખિરતમાં તેઓ માટે સખત અઝાબ છે.
(34) ૩૪- તમારા કાબુ કરતા પહેલા જો તે લોકો તૌબા કરી લે (તેમને આ સજા આપવામાં નહિ આવે) તમને જાણ હોવી જોઈએ કે અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
(35) ૩૫- હે ઇમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જિહાદ કરો, જેથી તમે સફળ થઈ જાવ.
(36) ૩૬- જે લોકો કાફિર છે, જો તેઓ ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તેમની પાસે હોય અથવા તેના જેટલું જ બીજું હોય, અને જો તેઓ આ બધું જ આપી કયામતના દિવસે થનારા અઝાબથી છુટકારો મેળવવા ઈચ્છે, તો પણ તેમની પાસેથી આ મુક્તિદંડ કબૂલ કરવામાં નહિ આવે. અને તેમને દુઃખદાયી અઝાબ થશે.
(37) ૩૭- આ લોકો ઇચ્છશે કે જહન્નમ માંથી નીકળી જાય, પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે, તેઓ માટે હંમેશા કાયમ રહેવાવાળો અઝાબ હશે.
(38) ૩૮- ચોરી કરવાવાળો પુરુષ હોય અથવા સ્ત્રી બન્નેનો હાથ કાપી નાખો, આ બદલો છે, જે તેમણે કર્યુ, સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.
(39) ૩૯- પછી જે વ્યક્તિ આ ઝુલ્મ કર્યા પછી તૌબા કરી લે અને પોતાની ઇસ્લાહ કરી લે તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લે છે, તે ખરેખર ખૂબ જ માફ કરનાર અને રહેમ કરવાવાળો છે.
(40) ૪૦- શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ આકાશો અને ધરતીનું સામ્રાજ્ય છે, તે જેને ઇચ્છે સજા આપે અને જેને ઇચ્છે તેને માફ કરી દે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(41) ૪૧- હે પયગંબર ! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, પરંતુ તેઓના દિલ ઈમાન નથી લાવ્યા, અને કેટલાક યહૂદી લોકો પણ છે, જેઓ જૂઠ ગઢવા માટે કાન લગાવી રહ્યા છે, અને જેઓ તમારી પાસે નથી આવ્યા તેમના માટે તેઓ તમારી વાત સાંભળે છે, (અલ્લાહની કિતાબના) શબ્દોની જગ્યા નક્કી થઈ ગયા પછી તેની સમજુતી બદલી નાખે છે અને લોકોને કહેતા હોય છે કે જો આ પયગંબર આ પ્રમાણે આદેશ આપે તો જ માની લેશો, નહિ તો ન માનશો અને જેને અલ્લાહ ફિત્ના માં જ રાખવા માંગે તો તેને અલ્લાહની પકડથી બચાવવા માટે કાંઇ નથી કરી શકતા, અલ્લાહ તઆલા આવા લોકોના દિલોને પાક કરવા નથી માંગતો, તેમના માટે દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ આપવામાં આવશે.
(42) ૪૨- આ લોકો જૂઠી વાતો ગઢવા માટે જાસૂસી કરે છે, (તે સિવાય) હરામ ખાવાવાળા પણ છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓમાં ન્યાય સાથે ફેંસલો કરો, નિ:શંક ન્યાય કરનારાઓ ને અલ્લાહ મુહબ્બત પસંદ કરે છે.
(43) ૪૩- (આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી તેઓ આદેશોથી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી.
(44) ૪૪- અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તેં પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા, અને પરહેજગાર લોકો તેમજ આલિમો પણ (તૌરાત મુજબ જ ફેંસલો કરતા હતા), કારણકે તેઓને અલ્લાહની કિતાબની સુરક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તે કિતાબ સત્ય હોવાના સાક્ષી પણ આપતા હતા, એટલા માટે તમે લોકોથી ન ડરશો પરંતુ મારાથી જ ડરો, અને મારી આયતોને નજીવી કિંમતના બદલામાં વેંચી ન નાખો, અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે.
(45) ૪૫- તેમના માટે અમે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ, આંખના બદલામાં આંખ, નાકના બદલામાં નાક, કાનના બદલામાં કાન, દાંતના બદલામાં દાંત અને જખમોનો બરાબર બરાબર બદલો રહેશે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશ મુજબ ફેંસલો ન કરે તો આવા જ લોકો જાલિમ છે.
(46) ૪૬- અને અમે તે પયગંબરો પછી તેમની પાછળ ઈસા બિન મરયમને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને પરહેજગાર માટે તેમાં સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું.
(47) ૪૭- અને ઈંજીલ વાળાઓ માટે પણ જરૂરી છે કે અલ્લાહ તઆલાએ જે કંઈ ઈંજીલમાં આદેશો આપ્યા છે, તે જ પ્રમાણે નિર્ણય કરે, અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે.
(48) ૪૮- અને અમે તમારી તરફ સાચી કિતાબ (કુરઆન) ઉતારી છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે (કિતાબો)ની સુરક્ષા પણ કરે છે, એટલા માટે તમે તેઓની અંદર અંદરની બાબતોમાં અલ્લાહએ ઉતારેલી કિતાબ મુજબ જ નિર્ણય કરો, જ્યારે તમારી પાસે સત્ય આવી ગયું છે તો સત્યથી હટીને તેઓની મનેચ્છાઓની પાછળ ન જાઓ, તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો તમને બધાને એક જ જૂથ બનાવી દેત, પરંતુ તેની ઇચ્છા છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે. તમે સદકાર્યો તરફ ઉતાવળ કરો, તમારે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, પછી તે (અલ્લાહ) તમને તે દરેક વસ્તુની જાણ આપશે જેમાં તમે મતભેદ કરતા હતા.
(49) ૪૯- અને જ્યારે તમે તે લોકોની વચ્ચે નિર્ણય કરો તો અલ્લાહએ આપેલ આદેશ મુજબ જ નિર્ણય કરો, અને તે વાતથી સચેત રહેજો કે જે આદેશ અલ્લાહએ તમારી તરફ ઉતાર્યા છે, તેનાથી અથવા તેના થોડાક ભાગથી તમને ફેરવી ન દે. અને જો આ લોકો આ વાતોથી મોઢું ફેરવે તો જાણી લો કે અલ્લાહ તેમને એમના કેટલાક ગુનાહોની સજા આપવા ઈચ્છે છે, ખરેખર તેમના માંથી ઘણા અવજ્ઞાકારી લોકો છે.
(50) ૫૦- શું આ લોકો ફરીવાર અજ્ઞાનતાનો નિર્ણય ઇચ્છે છે ? યકીન કરનારાઓ માટે અલ્લાહથી બહેતર નિર્ણય કરનાર કોઈ નથી હોઈ શકતું.
(51) ૫૧- હે ઈમાનવાળાઓ ! તમે યહૂદી અને નસ્રાનીઓને મિત્ર ન બનાવો, આ તો એક-બીજાના જ મિત્રો છે, તમારા માંથી જે વ્યક્તિ પણ તેઓ માંથી કોઇની સાથે મિત્રતા રાખશે, તે નિ:શંક તેઓ માંથી છે, અત્યાચારીઓને અલ્લાહ તઆલા ક્યારેય હિદાયત નથી આપતો.
(52) ૫૨- તમે જોશો કે જેઓના દિલોમાં (નિફાકની) બિમારી છે તે દોડી દોડીને તેઓમાં (યહૂદીઓ અને નસ્રાનીઓ સાથે) ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ભય છે, એવું ન થાય કે કોઇ આફત અમારા પર આવી જાય, શક્ય છે કે અલ્લાહ તઆલા (મોમિનોને) વિજય અપાવે, અથવા તો પોતાની પાસેથી કોઇ બીજી વસ્તુ લાવે, પછી તો આ લોકો પોતાના હૃદયોમાં છૂપી વાતો પર શરમાવા લાગશે.
(53) ૫૩- અને ઈમાનવાળાઓ કહેશે શું આ જ તે લોકો છે, જેઓ અલ્લાહ તઆલાના નામની ઘણી કસમો ખાઈ કહે છે કે અમે તમારી સાથે છે તેઓના કાર્યો વ્યર્થ થઇ ગયા તેમજ તેઓએ નુકસાન જ ઉઠાવ્યું.
(54) ૫૪- હે ઈમાનવાળાઓ ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય, તો અલ્લાહ તઆલા નજીક માંજ એવી કોમ લાવશે, જેમને અલ્લાહ પસંદ કરતો હશે અને તેઓ પણ અલ્લાહને પસંદ કરતા હશે, તે મુસલમાનો પર નમ્રતા દાખવનારા હશે, અને કાફિરો માટે સખત હશે, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે અને કોઇ નિંદા કરનાર ની નિંદાની પરવાહ પણ નહીં કરે, આ અલ્લાહ તઆલાની કૃપા છે, તે જેને ઇચ્છે, આપી દે, અલ્લાહ તઆલા આવરી લેનાર, જબરદસ્ત જ્ઞાનવાળો છે.
(55) ૫૫- (હે ઇમાનવાળોએ!) તમારો મિત્ર અલ્લાહ પોતે છે અને તેના પયગંબર છે અને ઈમાનવાળાઓ છે, જે નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રૂકુઅ કરનારાઓ છે.
(56) ૫૬- અને જે વ્યક્તિ અલ્લાહ તઆલા અને તેના પયગંબર અને મુસલમાનો સાથે મિત્રતા કરશે, (તે લોકો ભરોસો રાખે કે) અલ્લાહ તઆલાનું જૂથ જ વિજય પામશે.
(57) ૫૭- હે ઇમાનવાળાઓ ! તે લોકો સાથે મિત્રતા ન કરો, જે લોકોને તમારા કરતા પહેલા કિતાબ આપવામાં આવી હતી, તેમના માંથી અને કાફિરો માંથી એવા લોકોને મિત્ર ન બનાવો, જેઓ તમારા દીનને ઠઠ્ઠામશ્કરી બનાવી બેઠા છે, અને જો તમે ઈમાનવાળા હોવ તો અલ્લાહ તઆલાથી ડરતા રહો.
(58) ૫૮- અને જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તો તેઓ તેને ઠઠ્ઠામશ્કરી અને રમત બનાવી લે છે, તેનું કારણ એ છે કે તેઓ મૂર્ખ લોકો છે.
(59) ૫૯- તમે કહી દો હે અહલે કિતાબ ! તમે અમારી સાથે ફકત એટલા માટે જ શત્રુતા રાખો છો કે અમે અલ્લાહ તઆલા પર અને જે કંઈ પણ અમારી તરફ ઉતારવામાં આવ્યું છે અને જે કંઈ પણ આ પહેલા ઉતારવામાં આવ્યું હતું, તેના પર ઈમાન લાવ્યા છે અને એટલા માટે પણ કે તમારા માંથી ઘણા લોકો વિદ્રોહી છે.
(60) ૬૦- તમે કહી દો કે શું હું તમને ન જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તઆલાની નજીક કોણ છે ? તેઓ, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત (ફિટકાર) કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા અને જે લોકોએ ખોટા તાગૂતની બંદગી કરી, આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઇ ગયા છે.
(61) ૬૧- અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ આવ્યા ત્યારે પણ કાફિર હતા અને જ્યારે ગયા ત્યારે પણ કાફિર જ હતા, અને જે કંઈ તેઓ છુપાવી રહ્યા છે, તેને અલ્લાહ તઆલા સારી રીતે જાણે છે.
(62) ૬૨- તમે જોશો કે તેઓ માંથી વધુ પડતા લોકો ગુનાહ, અત્યાચાર અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ પણ આ લોકો કરી રહ્યા છે તે અત્યંત ખોટા કાર્યો છે.
(63) ૬૩- તેઓને તેમના સદાચારી લોકો તથા તેમના આલિમો જુઠ્ઠી વાતો કહેવાથી અને હરામ વસ્તુઓ ખાવાથી કેમ નથી રોકતા ? નિ:શંક ખરાબ કાર્ય છે, જે આ લોકો કરી રહ્યા છે.
(64) ૬૪- અને યહૂદીઓએ કહ્યું કે અલ્લાહ તઆલાના હાથ બંધાયેલા છે, તેઓના જ હાથ બંધાયેલા છે અને તેઓની આ વાતના કારણે તેઓ પર લઅનત કરવામાં આવી, પરંતુ અલ્લાહ તઆલાના બન્ને હાથ ખુલ્લા છે જેવી રીતે ઇચ્છે છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેણે તેઓ માંથી વધારે પડતા લોકોને (હિદાયતના બદલામાં) કૂફર અને વિદ્રોહ કરવામાં આગળ વધારી દીધા, (જેના કારણે) અમે તેઓની અંદરોઅંદર જ કયામત સુધી શત્રુતા અને કપટ નાંખી દીધો, જ્યારે પણ આ લોકો યુધ્ધ કરવા માટે આગ ભડકાવવા લાગે છે તો અલ્લાહ તઆલા તેને હોલવી નાંખે છે, આ લોકો શહેરમાં ફસાદ ફેલાવતા રહે છે અને અલ્લાહ તઆલા ફસાદીને પસંદ નથી કરતો.
(65) ૬૫- અને જો આ કિતાબવાળાઓ ઈમાન લઇ આવે, અને ડરવા લાગે તો અમે તેઓના દરેક ગુનાહને માફ કરી દઇશું અને અમે ચોક્કસપણે તેઓને રાહત અને આરામવાળી જન્નતોમાં પ્રવેશ આપીશું..
(66) ૬૬- અને જો આ લોકો તૌરાત અને ઈંજીલ અને તેઓની તરફ જે કંઈ પણ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેઓનું અનુસરણ કરતા તો આ લોકો પોતાના ઉપર નીચેથી રોજી પામતા અને ખાતા, એક જૂથ તો તેઓ માંથી (દીન બાબતે) સાવચેતી રાખનારાઓનું છે, તેઓ માંથી વધારે પડતા લોકો ખરાબ કાર્યો કરે છે.
(67) ૬૭- હે પયગંબર ! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે લોકો સુધી પહોંચાડી દો, જો તમે આવું ન કર્યુ તો તમે અલ્લાહની પયગંબરીનો હક અદા ન કર્યો, અને તમને અલ્લાહ તઆલા લોકોથી બચાવી લેશે, નિ:શંક અલ્લાહ તઆલા કાફિરોને સત્યમાર્ગ નથી બતાવતો.
(68) ૬૮- તમે કહી દો કે હે અહલે કિતાબ ! જ્યાં સુધી તમે તૌરાત અને ઈંજીલ તેમજ જે કંઈ તમારી તરફ તમારા પાલનહારે અવતરિત કર્યુ છે, તેનું અનુસરણ નહી કરો, તો તમે દીનના કોઈ માર્ગ પર નથી, અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે તેઓ માંથી વધારે પડતા લોકોના અત્યાચાર અને ઇન્કાર કરવામાં વધારો કરી દેશે, તો તમે તે કાફિરો માટે નિરાશ ન થશો.
(69) ૬૯- જે લોકો ઈમાન લાવ્યા છે, અથવા યહૂદી છે અથવા તો સાબી છે અથવા નસરાની હોય તેઓ માંથી જે કોઈ (સાચા દિલથી) અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તો તેઓને ન તો કોઇ પણ જાતનો ભય હશે અને ન તો તેઓ નિરાશ થશે.
(70) ૭૦- અમે ખરેખર બની ઇસ્રાઇલ પાસેથી મજબૂત વચન લીધું હતું અને તેઓ તરફ પયગંબરોને પણ મોકલ્યા હતા , પરંતુ જ્યારે કોઈ પયગંબર તેઓની પાસે તે આદેશો લઇને આવ્યા, જે તેઓની મનેચ્છાઓની વિરોધમાં હતા, તો તેઓએ તેઓના એક જૂથને ઝુઠલાવ્યા અને એક જૂથને કતલ કરી નાખ્યા. .
(71) ૭૧- અને સમજી બેઠા કે કંઈ જ પકડ નહીં થાય, બસ ! આંધળા, બહેરા બની ગયા, પછી અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબૂલ કરી, ત્યાર પછી પણ તેઓ માંથી વધુ પડતા લોકો આંધળા, બહેરા થઇ ગયા, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખૂબ સારી રીતે જોવાવાળો છે.
(72) ૭૨- નિ:શંક તે લોકો કાફિર છે, જેઓએ કહ્યું કે મસીહ ઈબ્ને મરયમ જ અલ્લાહ છે, જો કે પોતે મસીહે તેઓને કહ્યું હતું કે હે બની ઇસ્રાઇલના ! અલ્લાહની જ બંદગી કરો, જે મારો અને તમારા સૌનો પાલનહાર છે, કારણકે જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરે છે, અલ્લાહ તઆલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે અને પાપીઓની મદદ કરનાર કોઇ નહીં હોય.
(73) ૭૩- તે લોકો પણ સંપૂર્ણ કાફિર બની ગયા, જે લોકોએ કહ્યું અલ્લાહ ત્રણ માંથી ત્રીજો છે, ખરેખર અલ્લાહ જ એકલો ઇલાહ છે, જો આ લોકો પોતાની આવી વાતોથી અળગા ન રહ્યા તો તેઓ માંથી જે કાફિર રહ્યા તેઓને સખત દુઃખદાયી અઝાબ આપવામાં આવશે.
(74) ૭૪- આ લોકો અલ્લાહ તઆલા તરફ કેમ તૌબા નથી કરતા અને કેમ માફી નથી માંગતા ? અલ્લાહ તઆલા તો ઘણો જ માફ કરનાર છે અને ઘણો જ દયાળુ છે.
(75) ૭૫- મસીહ ઈબ્ને મરયમ ફક્ત એક પયગંબર છે, આ પહેલા પણ ઘણા પયગંબરો આવી ગયા, તેમની માતા એક સાચી સ્ત્રી હતી, બન્ને મા-દીકરા ખાવાનું ખાતા હતા, તમે જોશો કે કેવી રીતે અમે તેમની સમક્ષ પુરાવા મૂકીએ છીએ, પછી ધ્યાન ધરો કે કેવી રીતે તેઓ ફરી રહ્યા છે ?
(76) ૭૬- (હે પયગંબર) ! તમે તેમને કહી દો કે શું તમે અલ્લાહને છોડીને તેની બંદગી કરો છો, જે ન તો તમારા કંઈ નુકસાનના માલિક છે અને ન તો કોઇ ફાયદાના, અલ્લાહ જ ખૂબ સાંભળવાવાળો અને ખૂબ જાણવાવાળો છે.
(77) ૭૭- તમે તેમને કહી દો કે હે અહલે કિતાબ ! પોતાના દીનમાં ખોટી રીતે અતિરેક ન કરો અને તે લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરો જે પહેલાથી ભટકી ગયેલા છે અને ઘણા લોકોને ભટકાવી પણ ચૂકયાં છે અને સત્યમાર્ગથી હટી ગયા છે.
(78) ૭૮- બની ઇસ્રાઇલ માંથી જે લોકો કાફિર બની ગયા, તેમના પર પર દાઉદ અને ઈસા બિન મરયમની જબાન વડે લઅનત કરવામાં આવી, કારણ કે તેઓ અવજ્ઞાકારી કરી અને હદ વટાવી જનારા હતા.
(79) ૭૯- અંદર અંદર એક-બીજાને ખરાબ કાર્યોથી રોકતા ન હતા, જે તેઓ કરતા હતા,જે કંઈ પણ આ લોકો કરતા હતા, નિ:શંક તે ઘણું જ ખરાબ કૃત્ય હતું.
(80) ૮૦- તેઓ માંથી ઘણા પડતા લોકોને તમે જોશો કે તે કાફિરો સાથે મિત્રતા રાખે છે, જે કંઈ તેઓએ તેમના માટે આગળ મોકલી રાખ્યું છે તે ઘણું જ ખરાબ છે કે તેના કારણે અલ્લાહ તઆલા તેઓથી નારાજ થયો અને તેઓ હંમેશા અઝાબ માંજ રહેશે.
(81) ૮૧- જો તેઓ અલ્લાહ તઆલા પર અને પયગંબર પર અને જે કંઈ તેમની તરફ ઉતારવામાં આવ્યું છે, તેના પર ઈમાન લાવતા, તો કાફિરોને દોસ્ત ન બનાવતા, પરંતુ તેઓ માંથી ઘણા લોકો અવજ્ઞાકારી લોકો છે.
(82) ૮૨- જે લોકો ઈમાન લાવ્યા છે તમે જોશો કે તેમની સાથે શત્રુતા રાખવામાં સૌથી વધારે યહૂદી અને મુશરિક લોકો છે અને જે લોકોએ કહ્યું હતું કે અમે નસરાની છે, તેઓને તમે મુસલમાનો સાથે મુહબ્બત ધરાવવામાં નજીક જોશો, કારણકે તેમનામાં ઈબાદત કરનાર આલિમ અને પરહેજગાર લોકો છે. અને તેઓ ઘમંડી નથી.
(83) ૮૩ - અને જે કંઈ પયગંબર તરફ ઉતારવામાં આવ્યું છે, જ્યારે તેને સાંભળે છે, તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જૂઓ છો, એટલા માટે કે તેઓ સત્યને ઓળખી ગયા છે, તેઓ કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, જેથી તું અમારું નામ ગવાહી આપનાર લોકોમાં લખી દે .
(84) ૮૪- છેવટે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારી પાસે આવી ગયું છે, તેના પર ઈમાન કેમ ન લાવીએ? અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોમાં કરી દેશે.
(85) ૮૫- તેમની તે વાતને કારણે અલ્લાહ તેમને બગીચાઓ આપશે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે અને એહસાન કરવાવાળાઓનો આ જ બદલો છે.
(86) ૮૬- અને જે લોકોએ કૂફર કર્યો અને અમારી આયતોને જુઠલાવતા રહ્યા, તે લોકો જ જહન્નમી છે.
(87) ૮૭- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદવટાવી ન નાખો, નિ:શંક અલ્લાહ તઆલા હદવટાવી જનારાઓને પસંદ નથી કરતો.
(88) ૮૮- અને અલ્લાહ તઆલાએ જે વસ્તુઓ તમને આપી છે, તેમાંથી હલાલ અને પવિત્ર વસ્તુઓ ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેના પર તમે ઈમાન ધરાવો છો.
(89) ૮૯- અલ્લાહ તઆલા તમારી નકામી સોંગદો પર પકડ નથી કરતો, પરંતુ પકડ તે સોંગદો પર કરે છે કે જે સોગંદોને તમે સાચા દિલથી ખાઓ, (જો તમે આવી કસમો તોડી નાખો તો) તેનો કફ્ફારો દસ લાચારોને મધ્યમ ખવડાવવું છે, જે પોતાના ઘરવાળાઓને ખવડાવતા હોય, અથવા તો તેમને કપડા આપવા, અથવા એક દાસ (ગુલામ) તથા બાંદીને મુક્ત કરાવવું છે અને જે તાકાત ન ધરાવતો હોય, તેના પર ત્રણ દિવસના રોઝા છે, આ તમારી સોગંદોનો કફ્ફારો છે, જ્યારે કે તમે સોગંદ ખાઇ લો અને પોતાની સોગંદોને તોડી નાખો, અને (બહેતર એ જ છે) કે તમે તમારી સોગંદોની હિફાજત કરો, અલ્લાહ તઆલા આ જ પ્રમાણે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે, જેથી તમે તેનો વ્યક્ત કરો.
(90) ૯૦- હે ઈમાનવાળાઓ ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો.
(91) ૯૧- શેતાન તો એવું ઇચ્છે છે કે શરાબ અને જુગાર વડે તમારી વચ્ચે શત્રુતા અને કપટ ભરી દે અને તમને અલ્લાહ તઆલાના ઝિકર અને નમાઝથી રોકી રાખે, તો શુ તમે (આ વસ્તુઓથી) રુકી જવાવાળા છો?
(92) ૯૨- અને તમે અલ્લાહ તઆલાના (આદેશોનું) અનુસરણ કરતા રહો, અને પયગંબરનું પણ, અને (આ અવજ્ઞાથી) બચીને રહો, પછી જો તમે આદેશને નહિ માનો તો જાણી લો કે અમારા પયગંબરની જવાબદારી ફકત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
(93) ૯૩- જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે, જો કે હવેથી અળગા રહો અને ઈમાન લાવો, અને નેક અમલ કરો અને પરહેજગારી અપનાવો અને ઈમાન લાવો, પછી (જેનાથી રોકવામાં આવે) તેનાથી બચીને રહો, અહેસાન કરો અને અલ્લાહ એહસાન કરવાવાળાઓ ને પસંદ કરે છે.
(94) ૯૪- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા તે શિકાર વડે તમારી કસોટી કરશે, જેના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી ગયા હોય, જેથી અલ્લાહ તઆલા જાણી લે કે કોણ તેનાથી વીણદેખે ડરે છે, તો પણ જો કોઈ તેની હદ હટાવી દેશે, તેના માટે દુ:ખદાયી અઝાબ છે.
(95) ૯૫- હે ઈમાનવાળાઓ ! તમે અહેરામની સ્થિતિમાં હોવ તો શિકાર ન કરો, જે વ્યક્તિ તમારા માંથી જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયો આપવો જરૂરી છે, જે શિકાર કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરશે, અને તે જાનવર કઅબતુલ્લાહ પાસે કુરબાન કરવામાં આવે, અથવા થોડાક લાચારોને ખવડાવવું, અથવા તેના બરાબર રોઝા રાખવા, તેનો કફફારો છે, આ એટલા માટે કે પોતાના કામની સજા ચાખે, જે કંઈ આ આદેશ પહેલા થઈ ગયું, તેને અલ્લાહએ માફ કરી દીધું અને જે કોઈ હવે કરશે તો અલ્લાહ તઆલા તેને સજા આપશે અને અલ્લાહ વિજયી છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે.
(96) ૯૬- તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય, અને અલ્લાહ તઆલાથી ડરો, જેની પાસે ભેગા કરવામાં આવશો.
(97) ૯૭- અલ્લાહ તઆલાએ કાબાને, જે પવિત્ર સ્થળ છે, (શાંતિ અને એકઠા થવાનું) સ્થળ બનાવી દીધું, અને ઇજજતવાળા મહિનાને પણ અને હરમમાં કુરબાન થનાર જાનવરને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટા હોય, આ એટલા માટે કે જેથી તમે જાણી લો કે અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે. અને નિ:શંક અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને ખૂબ સારી રીતે જાણે છે.
(98) ૯૮- તમે જાણી લો કે અલ્લાહ તઆલા અઝાબ આપવામાં પણ સખત છે અને તે માફ કરનાર અને રહમ કરવાવાળો છે.
(99) ૯૯ - પયગંબરની જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને જે કંઈ પણ તમેં જાહેર કરો છો અને જે કંઈ પણ તમે છુપાવો છો, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
(100) ૧૦૦- તમે તેમને કહી દો કે અપવિત્ર અને પવિત્ર સરખું નથી, ભલેને તમને અપવિત્ર સારું લાગતું હોય, બુદ્ધિશાળી લોકો અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો.
(101) ૧૦૧- હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તે તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે.
(102) ૧૦૨- આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના કારણે તેઓ ઇન્કાર કરનારા બની ગયા.
(103) ૧૦૩- અલ્લાહ તઆલાએ ન બહીરહને , ન સાઇબહને, ન વસીલહને, અને ન હામને હલાલ કર્યા છે, (આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઇ કુરબાન કરતા હતા). પરંતુ જે લોકો કાફિર છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે અને તેમના માંથી ઘણા મૂર્ખ છે.
(104) ૧૦૪- અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આઓ! તે વસ્તુ તરફ જે અલ્લાહ તઆલાએ ઉતારી છે અને આઓ રસૂલ તરફ, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, ભલેને તેઓના પૂર્વજો કંઈ પણ જાણતા ન હોય, અને ન તો હિદાયત પર હોય. (તો પણ તેઓ તેમનું જ અનુસરણ કરશે).
(105) ૧૦૫- હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહિ શકે, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
(106) ૧૦૬- હે ઈમાનવાળાઓ ! જો તમારા માંથી કોઈની મૌત આવી પહોંચે, તો વસિયત કરતી વખતે પોતાના (મુસલમાનો માંથી) બે ન્યાય કરનારને નિર્ણાયક બનાવી લો, અને જો તમે સફરમાં હોવ, ત્યાં તમને મૌત આવી પહોંચે તો બે બિન મુસ્લિમોને પણ ગવાહ બનાવી શકો છો, જો તમને કોઈ શંકા થાય તો તે બન્નેને નમાઝ પછી મસ્જિદમાં રોકી લો, પછી તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમે (અમારા ફાયદા માટે) ગવાહી વેચનારા નથી, ભલેને અમારો કોઈ સંબંધી જ કેમ ન હોય, અને અમે (અલ્લાહ માટે) ગવાહી નહિ છુપાવીએ અને જો અમે આવું કરીશું તો અમે પાપી બની જઈશું,
(107) ૧૦૭ - પછી જો તમને ખબર પડી જાય કે તે બન્ને ગુનાહમાં પડી સત્ય વાત છુપાવી રહ્યા છે, તો તેમની જગ્યાએ બીજા બે ગવાહી આપનાર ઉભા થાય, જે પહેલા બન્ને (બિન મુસ્લિમ) ગવાહો કરતા સક્ષમ હોય, અને તે લોકો તરફથી હોય, જેમનો હક મારવામાં આવ્યો હોય, તે અલ્લાહની કસમ ખાઈ કહે, કે અમારી સાક્ષી પહેલાના બન્ને સાક્ષીઓ કરતા વધારે સાચી છે અને અમે કોઈ અતિરેક નથી કર્યો. જો અમે આવું કર્યું તો ખરેખર અમે ઝાલિમ બની જઈશું.
(108) ૧૦૮- આ રીત વધારે યોગ્ય લાગે છે કે લોકો સાચી ગવાહી આપતા રહેશે, અથવા એ વાતથી ડરતા રહેશે કે તેમની કસમો ખાઈ લીધા પછી બીજા બન્નેની કસમોના કારણે રદ ન થઈ જાય, અને અલ્લાહથી ડરતા રહો અને તેના આદેશો ધ્યાનથી સાંભળો અને અલ્લાહ અવજ્ઞાકારી લોકોને હિદાયત નથી આપતો.
(109) ૧૦૯- જે દિવસે અલ્લાહ તઆલા દરેક પયગંબરોને ભેગા કરશે અને તેમને પુછશે કે તમને (દુનિયામાં) શું જવાબ મળ્યો હતો, તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી, તું જ ખરેખર છૂપી વાતોને પૂરી રીતે જાણનાર છે.
(110) ૧૧૦- અને (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલા ઇસા ઈબ્ને મરયમને કહેશે, ઈસા ! મારા તે અહેસાનને યાદ કરો જે મેં તમારા પર અને તમારી માતા પર કર્યો હતો, જ્યારે મેં તમારી રુહુલ્ કુદુસ દ્વારા તમારી મદદ કરી તો ખોળામાં અને મોટી ઉંમરે પણ લોકો સાથે સરખી વાત કરતા હતા અને જ્યારે મેં તમને કિતાબ અને હિકમત, તૌરાત અને ઈંજિલ શીખવાડી, અને જ્યારે તમે મારા આદેશથી માટીથી પંખીઓના મુખ બનાવતા હતા, અને તેમાં ફૂંક મારતા હતા, તો મારા આદેશથી સાચે જ તે પંખી બની જતું હતું, અને તું જન્મના અંધ વ્યક્તિને મારા આદેશથી તંદુરસ્ત કરી દેતો હતો, અને જ્યારે મૃતકોને મારા આદેશથી (કબરો માંથી) કાઢી ઉભા કરી દેતો, અને જ્યારે તમે બનુ ઇસરાઇલ સામે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો મેં જ તમને તેમનાથી બચાવ્યા હતા, પછી તે લોકો માંથી જે લોકોએ ઇન્કાર કર્યો હતો તેઓ આ મુઅજિઝા જોઈ કહેવા લાગ્યા કે આ તો ખુલ્લું જાદુ છે.
(111) ૧૧૧- અને જ્યારે કે મેં હવ્વારી (મદદ કરનાર) ને આદેશ આપ્યો કે તમે મારા પર અને મારા પયગંબર પર ઈમાન લાવો, તેઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા અને તમે સાક્ષી રહો કે અમે સંપૂર્ણ આજ્ઞાકારી છે.
(112) ૧૧૨- તે સમય યાદ કરવા જેવો છે, જ્યારે કે હવ્વારીઓએ પૂછ્યું કે હે મરયમના દિકરા ઈસા ! શું તમારો પાલનહાર અમારા પર આકાશ માંથી એક ભોજનનો થાળ ઉતારી શકે છે ? તેમણે કહ્યું કે અલ્લાહથી ડરો જો તમે ઈમાનવાળા હોય.
(113) ૧૧૩- તેઓએ કહ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે તેમાંથી ખાઇએ અને અમારા હૃદયને શાંતિ મળી જાય અને અમારી આસ્થામાં વધારો થઇ જાય કે તમે અમને સત્ય વાત કહી છે અને અમે સાક્ષી આપનારાઓ માંથી થઇ જઇએ.
(114) ૧૧૪- ઈસા બિન મરયમે દુઆ કરી કે, હે અલ્લાહ ! હે અમારા પાલનહાર ! અમારા પર આકાશ માંથી ભોજન ઉતાર, જે અમારા પહેલા અને પાછળના દરેક લોકો માટે ખુશીનું કારણ બને, અને તારા તરફથી મુઅજિઝો હોય, તું સૌથી વધારે ઉત્તમ રોજી આપનાર છે.
(115) ૧૧૫- અલ્લાહ તઆલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવાવાળો છું, પછી જે વ્યક્તિ તમારા માંથી અતિરેક કરશે, તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઇને નહીં આપું.
(116) ૧૧૬- અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે અલ્લાહ તઆલા ક્યામયના દિવસે કહેશે કે હે ઈસા બિન મરયમ ! શું તમે તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને છોડીને મને અને મારી માતાને ઇલાહ બનાવી લો? ઈસા જવાબ અપાશે, હે અલ્લાહ ! તું પવિત્ર છે, હું આવી વાત કેવી રીતે કરી શકું છું, જે વાત કરવાનો મને આદેશ ન હતો? જો મેં આ પ્રમાણેની વાત કહી હોત તો તું સારી રીતે આ વાત જાણતો હોત, કારણકે જે કંઈ પણ મારા દિલમાં છે, તે તું જાણે છે અને જે કંઈ તારા દિલમાં છે તે હું નથી જાણતો, તું તો છુપાયેલી વાતોને પણ સારી રીતે જાણવવાળો છે.
(117) ૧૧૭- મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું જ્યાં સુધી તેમની વચ્ચે રહ્યો તેમના પર સંરક્ષક બનીને રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે.
(118) ૧૧૮- જો તું તેઓને સજા આપે તો તેઓ તારા બંદા છે, અને જો તું તેઓને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે.
(119) ૧૧૯- અલ્લાહ તઆલા (આ દુઆના જવાબમાં) કહેશે કે આ તે દિવસ છે કે જે લોકો સાચા હતા, તેઓનું સાચું હોવું તેમને કામમાં આવશે, તેઓને બગીચાઓ મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, અલ્લાહ તઆલા તેઓથી રાજી અને ખુશ, અને આ લોકો અલ્લાહથી રાજી અને ખુશ છે, આ મોટી સફળતા છે.
(120) ૧૨૦- આકાશો અને ઝમીનમાં અને જે કંઈ તેમાં છે, દરેકનો માલિક અલ્લાહ જ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.