(1) ૧- હે લોકો ! પોતાના તે પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે પેદા કર્યા અને તેનાથી તેની પત્નિને પેદા કરી તે બન્ને વડે (દુનિયામાં) ઘણા પૂરૂષો અને સ્ત્રીઓને ફેલાવી દીધા, તે અલ્લાહથી ડરો જેનું નામ લઇ એક બીજાથી માંગો છો અને સબંધો તોડવાથી બચો, નિંશંક અલ્લાહ તઆલા તમારી દેખરેખ કરી રહ્યો છે.
(2) ૨- અને અનાથોને તેઓનું ધન પાછું આપી દો અને તેમની કોઈ સારી વસ્તુના બદલામાં ખરાબ વસ્તુ ન આપો, અને ન તો પોતાના ધન સાથે તેઓ (અનાથો) નું ધન ભેળવી ખાઇ જાઓ, નિંશંક આ ઘણો જ મોટો ગુનો છે.
(3) ૩- જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય નહી કરી શકો તો બીજી સ્ત્રીઓ માંથી જે પણ તમને પસંદ આવે તમે તેઓ સાથે લગ્ન કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર સાથે, પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે, અથવા તમારી બાંદીઓ પૂરતી છે, જે તમારી માલિકી હેઠળ છે, આ પ્રમાણે કરવાથી તમે અન્યાયમાં બચી જશો.
(4) ૪- અને સ્ત્રીઓને તેણીઓની મહેર રાજી-ખુશીથી આપી દો, હાઁ જો તે પોતે પોતાની રજામંદીથી થોડીક મહેર છોડી દે તો તેને શોખથી રાજી થઇ ખાઇ લો.
(5) ૫- નાસમજને પોતાનું ધન ન આપો, જેને અલ્લાહ તઆલાએ તમારા માટે રોજીનું સાધન બનાવ્યું છે, હાઁ તેઓને તે ધન માંથી ખવડાવો અને પહેરાવો અને તેઓ સાથે નમ્રતાથી વાત કરો.
(6) ૬- અને અનાથોની કસોટી કરતા રહો જ્યાં સુધી તેઓ લગ્નની ઉંમર સુધી ન પહોંચી જાય, જો તે લોકોમાં તમે સમજદારી જોઈ લો તો તેમને તેમનું ધન સોંપી દો અને તેમના પુખ્તવયે પહોંચી જવાના ભયથી તેમના ધનને ઝડપથી બેકાર ખર્ચ ન કરી દો, ધનવાનો માટે જરૂરી છે કે (તેઓના ધનથી) બચતા રહે. હાઁ લાચાર, નિરાધાર હોય તો કાયદા મુજબ જે જરૂરત હોય તે ખાઇ લેં, પછી તેઓને તેઓનું ઘન સોંપતી વખતે સાક્ષી બનાવી લો, ખરેખર હિસાબ લેનાર અલ્લાહ જ પુરતો છે.
(7) ૭- માતા-પિતા અને સબંધીઓના વારસામાં પુરૂષો અને સ્ત્રીઓનો પણ ભાગ છે, (જે ધન માતા-પિતા અને સબંધી છોડી જાય) ભલેને તે ધન ઓછું હોય અથવા વધારે હોય, (તેમાં) ભાગ નક્કી કરેલ છે.
(8) ૮- અને જ્યારે વિરાસતના માલની વહેંચણીના સમયે સબંધીઓ (જે હકદાર ન હોય તેઓ સંબંધી તેમજ અનાથો અને લાચાર લોકો આવી પહોંચે તો તમે તેમાંથી તેઓને પણ થોડુંક આપી દો. અને તેઓની સાથે નમ્રતાથી વાત કરો.
(9) ૯- અને તે લોકો (અનાથના માલમાં હેરફેર કરવાથી બચે) જો પોતાની પાછળ પોતાની કમજોર બાળકોને છોડીને જાઓ તો તેમના તરફથી તમે ચિંતિત રહો છો, બસ ! અલ્લાહ તઆલાથી ડરીને સત્ય વાત કહ્યા કરો.
(10) ૧૦- જે લોકો જુલ્મથી અનાથોનું ધન ખાઇ જાય છે તે પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે અને નજીક માંજ તે લોકો જહન્નમમાં જશે.
(11) ૧૧- અલ્લાહ તઆલા તમને તમારા સંતાનો વિશે આદેશ આપે છે કે એક પુરુષનો ભાગ બે સ્ત્રીઓ (ના ભાગ) બરાબર છે અને જો સંતાનોમાં ફકત સ્ત્રીઓ જ હોય અને તે બે થી વધારે હોય તો તેણીઓને વારસના ધનમાં બેતૃત્યાંશ ભાગ મળશે અને જો એક જ સ્ત્રી હોય તો તેના માટે અડધો ભાગ છે અને મૃતકના સંતાન હોય અને માતાપિતા પણ હોય તો માતા-પિતા માંથી બન્ને માટે તેણે છોડેલા વારસા માંથી છઠ્ઠો ભાગ છે, અને જો મૃતકની સંતાન ન હોય અને વારસદાર માંથી ફક્ત માતા-પિતા જ હોય, તો તેની માતા માટે ત્રીજો ભાગ છે, હાઁ જો મૃતકના ભાઇ-બહેન પણ હોય તો પછી તેની માતા માટે છઠ્ઠો ભાગ છે, આ વહેંચણી વસિય્યત (પુરી કર્યા) પછી તેમજ મૃતકનું દેવું ચૂકવી દીધા પછી છે, તમે જાણતા નથી કે તમને ફાયદો પહોંચાડવા માટે તમારા માતા પિતા અને તમારા સંતાન માંથી વધારે નજીક કોણ છે? આ ભાગ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલ છે, નિંશંક અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાન અને હિકમતવાળો છે.
(12) ૧૨- અને તમારી પત્નિ જે કંઇ છોડી મૃત્યુ પામે અને તેણીઓના સંતાન ન હોય તો અડધો ભાગ તમારો છે અને જો સંતાન હોય તો તેણીએ છોડેલા વારસા માંથી તમારા માટે ચોથો ભાગ છે, અને આ વહેંચણી વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેમનું દેવું ચૂકવી દીધા પછી થશે, અને જો તમારી સંતાન ન હોય તો પત્નીનો ચોથો ભાગ છે, અને જો તમારા સંતાન હોય તો પછી તેમને તમારા વારસાનો આઠમો ભાગ મળશે, તે વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેનું દેવું ચૂકવી દીધા પછી થશે, અને મૃતક કલાલહ હોય ભલે ને તે પુરુષ હોય અથવા સ્ત્રી, અને તેનો એક ભાઈ અને એક બહેન હોય, તો તેમના માટે વારસા માંથી છઠ્ઠો ભાગ છે, અને જો બહેન ભાઈ એકથી વધારે હોય તો એકતૃત્યાંશ માલમાં સૌ ભાગીદાર રહેશે, અને આ વહેંચણી વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેનું દેવું ચૂકવી દીધા પછી થશે, શરત એ કે તેના દેવાની ચુકવણીથી અથવા વસિયત પુરી કરવામાં કોઈને પણ નુકસાન ન પહોંચતું હોય, આ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલા ભાગ છે, અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને ધૈર્યવાન છે.
(13) ૧૩- આ અલ્લાહ તઆલાની હદો છે, અને જે અલ્લાહ તઆલા અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે તેને અલ્લાહ તઆલા જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે અને આ મોટી સફળતા છે.
(14) ૧૪- અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની અવજ્ઞા કરશે અને તેણે નક્કી કરેલ હદોથી આગળ વધી જશે તો અલ્લાહ તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા જ લોકો માટે અપમાનિત કરી દેનારો અઝાબ હશે.
(15) ૧૫- તમારી સ્ત્રીઓ માંથી જે અશ્ર્લિલ કાર્ય કરે તેણીઓ પર પોતાના માંથી ચાર સાક્ષીઓ માંગો, જો તે સાક્ષી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બંધ કરી દો, અહી સુધી કે મૃત્યુ આવી પહોંચે, અથવા તો અલ્લાહ તઆલા તેઓ માટે બીજો માર્ગ કાઢે.
(16) ૧૬- તમારા માંથી જે પુરુષ અને સ્ત્રી આવું કાર્ય કરી લે તેઓને તકલીફ પહોંચાડો, જો તે તૌબા અને પોતાની ઇસ્લાહ કરી લે તો તેમનો પીછો છોડી દો, નિંશંક અલ્લાહ તઆલા તૌબા કબુલ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
(17) ૧૭- અલ્લાહ તઆલા ફકત તે જ લોકોની તૌબા કબુલ કરે છે જે ભુલ તથા અણસમજમાં કોઇ ખરાબ કૃત્ય કરી લે પછી ઝડપથી તેનાથી બચી જાય અને તૌબા કરે તો અલ્લાહ તઆલા પણ તેઓની તૌબા કબુલ કરે છે, અલ્લાહ તઆલા ઘણો જ જ્ઞાન ધરાવનાર, હિકમતવાળો છે.
(18) ૧૮- તૌબા તે લોકો માંથી નથી જેઓ ખરાબ કૃત્યો કરતા જ રહે, અહીં સુધી કે જ્યારે તેઓ માંથી કોઇની પાસે મૃત્યુ આવી પહોંચે તો કહી દે કે મેં તૌબા કરી, અને તેઓ માટે પણ તૌબા નથી જેઓ કૂફર પર જ મૃત્યુ પામે, આ જ લોકો છે જેમના માટે અમે દુંખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(19) ૧૯- હે ઇમાનવાળાઓ ! તમારા માટે યોગ્ય નથી કે બળજબરીથી સ્ત્રીઓના વારસદાર બની બેસો, અને ન તો એટલા માટે રોકી રાખો કે જે માલ (મહેરનો હક) વગેરે તમે તેણીઓને આપી ચુક્યા છો તેનો થોડોક ભાગ લઈ લો, હાં એ આ અલગ વાત છે કે તેણીઓ ખુલ્લી બુરાઇ અથવા અશ્ર્લિલ કાર્ય કરે, તેણીઓ સાથે ઉત્તમ તરીકાથી વર્તન કરો ભલેને તમે તેણીઓને પસંદ ન કરો, પરંતુ શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને અલ્લાહ તઆલાએ તેમાં ઘણી જ ભલાઇ મૂકી હોય.
(20) ૨૦- અને જો તમે એક પત્નિની જગ્યાએ બીજી પત્નિ કરવા ઇચ્છો અને તેણી માંથી કોઇકને તમે ખજાનો આપી રાખ્યો હોય તો પણ તેમાંથી કંઇ ન લો, શું તમે તેના પર આરોપ લગાવી અને સ્પષ્ટ ગુનોહ કરી, તેનાથી માલ લઈ લેવાની ઈચ્છા કરો છો?
(21) ૨૧- જો કે તમે કેવી રીતે લઈ શકો છો, જ્યારે કે તમે બન્ને એકબીજા સાથે ભેગા થઈ ગયા છો અને તે સ્ત્રીઓએ તમારી સાથે મજબુત વચન લઇ રાખ્યું છે.
(22) ૨૨- તે સ્ત્રીઓ સાથે લગ્ન ન કરો જેમની સાથે તમારા પિતાએ લગ્ન કર્યા છે, પરંતુ જે પસાર થઇ ગયું છે, આ અશ્ર્લિલતાનું કૃત્ય અને ગુસ્સાનું કારણ છે અને અત્યંત ખરાબ માર્ગ છે.
(23) ૨૩- તમારા પર તમારી માઁ હરામ કરવામાં આવી છે અને તમારી છોકરીઓ અને તમારી બહેનો, તમારી ફોઇઓ, તમારી માસીઓ અને ભત્રીજીઓ અને ભાણીઓ, અને તમારી તે માતાઓ જેમણે તમને દુધ પીવડાવ્યું હોય અને તમારી દુધ સરખી બહેનો અને તમારી સાસુ અને તમારી પત્નીની તે છોકરીઓ, જેમની પરવરીશ તમારા હેઠળ થતી હોય,શરત એ કે તમે પોતાની પત્નીઓ સાથે સંભોગ કરી ચુકયા હોય, હાઁ જો તમે તેઓ સાથે સંભોગ ન કર્યો હોય તો તેમને છોડી તેમની દીકરીઓ સાથે લગ્ન કરવામાં કોઇ ગુનોહ નથી, અને તમારા સગા છોકરાની પત્નિઓ પણ (તમારા માટે હરામ છે) અને તમારા માટે બે બહેનોને ભેગી કરવી (હરામ છે), હાઁ જે પસાર થઇ ગયું તે થઇ ગયું, નિંશંક અલ્લાહ તઆલા માફ કરનાર દયાળુ છે.
(24) ૨૪- અને (હરામ કરવામાં આવી છે) તે સ્ત્રીઓ, જેમના પતિઓ હોય પરંતુ જે બાંદીઓ તમારી માલિકી હેઠળ આવી જાય, અલ્લાહ તઆલાએ આ આદેશો તમારા પર જરૂરી કરી દીધા છે, ઉપરોક્ત વર્ણવેલ સ્ત્રીઓ વગર બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી કે પોતાના માલની મહેર આપી તમે તેણીઓ સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવાનો હેતુ ન હોવો જોઈએ, તમે જેણીઓથી ફાયદો ઉઠાવો તેણીઓને નક્કી કરેલ મહેર આપી દો, અને મહેર નક્કી થઇ ગયા પછી તમે એકબીજાની ખુશીથી જે નક્કી કરી લો તો તમારા પર કોઇ ગુનોહ નથી, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે.
(25) ૨૫- અને તમારા માંથી કોઇ સ્વતંત્ર મુસલમાન સ્ત્ર સાથે લગ્ન કરવાની સુવિધા અને તાકાત ન ધરાવતો હોય, તો તે મુસલમાન બાંદી સાથે લગ્ન કરી લે, જે તમારી માલિકી હેઠળ હોય, અને અલ્લાહ તમારા ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો છે, (કોઈ સ્ત્રી આઝાદ હોય કે બાંદી સૌ) એક જ જાતિની છે, એટલા માટે તેણીઓના માલિકોની પરવાનગી લઇ તેણીઓ સાથે લગ્ન કરી શકો છો, અને નિયમ પ્રમાણે તેણીઓને મહેર આપી દો, જેથી તે લગ્નના બંધનમાં આવી જાય, જેથી અશ્લીલ કાર્ય કરવાથી અને છુપી રીતે કૃત્ય કરવાથી પણ બચી જાય લગ્ન કર્યા પછી જો તેણીઓ અશ્લિલ કાર્ય કરી લેતો તો તેણીઓની સજા આઝાદ સ્ત્રી કરતા અડધી સજા છે. આ છૂટ તમારા માંથી તે વ્યક્તિ માટે છે, જે ઝીનાના ગુનાહ કરવાથી ડરતો હોય અને તમે સૌ સબર અને ધીરજથી કામ લો તો અલ્લાહ ઘણો જ માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.
(26) ૨૬- અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારા માટે (આદેશો) સ્પષ્ટ રીતે વર્ણન કરે અને તમને તમારાથી પહેલાના (સદાચારી) લોકોના માર્ગ પર ચલાવે અને તમારી તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે.
(27) ૨૭- અને અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે પરંતુ જે લોકો મનેચ્છાઓનું અનુસરણ કરે છે તેઓ ઇચ્છે છે કે તમે તેનાથી (સત્ય માર્ગથી) ઘણા જ દૂર થઇ જાવ.
(28) ૨૮- અલ્લાહ ઇચ્છે છે કે તમારા માટે સરળતા પેદા કરી દે, કારણ કે માનવી કમજોર પેદા કરવામાં આવ્યો છે.
(29) ૨૯- હે ઈમાનવાળાઓ ! એકબીજાનું ધન ખોટી રીતે ન ખાઓ, પરંતુ (સાચી રીત) એ કે તમારી એકબીજાની ખુશીથી લેવણ-દેવણ કરો અને પોતાને કતલ ન કરો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા પર અત્યંત કૃપાળુ છે.
(30) ૩૦- અને જે વ્યક્તિ અવજ્ઞા અને જુલ્મ કરી આવા કાર્યો કરશે તો નજીકમાંજ અમે તેને આગમાં નાખીશું અને આ અલ્લાહ તઆલા માટે સરળ છે.
(31) ૩૧- જે કબીરહ ગુનાહથી બચવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેનાથી જો તમે બચશો તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઇશું અને ઇજજતવાળા સ્થળે દાખલ કરીશું.
(32) ૩૨- અને તે વસ્તુની ઇચ્છા ન કરો જેના કારણે અલ્લાહ તઆલાએ તમારા માંથી કેટલાકને કેટલાક પર ઇજજત આપી છે, પુરૂષો માટે તેમનો ભાગ છે જે તેઓએ કમાણી કરી, અને સ્ત્રીઓ માટે તે ભાગ છે જે તેણીઓએ કમાવ્યો અને અલ્લાહ પાસે તેની કૃપા માંગો, નિ:શંક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.
(33) ૩૩- માતા-પિતા અથવા સગાંસંબંધીઓ જે (ધનસંપત્તિ) છોડી જાય, તેના વારસદાર અમે નક્કી કરી દીધા છે અને જેઓને તમે પોતે વચન આપ્યું છે તેઓને તેઓનો ભાગ આપી દો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુઓનો સાક્ષી છે.
(34) ૩૪- પુરુષ સ્ત્રીઓના દરેક પ્રકારના મામલાઓનો જવાબદાર છે, એટલા માટે કે અલ્લાહ તઆલાએ એકને બીજા પર શ્રેષ્ઠતા આપી છે અને એટલા માટે પણ કે પુરૂષો પોતાનો માલ ખર્ચ કરે છે, બસ ! સદાચારી તથા આજ્ઞાકારી સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં પવિત્રતા જાળવી રાખતી હોય, અને જે સ્ત્રીઓની અવજ્ઞા અને ખરાબ વિચાર નો તમને ભય હોય, તો તેણીઓને શિખામણ આપો, (અને જો તેણીઓ ન સમજે) તો તેણીઓની પથારી અલગ કરી દો (પછી પણ ન સમજે) તો તેણીઓને મારો, પછી જો તે તમારી વાત માની લે, તો તેણીઓ માટે અત્યાચાર કરવાનો કોઇ માર્ગ ન શોધો, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ ઉચ્ચ અને મોટો છે.
(35) ૩૫- જો તમને પતિ-પત્ની વચ્ચે અંદરોઅંદરની અણબનાવનો ભય હોય તો એક સુલેહ કરનાર પુરુષના ખાનદાન માંથી અને એક સ્ત્રીના ઘર માંથી નક્કી કરો, જો આ બન્ને સુલેહ કરવા ઇચ્છતા હશે તો અલ્લાહ બન્નેનો મેળાપ કરાવી દેશે, નિ:શંક અલ્લાહ સંપૂર્ણ જ્ઞાની તથા સંપૂર્ણ ખબર રાખનાર છે.
(36) ૩૬- અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો, માતા-પિતા સાથે સારું વર્તન કરો તેમજ સગાંસંબંધીઓ, અનાથો, લાચારો, નજીકના પાડોશી, અજાણ પાડોશી, સહવાસીઓ, પોતાની સાથે સફર કરનાર તે સૌ સાથે સારો વ્યવહાર કરો, અને તેઓ ગુલામ તેમજ બાંદીઓ સાથે પણ, જેઓના તમે માલિક છો, નિ:શંક અલ્લાહ તઆલા ઘમંડ કરનાર, ઇતરાવનારાઓને પસંદ નથી કરતો.
(37) ૩૭- જે લોકો પોતે કંજૂસાઈ કરે છે અને બીજાને પણ કંજૂસાઈ કરવાનું કહે છે અને જે કંઈ અલ્લાહ તઆલાએ પોતાની કૃપાથી આપી રાખ્યું છે, તેને છૂપાવી લે છે, આવા નેઅમતોના ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(38) ૩૮- અને તે લોકો માટે પણ (સખત અઝાબ હશે), જે લોકો પોતાનું ધન લોકોને દેખાડો કરવા માટે ખર્ચ કરે છે તેઓ અલ્લાહ તઆલા પર તેમજ કયામતના દિવસ પર ઈમાન નથી ધરાવતા અને જેમનો સાથી શેતાન હોય તો તે ખરાબ સાથી છે.
(39) ૩૯- તેઓનું શું ખરાબ થવાનું હતું, જો તે લોકો અલ્લાહ તઆલા પર અને કયામત ના દિવસ પર ઈમાન લાવતા, અને અલ્લાહ તઆલાએ જે કંઈ તેઓને આપી રાખ્યું છે તેમાંથી ખર્ચ કરતા, અલ્લાહ તઆલા તેઓને સારી રીતે જાણે છે.
(40) ૪૦- નિ:શંક અલ્લાહ તઆલા લેશમાત્ર પણ અત્યાચાર નથી કરતો અને જો કોઈએ નેક કામ કર્યું હશે તો તેને બમણું કરીને આપશે અને ખાસ પોતાની પાસેથી ઘણો જ મોટો સવાબ આપશે.
(41) ૪૧- (ઝરાક વિચાર કરો) ! તે સમયે તેમની શી દશા થશે, જે સમયે અમે દરેક કોમ માંથી એક સાક્ષી લાવીશું પછી તે સાક્ષીઓ પર (હે પયગંબર) અમે તમને સાક્ષી બનાવી દઈશું.
(42) ૪૨- તે દિવસે જે લોકોએ કૂફર કર્યો હશે અને પયગંબરની અવજ્ઞા કરી હશે, તે દિવસે ઈચ્છા કરશે કે કાશ ! તેઓને જમીન (માં દબાવી) તેના બરાબર કરી દેવામાં આવે અને તે અલ્લાહથી કોઈ વાત છુપાવી નહિ શકે.
(43) ૪૩- હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજીક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો અને જુનૂબી ગુસલ કર્યા વગર નમઝની નજીક ન જાય, હા જો તમને (મસ્જિદ માંથી પસાર થવું પડે) તો કોઇ વાંધો નથી અને જો તમે બિમાર હોય અથવા મુસાફરીમાં હોય અથવા તમારા માંથી કોઇ કુદરતી હાજતથી આવે અથવા તમે પત્નીઓ સાથે સમાગમ કર્યું હોય અને તમને પાણી ન મળે તો સાફ માટી વડે પવિત્રતા પ્રાપ્ત કરો અને પોતાના ચહેરા તથા હાથ પર ફેરવી લો, (અને નમાઝ પઢી લો) નિ:શંક અલ્લાહ તઆલા દરગુજર કરનાર અને માફ કરનાર છે.
(44) ૪૪- શું તમે તેઓને નથી જોયા ? જેમને કિતાબનો થોડુંક જ્ઞાન આપવામાં આવ્યું છે, તે ગુમરાહી ને ખરીદે છે અને ઇચ્છે છે કે તમે પણ માર્ગથી ભટકી જાઓ.
(45) ૪૫- અને અલ્લાહ તઆલા તમારા શત્રુઓને ખૂબ સારી રીતે જાણે છે અને અલ્લાહ તઆલા તમારી દેખરેખ અને જવાબદારી તેમજ મદદ કરવા માટે પૂરતો છે.
(46) ૪૬- કેટલાક યહૂદીઓ શબ્દોને તેમની યોગ્ય જગ્યાએથી ફેરવી નાખે છે, અને પોતાની જુબાનને મરડી દીન બાબતે મહેણાંટોણાં મારે છે, અને આમ કહે છે, અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી અને સાંભળ, તારી (વાત) સાંભળવામાં ન આવે, અને રૉઇના કહે છે, પરંતુ જો આ લોકો આમ કહેતા કે અમે સાંભળ્યું અને અમે આજ્ઞાકારી બન્યા અને તમે સાંભળો અને અમને જુઓ કહેતા તો આ તે લોકો માટે ઘણું જ ઉત્તમ અને યોગ્ય હોત, પરંતુ અલ્લાહ તઆલાએ તેઓના કૂફર ના કારણે તેઓ પર લઅનત (ફિટકાર) કરી છે. બસ ! આ લોકોમાં ઘણા ઓછા ઈમાન લાવે છે.
(47) ૪૭- હે કિતાબવાળાઓ ! જે કંઈ અમે અવતરિત કર્યુ છે, (કુરઆન) તેના પર ઈમાન લઇ આવો, આ કિતાબ તે કિતાબની પણ પુષ્ટિ કરે છે, જે તમારી પાસે છે, અને એ પહેલા ઈમાન લઇ આવો કે અમે તમારા ચહેરા બગાડી નાખીએ અને તેઓને પાછા ફેરવી પીઠ તરફ કરી નાખીએ, અથવા તમારા પર લઅનત (ફિટકાર) કરી દઇએ જેવી કે અમે શનિવારના દિવસવાળાઓ પર લઅનત કરી હતી, અને અલ્લાહનો આદેશ થઈને જ રહેશે.
(48) ૪૮- નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે, અને જે અલ્લાહ તઆલા સાથે શિર્ક કરશે, તો તેણે ઘણું જ મોટું પાપ અને જુઠાણું ઘડ્યું.
(49) ૪૯- શું તમે તેઓને નથી જોયા, જે પોતાની પવિત્રતા અને પ્રશંસા પોતે જ કરે છે ? પરંતુ અલ્લાહ તઆલા જેને ઇચ્છે પવિત્ર કરે છે, કોઇના પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.
(50) ૫૦- જૂઓ ! આ લોકો અલ્લાહ તઆલા પર કેવી રીતે જૂઠ ઘડે છે અને આ (કાર્ય) ખુલ્લા ગુનાહ માટે પૂરતું છે.
(51) ૫૧- શું તમે તેઓને નથી જોયા જેમને કિતાબનું થોડુંક જ્ઞાન આપવામાં આવ્યું ? જેઓ જિબ્ત અને તાગૂત પર ઈમાન રાખે છે અને કાફિરો વિશે કહે છે કે આ લોકો ઈમાનવાળાઓ કરતા વધારે સત્ય માર્ગ પર છે.
(52) ૫૨- આ જ તે લોકો છે, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને જેના પર અલ્લાહ તઆલા લઅનત કરી દે તો તમે તેનો કોઇ મદદ કરનાર નહીં જુઓ.
(53) ૫૩- શું સામ્રાજ્યમાં તેઓનો કોઇ ભાગ છે ? જો આવું હોય તો પછી આ લોકો કોઇને એક ખજૂરના ઠળિયાના છોંતરા બરાબર પણ નહીં આપે.
(54) ૫૪- અથવા તેઓ લોકો પર એટલા માટે હસદ કરે છે, કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાની કૃપા માંથી કંઈક આપી રાખ્યું છે, તો અલ્લાહ તઆલાએ આલિ ઈબ્રાહીમને કિતાબ અને હિકમત પણ આપવામાં આવી હતી અને ભવ્ય સામ્રાજ્ય આપી રાખ્યું હતું.
(55) ૫૫- પછી તેઓ માંથી કેટલાકે ઈમાન લઈ આવ્યા અને કેટલાકે રુકી રહ્યા અને આવા લોકો માટે ભળકતી જહન્નમની આગ જ પૂરતી છે.
(56) ૫૬- જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તેઓને અમે ચોક્કસ આગમાં નાંખી દઇશું, જ્યારે તેઓની ચામડી ઓગળી જશે અમે તેમની ચામડી બદલી નાખીશું, જેથી તેઓ અઝાબનો સ્વાદ ચાખતા રહે, નિ:શંક અલ્લાહ તઆલા વિજયી, હિકમત વાળો છે.
(57) ૫૭- અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અમે નજીક માંજ તેઓને તે જન્નતોમાં લઇ જઇશું જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, તેઓ માટે ત્યાં પવિત્ર પત્નીઓ હશે અને અમે તેઓને ઉત્તમ છાંયડામાં લઇ જઇશું.
(58) ૫૮- (મુસલમાનો) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જોવાવાળો છે.
(59) ૫૯- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાનું પાલન કરો, અને તમારા માંથી જે હાકિમ છે તેમની પણ આજ્ઞાનું પાલન કરો, પછી જો કોઇ બાબતે તમારી વચ્ચે વિવાદ ઉભો થઈ જાય તો તેને અલ્લાહ અને પયગંબર તરફ ફેરવી દો, જો તમને અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઈમાન હોય, આ ઘણું જ ઉત્તમ છે અને પરિણામ પણ શ્રેષ્ઠ છે.
(60) ૬૦- (હે પયગંબર) શું તમે તેમને નથી જોયા ? જેઓનો દાવો તો એ છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા કરતા પહેલા અવતરિત કરવામાં આવ્યું તેના પર તેઓનું ઈમાન છે, પરંતુ તેઓ પોતાના ચુકાદા “તાગૂત” તરફ લઇ જવાનું ઇચ્છે છે જો કે તેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ તાગૂતના નિર્ણય ન માને, શેતાન તો ઇચ્છે છે કે તેમને ફોસલાવી દૂર સુધી લઈ જાય.
(61) ૬૧- તેઓને જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ ઉતારેલી કિતાબ અને પયગંબર તરફ આવો તો તમે મુનાફિક લોકોને જોઈ લેશો કે તેઓ તમારી પાસે આવવાથી મોઢું ફેરવી રોકાઇ જાય છે.
(62) ૬૨- પછી તે સમયે તેમની કેવી દશા થઈ જાય છે, જ્યારે તેમના પર તેમના પોતાના કાર્યોના કારણે મુસીબત આવી પહોંચે છે, તેઓ તમારી પાસે આવી અલ્લાહ તઆલાની સોગંદો ખાય છે કે અમારી ઇચ્છા તો ફકત ભલાઇ અને મેળાપ કરવાની જ હતી.
(63) ૬૩- આ તે લોકો છે, જેઓ ના હૃદયોના ભેદ અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે, તમે તેઓથી અળગા રહો, તેઓને શિખામણ આપતા રહો અને તેઓને તે વાત કહો, જે વાત તેમના દિલોમાં ઉતરી જાય.
(64) ૬૪- (તેમને કહો) અમે દરેક પયંગબરને ફકત એટલા માટે જ મોકલ્યા કે અલ્લાહ તઆલાના આદેશથી તેની આજ્ઞાનું પાલન કરવામાં આવે અને જો આ લોકો, જ્યારે તેઓએ પોતાના પર અત્યાચાર કર્યો હતો, તમારી પાસે આવી જતા અને અલ્લાહ થી માફી માંગતા અને પયગંબર પણ તેઓના માટે માફી માંગતા, તો તેઓ નિ:શંક અલ્લાહ તઆલાને માફ કરનાર અને દયાળુ પામતા.
(65) ૬૫- (હે મુહમ્મદ) તમારા પાલનહારની કસમ ! આ લોકો ત્યાં સુધી ઈમાનવાળા નથી બની શકતા, જ્યાં સુધી કે દરેક અંદરોઅંદરના વિવાદોમાં તમને ન્યાયકરતા ન માની લે, પછી જે ફેંસલો તમે તેઓ માટે કરી લો તેનાથી પોતાના મનમાં કોઇ પણ પ્રકારની તંગી અને નાખુશી ન અનુભવે અને આજ્ઞાકારી સાથે તે નિર્ણય માની લે.
(66) ૬૬- અને જો અમે તેઓ માટે ફરજિયાત કરી દેતા કે પોતાને જ કતલ કરી નાખો અથવા પોતાના ઘરો માંથી નીકળી જાવ તો આ આદેશનું પાલન તેઓ માંથી ઘણા જ ઓછા લોકો કરતા અને જો આ લોકો તે જ કરી લેતા જેની તેઓને શિખામણ આપવામાં આવે છે તો નિ:શંક આ જ તેઓ માટે ઉત્તમ અને ઘણું જ મજબૂત હશે.
(67) ૬૭- અને આ સ્થિતિમાં અમે તેઓને અમારી પાસેથી ઘણો જ સવાબ આપીશુ.
(68) ૬૮- અને ખરેખર તેઓને સત્યમાર્ગ બતાવી દેતા.
(69) ૬૯- અને જે પણ અલ્લાહ તઆલા અને પયગંબરની આજ્ઞાનું પાલન કરે છે તે લોકો તેમની સાથે હશે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી છે જેવી રીતે કે પયગંબર, સાચા લોકો, શહીદ અને સદાચારી લોકો, આ લોકો ઉત્તમ સાથી છે.
(70) ૭૦- આ કૃપા અલ્લાહ તઆલા તરફથી છે અને (લોકોની હાલત) સંપૂર્ણ રીતે જાણવા માટે અલ્લાહ તઆલા જ પૂરતો છે.
(71) ૭૧- હે ઇમાનવાળાઓ ! પોતાના બચાવ માટેનો સામાન લઇ લો, પછી જૂથ-જૂથ બનીને આગળ વધો, અથવા દરેક લોકો એકઠાં થઇને નીકળી જાવ.
(72) ૭૨- તમારા માંથી કોઈ એવો વ્યક્તિ પણ છે, જો (જાણી જોઈને) પાછળ રહી જાય છે, પછી જો તમને કોઈ મુસીબત પહોંચે તો કહે છે કે મારા પર અલ્લાહએ ખૂબ જ ઉપકાર કર્યો કે હું તેમની સાથે ન હતો.
(73) ૭૩- અને જો તમને અલ્લાહ તઆલાની કોઇ કૃપા પહોંચે તો એવી રીતે કહે છે કે તમારી સાથે તેઓની કોઇ મિત્રતા જ ન હતી, અને કહે છે કે કદાચ ! હું પણ તેઓ સાથે હોત તો મોટી સફળતા મેળવી શક્તો.
(74) ૭૪- બસ ! જે લોકો દુનિયાના જીવનને આખિરતના બદલામાં વેચી નાખે છે તેઓએ અલ્લાહ તઆલાના માર્ગમાં લડવું જોઇએ અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાના માર્ગમાં લડતા શહીદ થઇ જાય અથવા વિજય મેળવી લે, તો (બન્ને સ્થિતિમાં) તેઓને અમે ઘણો જ સવાબ આપીશું.
(75) ૭૫- (મુસલમાનો) તમને શું થઈ ગઈ છે કે તમે અલ્લાહ તઆલાના માર્ગમાં જિહાદ નથી કરતા, જ્યારે કે કેટલાય નબળા પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો એવી ફરિયાદ કરે છે કે અમારા પાલનહાર ! અમને આ શહેરથી છુટકારો આપ, જેના રહેવાસીઓ અત્યાચારી છે, અને પોતાના તરફથી અમારા માટે કોઈ મદદ કરવાવાળો બનાવી દે.
(76) ૭૬- જે લોકો ઈમાન લાવ્યા છે, તે લોકો અલ્લાહના માર્ગમાં જિહાદ કરે છે અને જે લોકો કાફિર છે, તે તાગૂતના માર્ગમાં લડે છે, બસ ! તમે શેતાનના સાથીઓ સાથે લડાઇ કરો, ખરેખર શેતાનની યુક્તિઓ ઘણી જ કમજોર હોય છે.
(77) ૭૭- શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે (હમણાં યુદ્ધ માટે) પોતાના હાથ રોકી રાખો અને (હમણાં તો ફક્ત) નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેઓને જિહાદનો આદેશ આપવામાં આવ્યો તો તે જ સમયે કેટલાક લોકો એવી રીતે ડરવા લાગ્યા જેવું કે અલ્લાહ તઆલાથી ડરવુ જોઈએ અથવા તેના કરતા પણ વધારે, અને કહેવા લાગ્યા, હે અમારા પાલનહાર ! તેં અમારા પર જેહાદ કેમ ફરજિયાત કરી દીધું ? અમને થોડીક મહોલત કેમ ન આપી ? તમે તેઓને કહી દો કે દુનિયાનો આરામ ઘણો જ ઓછો છે અને ડરવાવાળાઓ માટે તો આખિરત જ ઉત્તમ છે અને તમારા પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.
(78) ૭૮- તમે જ્યાં પણ હોવ, મૃત્યુ તમને આવી પહોંચશે, ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં હોય અને જો તેઓને કોઇ ભલાઇ પહોંચે છે તો કહે છે આ અલ્લાહ તઆલા તરફથી છે અને જો કોઇ બુરાઇ પહોંચે છે તો કહે છે કે આ તમારા તરફથી છે, તમે તેઓને કહી દો કે આ બધું જ અલ્લાહ તઆલા તરફથી જ છે, તેઓને શું થઇ ગયું છે કે કોઇ વાત સમજવા માટે તૈયાર નથી.
(79) ૭૯- તમને જે ભલાઇ પહોંચે છે તે અલ્લાહ તઆલા તરફથી છે અને જે બુરાઇ પહોંચે છે તે તમારા પોતાના કર્મો તરફથી હોય છે, અમે તમને દરેક લોકો માટે રસૂલ બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે.
(80) ૮૦- જેણે કોઈ પયગંબરની ઇતાઅત કરશે તો તેણે અલ્લાહની ઇતાઅત કરી, અને જે કોઈ મોઢું ફેરવી લે તો અમે તમને તેમના પર દેખરેખ કરનાર બનાવીને નથી મોકલ્યા.
(81) ૮૧- આ લોકો (તમારા) અનુસરણની વાતો તો કહે છે પછી જ્યારે તમારી પાસેથી ઉઠીને બહાર જાય છે તો તેઓનું એક જૂથ જે વાત તમે અથવા તેઓએ કહી છે તેના વિરોધમાં રાત્રે સલાહસૂચન કરે છે, તેઓની રાતની વાતચીત અલ્લાહ લખી રહ્યો છે, તો તમે તેઓથી મોઢું ફેરવી લો અને અલ્લાહ પર વિશ્વાસ રાખો, અલ્લાહ તઆલા ભરોસો કરવો જ પૂરતો છે.
(82) ૮૨- શું આ લોકો કુરઆનમાં ચિંતન નથી કરતા ? જો આ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઇ તરફથી હોત તો ખરેખર તેમાં ઘણો જ વિવાદ જોતા.
(83) ૮૩- જ્યારે તેઓને કોઇ શાંતિ અને ભયની ખબર મળે છે તો તેઓ તેની સત્યતા જાણ્યા વગર જ તેનો પ્રચાર કરવાનો શરૂ કરી દે છે, અને જો આ લોકો તે ખબરને રસૂલ પાસે અથવા પ્રતિષ્ઠિત લોકો પાસે લઈ જતા તો તેમના માંથી જે લોકો મૂળ વાત સુધી પહોંચી જતા હોય છે, તેઓ તેની સત્યતા જાણી લેતા, અને (મુસલમાનો) જો અલ્લાહ તઆલાની કૃપા અને તેની કૃપા તમારા પર ન હોત તો થોડાક લોકો સિવાય તમે સૌ શેતાનના અનુયાયી બની જતા.
(84) ૮૪- તમે અલ્લાહ તઆલાના માર્ગમાં જિહાદ કરતા રહો, તમારા પર ફકત તમારી જ જવાબદારી છે, હાં ઈમાનવાળાઓને જિહાદ તરફ પ્રોત્સાહન આપતા રહો, શક્ય છે કે અલ્લાહ તઆલા કાફિરોની લડાઈને રોકી લે અને અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવાળો છે અને અઝાબ આપવામાં પણ સખત છે.
(85) ૮૫- જે વ્યક્તિ કોઇ સત્કાર્ય અથવા ભલાઇના કાર્યની ભલામણ કરશે તો તેને પણ તેનો થોડોક ભાગ મળશે અને જે બુરાઇ અને ખરાબ કૃત્યની ભલામણ કરશે તો તેના માટે પણ તેમાંથી એક ભાગ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
(86) ૮૬- અને જ્યારે તમને સલામ કરવામાં આવે તો તમે તેના કરતા સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોમાં કહી દો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુનો હિસાબ લેવાવાળો છે.
(87) ૮૭- અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે તમને સૌને ચોક્કસ કયામતના દિવસે ભેગા કરશે, જેના આવવામાં કોઇ શંકા નથી, અલ્લાહ તઆલા સિવાય સાચી વાત બીજો કોની હોઇ શકે છે?
(88) ૮૮- (મુસલમાનો) તમને શું થઇ ગયું છે કે તમે મુનાફિકો બાબતે બે જૂથ બની ગયા છો ? જો કે અલ્લાહ તઆલાએ તેમને તેઓના કાર્યોના કારણે ઊંધા કરી દીધા છે, હવે શું તમે એવું ઇચ્છો છો કે અલ્લાહ તઆલાએ પથભ્રષ્ટ કરેલા લોકોને તમે સત્યમાર્ગ પર લાવી દો, જેને અલ્લાહ તઆલા ગુમરાહ કરી દે તમે ક્યારેય તેના માટે કોઇ માર્ગ નહીં પામો.
(89) ૮૯- તેઓની ઇચ્છા છે કે જેવી રીતે તેઓ ઇન્કાર કરનારા છે તમે પણ તેઓની જેમ જ ઇન્કાર કરવા લાગો અને પછી બધા સરખા બની જાવ, બસ ! જ્યાં સુધી આ લોકો ઇસ્લામ માટે વતન ન છોડે, તેઓ માંથી કોઇને પણ સાચા મિત્ર ન બનાવો, પછી જો આ લોકો આમ ન કરે તો જ્યાં તેમને મળો,તેઓને પકડો અને કતલ કરી દો, ખબરદાર ! તેઓ માંથી કોઇને પણ પોતાનો મિત્ર અને મદદ કરનાર ન બનાવશો.
(90) ૯૦- એવા મુનાફિકો સિવાય જે તમારી પાસે નિરાશ થઈ આવે છે, તે ન તો તમારા વિરુદ્ધ લડવા ઈચ્છે છે અને ન તો પોતાની કોમ સાથે, અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તેઓને તમારા પર પ્રભુત્વ આપી દેતો અને તેઓ તમારી સાથે ચોક્કસ યુદ્ધ કરતા, બસ ! જો આ લોકો તમારાથી અળગા રહે અને તમારી સાથે યુદ્ધ ન કરે અને તમારી પાસે શાંતિનો સંદેશ મોકલે, તો અલ્લાહ તઆલાએ તમારા માટે તેઓ સાથે લડાઇ બાબતે કોઇ માર્ગ નથી રાખ્યો.
(91) ૯૧- તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે.
(92) ૯૨- કોઇ ઈમાનવાળા માટે બીજા ઈમાનવાળા ભાઇને કતલ કરી નાખવું યોગ્ય નથી પરંતુ જો ભૂલથી થઇ જાય (તે અલગ વાત છે), જે વ્યક્તિ કોઇ મુસલમાનને કારણ વગર કતલ કરી દે તેના પર એક મુસલમાન દાસને મુકત કરવું અને કતલ થયેલ ના સગાઓને (ખૂનના બદલામાં સો ઊંટ બરાબરનું ધન) આપવાનું રહેશે, હાં તે અલગ વાત છે કે તે લોકો સદકો (દાન) સમજી માફ કરી દે અને જો કતલ થયેલ તમારા શત્રુઓ માંથી હોય અને તે મુસલમાન હોય તો (તેનો કફારો) એક ઈમાનવાળા દાસને મુકત કરવો જરૂરી છે અને જો કતલ થયેલ તે જૂથનો હોય કે તમારા અને તેઓની વચ્ચે કરાર થયેલો છે તો ખૂનના બદલામાં દિય્યત આપવી જરૂરી છે, જે તેના સગાઓને આપવામાં આવશે અને એક મુસલમાન દાસને મુકત કરવું પણ (જરૂરી છે). બસ ! જેની પાસે (દાસ અથવા ધન) ન હોય તેના પર બે મહીનાના સતત રોઝા રાખવા છે, અલ્લાહ તઆલા પાસે તૌબા કરવાનો આ જ તરીકો છે, અને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણવાવાળો અને હિકમતવાળો છે.
(93) ૯૩- અને જે કોઇ, કોઇ ઈમાનવાળાને ઇરાદાપૂર્વક કતલ કરી દે તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ તઆલાનો ગુસ્સો છે, તેના પર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને તેના માટે મોટો અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(94) ૯૪- હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે અલ્લાહના માર્ગમાં નીકળો (જિહાદ માટે) અને જે તમને સલામ કરે તમે તેને એવું ન કહી દો કે તું ઈમાનવાળો નથી પરંતુ તેની પુષ્ટિ કરી લો, જો તમે દુનિયાના જીવનની શોધમાં હોવ તો અલ્લાહ તઆલા પાસે પુષ્કળ ગનીમતનો માલ છે. પહેલા તમે પણ આવા જ હતા, પછી અલ્લાહ તઆલાએ તમારા પર ઉપકાર કર્યો, તમે જરૂરથી તપાસ કરી લો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા કાર્યોની ખબર રાખનાર છે.
(95) ૯૫- પોતાના પ્રાણ અને ધન વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર ઈમાનવાળાઓ અને કારણ વગર બેસી રહેનાર ઈમાનવાળાઓ બન્ને સરખા નથી, પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરનારને બેસી રહેનાર લોકો કરતા અલ્લાહ તઆલાએ દરજ્જામાં ઘણી જ શ્રેષ્ઠતા આપી રાખી છે અને આમ તો અલ્લાહ તઆલાએ દરેકને કૃપા અને સારા વળતરનું વચન આપી રાખ્યું છે, પરંતુ જિહાદ કરનારાઓને બેસી રહેવાવાળા પર ખૂબ જ મોટા વળતરની શ્રેષ્ઠતા આપી રાખી છે.
(96) ૯૬- તેમના માટે અલ્લાહ પાસે ઉચ્ચ દરજ્જા અને માફી અને કૃપા પણ, અને અલ્લાહ તઆલા માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
(97) ૯૭- જે લોકો પોતાના પર અત્યાચાર કરે છે, જ્યારે ફરિશ્તાઓ તેઓનો પ્રાણ કાઢે છે તો પૂછે છે તમે કેવી સ્થિતિમાં હતા ? આ લોકો જવાબ આપે છે કે અમે અમારી જગ્યાએ અશક્ત અને વિવશ હતા, ફરિશ્તાઓ જવાબ આપે છે શું અલ્લાહ તઆલાની ધરતી વિશાળ ન હતી કે તમે હિજરત કરી જતા ? આ જ તે લોકો છે, જેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.
(98) ૯૮- પરંતુ જે પુરુષ, સ્ત્રીઓ અને બાળકો લાચાર છે, જેઓ ત્યાંથી નીકળવાનો કોઈ માર્ગ અથવા યુક્તિ નથી પામતા તો (આશા છે કે અલ્લાહ તઆલા આવા લોકોને માફ કરી દે).
(99) ૯૯- શક્ય છે કે અલ્લાહ તઆલા તેઓને માફ કરી દે, અલ્લાહ તઆલા માફ કરનાર દરગુજર કરનાર છે.
(100) ૧૦૦- જે કોઇ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે તેઓ ધરતી પર ઘણી જ રહેવાની જગ્યાઓ પામશે અને વિશાળતા પણ અને જે કોઇ પોતાના ઘરેથી અલ્લાહ તઆલા અને તેના પયગંબર તરફ નીકળી ગયો, પછી જો તે મૃત્યુ પામ્યો તો પણ ચોક્કસપણે તેનો સવાબ અલ્લાહ તઆલા પર નક્કી થઇ ગયો અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, અત્યંત દયાળુ છે.
(101) ૧૦૧- જ્યારે તમે ઝમીનમાં સફર કરો તો તમારા પર નમાઝોને કસ્ર ( સંક્ષિપ્ત) કરવામાં કોઈ ગુનોહ નથી, (ખાસ કરીને) જ્યારે તમને ભય હોય કે કાફિરો તમને સતાવશે, નિ:શંક કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે.
(102) ૧૦૨- જ્યારે તમે તેઓની સાથે હોવ અને (યુદ્ધની સ્થિતિમાં) તેઓની વચ્ચે નમાઝ પઢવવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય, પછી જ્યારે આ લોકો સિજદો કરી લે, તો આ લોકો હટીને તમારી પાછળ આવી જાય અને તે બીજું જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય અને તમારી સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને શસ્ત્રો લઇ ઊભા રહે, કાફિરો ઇચ્છે છે કે કોઇ પણ રીતે તમે પોતાના શસ્ત્રો અને સામાનથી અજાણ થઇ જાવ, તો તેઓ તમારા પર અચાનક ચઢાઇ કરે, હાં પોતાના શસ્ત્રો ઉતારવામાં તે સમયે તમારા પર કોઇ ગુનોહ નથી જ્યારે કે તમને તકલીફ હોય અથવા વરસાદના અથવા બિમાર હોવ, તો પણ પોતાના રક્ષણ માટેની વસ્તુઓ સાથે રાખો, નિ:શંક અલ્લાહ તઆલાએ અપમાનિત કરી દેનારો અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(103) ૧૦૩- પછી જ્યારે તમે નમાઝ પઢતા રહો, ઊભા-ઊભા, બેઠાં-બેઠાં અને સૂતાં-સૂતાં અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરતા રહો અને જ્યારે શાંતિ મળે ત્યારે નમાઝ પાબંદી સાથે પઢો, નિ:શંક નમાઝ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે.
(104) ૧૦૪- અને (વિરોધી કોમનો) પીછો કરવામાં નબળા ન પડો, જો તમને તકલીફ પહોંચતી હોય તો તેઓને પણ તમારી જેમ જ તકલીફ પહોંચે છે અને તમે અલ્લાહ તઆલાથી તે અપેક્ષા રાખો છો જે અપેક્ષાઓ તેઓ નથી રાખતા અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે.
(105) ૧૦૫- નિ:શંક અમે તમારી તરફ સત્ય સાથે પોતાની કિતાબ ઉતારી છે, જેથી તમે લોકોમાં તે વસ્તુ વિશે ન્યાય કરો, જેના વિશે અલ્લાહ તઆલાએ તમને શિખવાડ્યું છે અને ખિયાનત કરનાર લોકોની મદદ કરવાવાળા ન બનો.
(106) ૧૦૬-અને અલ્લાહ તઆલા પાસે માફી માંગો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો, અત્યંત કૃપાળું છે.
(107) ૧૦૭- અને તે લોકો તરફથી ઝઘડો ન કરો, જેઓ પોતાના વિશે જ અપ્રમાણિકતા દાખવે છે, નિ:શંક ખિયાનત કરનાર, પાપીને અલ્લાહ તઆલા પસંદ નથી કરતો.
(108) ૧૦૮- તે લોકોથી (પોતાની હરકતો) છુપાઇ શકે છે (પરંતુ) અલ્લાહ તઆલાથી છૂપાઇ શકતા નથી, અને જ્યારે રાત્રે એવી વાતો વિશે મશવરો કરતા હોય છે, જે અલ્લાહને પસંદ નથી, તો તે સમયે પણ (અલ્લાહ) તેમની સાથે જ હોય છે. અને અલ્લાહ તઆલાએ તેઓના દરેક કાર્યોને ઘેરી રાખ્યા છે.
(109) ૧૦૯- જુઓ, તમે દુનિયાના જીવનમાં તેમની મદદ કરવા માટે ઝઘડો કરી રહ્યા છો, પરંતુ કયામતના દિવસે તેમની મદદ કરવા માટે કોણ ઝઘડો કરશે? અથવા તેમનો વકીલ કોણ હશે?
(110) ૧૧૦- જે વ્યક્તિ કોઇ ખરાબ કૃત્ય કરે અથવા પોતાના જીવ પર અત્યાચાર કરે પછી અલ્લાહ તઆલાથી માફી માંગે તો તે અલ્લાહને માફ કરનાર, દયાળુ પામશે.
(111) ૧૧૧- અને જે વ્યક્તિ કોઈ ગુનાહનું કામ કરે, તો તેનો ભાર તેના પર જ છે અને અલ્લાહ ખૂબ સારી રીતે જાણવાવાળો અને પૂરે-પૂરો હિકમતવાળો છે.
(112) ૧૧૨- અને જે વ્યક્તિ કોઇ પાપ અથવા ભૂલ કરી કોઇ નિર્દોષના માથે આક્ષેપ મૂકે તો તેણે ખૂબ જ મોટો આરોપ લગાવ્યો અને ખુલ્લું પાપ કર્યુ.
(113) ૧૧૩- જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તમારી સાથે ન હોત તો (અન્સારના) એક જૂથે તો ઈરાદો કરી લીધો હતો કે તમને ભ્રમમાં નાખી દે, જો કે તેઓ તો પોતાને જ ભ્રમમાં નાખી રહ્યા છે, તેઓ તમારું કંઈ બગાડી નથી શકતા કારણકે અલ્લાહએ તમારા પર કિતાબ અને હિકમત ઉતારી છે, અને તમને તે બધું શીખવાડી દીધું છે, જે તમે જાણતા નથી અને આ તમારા પર અલ્લાહની ઘણી જ મોટી કૃપા છે.
(114) ૧૧૪- તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં છે, જેઓ દાન કરવામાં અથવા સત્કાર્ય કરવામાં તથા લોકોને મેળાપ કરવાનો આદેશ આપે, અને જે વ્યક્તિ ફકત અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતા આ કાર્ય કરે તેને અમે ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં ફળ આપીશું.
(115) ૧૧૫- જે વ્યક્તિ સત્ય માર્ગ સ્પષ્ટ થઈ ગયા પછી પણ રસૂલની અવજ્ઞા કરે સને મોમિનોનો માર્ગ છોડી કોઈ બીજો માર્ગ અપનાવી લે તો અમે તેને ત્યાં જ ફેરવી દઇએ છે, જે તરફ તે જઈ રહ્યો છે, પછી અમે તેને જહન્નમમાં નાખી દઇશું, તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
(116) ૧૧૬- જો અલ્લાહ સાથે કોઈને શરીક ઠહેરાવશો, તો આ ગુનોહ અલ્લાહ તઆલા ક્યારેય માફ નહિ કરે, અને તે સિવાયના ગુનાહ તે જેને ઈચ્છે માફ કરી દે છે અને જે વ્યક્તિએ અલ્લાહને છોડીને શરીક ઠહેરાવશે તો તે દૂરની ગુમરાહીમાં જતો રહ્યો.
(117) ૧૧૭- આ મુશરિક લોકો અલ્લાહ તઆલાને છોડીને ફકત દેવીઓને પોકારે છે અને ખરેખર આ લોકો તો વિદ્રોહી શેતાનને પોકારી રહ્યા છે.
(118) ૧૧૮- જેના પર અલ્લાહએ લઅનત (ફિટકાર) કરી છે અને તેણે ભાર ઉઠાવ્યો છે કે તારા બંદાઓ માંથી નક્કી કરેલ ભાગ લઇને જ રહીશ.
(119) ૧૧૯- અને તેઓને માર્ગથી ભટકાવતો રહીશ અને ખોટી મનેચ્છાઓ તરફ દોરવતો રહીશ. અને તેઓને શિખવાડીશ કે જાનવરોના કાન ચીરી નાખે અને તેઓને કહીશ કે અલ્લાહ તઆલાએ બનાવેલી રચનામાં ફેરફાર કરી દે, સાંભળો ! જે વ્યક્તિ અલ્લાહને છોડી શેતાનને પોતાનો મિત્ર બનાવશે તેને ખુલ્લુ નુકસાન પહોંચશે.
(120) ૧૨૦- શેતાન તેઓને વચનો અને આશાઓ આપી રહ્યો છે અને (પરંતુ યાદ રાખો) શેતાને જે વચનો તેઓને આપ્યા છે તે વચનો ઘોખાના સિવાય કાંઈ જ નથી.
(121) ૧૨૧- આ તે લોકો છે જેમની જગ્યા જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહીં મળે.
(122) ૧૨૨- અને જે ઈમાન લાવ્યા અને ભલાઇના કાર્યો કરે, અમે તેઓને તે જન્નતોમાં પ્રવેશ આપીશું, જેની નીચે ઝરણા વહી રહ્યા છે, જ્યાં તે હંમેશા રહેશે, આ છે અલ્લાહનું વચન, જે ખરેખર સાચું છે. અને કોણ છે જે પોતાની વાતમાં અલ્લાહ તઆલા કરતા વધારે સાચો હોય ?
(123) ૧૨૩- (નજાતનો આધાર) ન તો તમારી મનેચ્છા પ્રમાણે છે અને ન તો અહલે કિતાબની મનેચ્છા પ્રમાણે છે. બુરાઇ કરશે તેની સજા જરૂર પામશે અને અલ્લાહ સિવાય કોઇ મદદ કરવાવાળો નહીં પામે.
(124) ૧૨૪- અને જે કંઈ સારા કાર્યો કરશે, ભલેને તે પુરુષ હોય અથવા કે સ્ત્રી, શરત એ કે તે મોમિન હોય, તો આવા લોકો જ જન્નતમાં દાખલ થશે અને સહેજ પણ તેમનો હક મારવામાં નહિ આવે.
(125) ૧૨૫- દીન બાબતે તેનાથી સારો કોણ હોઈ શકે છે ? જે પોતાને અલ્લાહને સોંપી દે અને સદાચારી હોય, સાથે સાથે એકેશ્વરવાદી ઇબ્રાહીમનું અનુસરણ કરતો હોય અને ઇબ્રાહીમને અલ્લાહ તઆલાએ પોતાના મિત્ર બનાવી લીધા છે.
(126) ૧૨૬- આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો ઘેરાવ કરી રાખ્યો છે.
(127) ૧૨૭- અને (હે પયગંબર) તમને લોકો સ્ત્રીઓ વિશે ફતવો પુછી રહ્યાં છે , તમે તેમને કહી દો કે અલ્લાહ પોતે તેણીઓ વિશે ફતવો આપી રહ્યો છે. અને તે વિશે પણ (ફતવો આપી રહ્યો છે) જે અનાથ સ્ત્રીઓ વિશે આ કિતાબમાં (કુરઆન)માં પહેલાથી જ તમને વર્ણન કરી ચુક્યા છે, જેમના નક્કી કરેલ અધિકારો તમે આપતા નથી, (વિરાસતનો માલ વગેરે) અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખો છો. અને તે બાળકો વિશે પણ (ફતવો આપી રહ્યો છે) જે અશક્ત છે, એવી જ રીતે અલ્લાહ તમને એ પણ આદેશ આપી રહ્યો છે કે તમે અનાથ સાથે ન્યાય કરતા રહો અને જે ભલાઈનું કામ તમે કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
(128) ૧૨૮- જો કોઇ સ્ત્રીને પોતાના પતિ વિશે દુર્વ્યવહાર અને લાપરવાહીનો ભય હોય તો બન્ને અંદરોઅંદર જે સુલેહ કરી લે તેમાં કોઇના પર કોઇ ગુનોહ નથી, સુલેહ ઘણી જ ઉત્તમ વસ્તુ છે, લાલચ દરેક જીવમાં દાખલ કરી દેવામાં આવી છે, જો તમે સદ્વ્યવહાર કરો અને ડરવા લાગો, તો તમે જે કરી રહ્યા છો તેને અલ્લાહ તઆલા પૂરી રીતે જાણવાવાળો છે.
(129) ૧૨૯- તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો, ભલેને તમે તે બાબતે કેટલીય ઇચ્છા અને મહેનત કરી લો, એટલા માટે ફકત એક જ તરફ ઝુકાવ રાખી બીજી (પત્ની) ને વચ્ચે લટકાવી ન રાખો અને જો તમે સુધારો કરી લો અને ડરવા લાગો તો નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
(130) ૧૩૦- અને જો પતિ-પત્ની અલગ થઇ જાય તો અલ્લાહ તઆલા પોતાની કૃપાથી દરેકને બેનિયાઝ (નિરપેક્ષ) કરી દેશે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી, હિકમતવાળો છે.
(131) ૧૩૧- આકાશો અને ધરતીની દરેકે દરેક વસ્તુ અલ્લાહ તઆલાની જ છે અને ખરેખર અમે તે લોકોને, જેમને તમારાથી પહેલાં કિતાબ આપવામાં આવી હતી અને તમને પણ, એજ આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહથી ડરતા રહો અને જો તમે ઇન્કાર કરશો તો યાદ રાખો કે અલ્લાહ માટે જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે અને અલ્લાહ ઘણો જ બેનિયાઝ અને પ્રશંસાવાળો છે.
(132) ૧૩૨- અલ્લાહ માટે જ છે આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અને અલ્લાહ પૂરતો વ્યસ્થાપક છે.
(133) ૧૩૩- લોકો ! જો (અલ્લાહ) ઈચ્છે તમને હટાવી તમારી જગ્યા પર બીજા લોકો લાવી શકે છે, અને અલ્લાહ તઆલા આ વાત પર સંપૂર્ણ કુદરત ધરાવે છે.
(134) ૧૩૪- જે વ્યક્તિ દુનિયાનો બદલો ઇચ્છતો હોય તો (યાદ રાખો કે) અલ્લાહ તઆલાની પાસે તો દુનિયા અને આખિરત બન્નેનો બદલો છે અને અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો અને ખૂબ સારી રીતે જોવાવાળો છે.
(135) ૧૩૫- હે ઈમાનવાળાઓ ! ન્યાય કરવામાં મજબૂતાઈ સાથે અડગ રહેનાર અને અલ્લાહની પ્રસન્નતા માટે સાચી સાક્ષી આપનારા બની જાઓ, ભલેને તે ગવાહી તમારા પોતાની વિરૂદ્ધ હોય અથવા પોતાના માતા-પિતા અથવા સગાંસંબંધીઓના વિરૂદ્ધ હોય, જો કોઈ જૂથ ધનવાન હોય અથવા ફકીર હોય, બન્ને સ્થિતિમાં અલ્લાહ જ તમારા કરતા વધારે શુભચિંતક છે, એટલા માટે તમે મનેચ્છાઓની પાછળ પડી ન્યાય કરવાનું ન છોડી દો અને જો તમે ખોટી સાક્ષી આપો અને સાચી વાત કહેવાથી અળગા રહ્યા તો જાણી લો કે જે કંઈ પણ તમે કરશો અલ્લાહ તઆલા તે વિશે પૂરી રીતે જાણવાવાળો છે.
(136) ૧૩૬- હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા પર, તેના પયગંબર પર અને તે કિતાબ પર જે તેણે પોતાના પયગંબર પર ઉતારી છે અને તે કિતાબ પર જે આ પહેલા તેણે ઉતારી છે, ઈમાન લાવો. જે વ્યક્તિ અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો, તેના પયગંબરો, અને કયામતના દિવસનો ઇન્કાર કરશે તો તે ઘણી જ દૂરની ગુમરાહીમાં પડી જશે.
(137) ૧૩૭- જે લોકોએ ઈમાન કબૂલ કરી પછી કૂફર કર્યો ફરી ઈમાન લાવી પાછો કૂફર કર્યો અને ફરી પોતાના કૂફરમાં વધી ગયા, અલ્લાહ તઆલા ખરેખર તેઓને માફ નહીં કરે અને ન તો તેઓને સત્યમાર્ગ બતાવશે.
(138) ૧૩૮- મુનાફિકો લોકોને આ વાત પહોંચાડી દો કે તેઓ માટે દુ:ખદાયી અઝાબ ચોક્કસપણે છે.
(139) ૧૩૯- જે લોકો મુસલમાનોને છોડીને કાફિરોને મિત્ર બનાવે છે, શું તેઓ પાસે ઇજજત શોધવા જાય છે ? (તો યાદ રાખો કે) ઇજજત તો પૂરેપૂરી અલ્લાહ તઆલાના હાથમાં છે.
(140) ૧૪૦- અલ્લાહ તઆલા પોતાની કિતાબમાં આ આદેશ આપી ચુક્યો છે કે જ્યારે તમે અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા સાંભળો અને ત્યાં આયતોનો મજાક કરવામાં આવી રહ્યો છે, તો તેમની સાથે ત્યાં ન બેસો, જેથી આ લોકો કોઈ બીજી વાતમાં ન લાગી જાય, નહિ તો તમે પણ તેમના જેવા જ બની જશો, ખરેખર અલ્લાહ તઆલા મુનાફિકો અને કાફિરોને જહન્નમમાં ભેગા કરશે.
(141) ૧૪૧- આ લોકો (મુનાફિકો) તમારા (ખોટા પરિણામની) રાહ જુએ છે, પછી જો તમને અલ્લાહ વિજય આપે તો આ લોકો કહે છે કે શું અમે તમારા મિત્ર ન હતા ? અને જો કાફિરોને થોડીક પણ જીત મળી જાય તો (તેમને) કહે છે કે અમે તમારા પર વિજય નહતા મેળવી શકતા અને શું અમે તમને મુસલમાનોના હાથોથી બચાવ્યા ન હતા ? બસ ! કયામતના દિવસે અલ્લાહ તઆલા પોતે તમારી વચ્ચે ન્યાય કરશે અને અલ્લાહ તઆલાએ કાફિરો માટે ઈમાનવાળાઓ પર વિજય માટેનો માર્ગ નથી બનાવ્યો.
(142) ૧૪૨- આ મુનાફિકો અલ્લાહ સાથે ઘોકો કરી રહ્યા છે, જ્યારે કે અલ્લાહ તેમના ઘોખાને તેમના પર જ નાખી દે છે, અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરવા માટે નમાઝ પઢે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે.
(143) ૧૪૩- તેઓ (ઈમાન અને કૂફર)ની વચ્ચે લટકી રહ્યા છે, ન તો આ તરફ છે અને ન તો પેલી તરફ, અને જેને અલ્લાહ તઆલા ગુમરાહ કરી દે તો તમે તેના માટે કોઇ માર્ગ નહીં પામો.
(144) ૧૪૪- હે ઈમાનવાળાઓ ! ઈમાનવાળાઓને છોડી કાફિરોને પોતાના મિત્ર ન બનાવો, શું તમે એવું ઇચ્છો છો કે પોતાના પર અલ્લાહ તઆલાનો ખુલ્લો પૂરાવો તમારી વિરૂદ્ધ આપી દો ?
(145) ૧૪૫- નિ:શંક, મુનાફિક લોકો તો જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે, તમે તેમની મદદ કરવાવાળા કોઈને નહિ જુઓ.
(146) ૧૪૬- હાં, જે લોકો તૌબા કરી લે અને સુધારો કરી લે અને અલ્લાહ તઆલા પર પૂરો ભરોસો રાખે અને નિખાલસતાથી અલ્લાહ માટે દીનદાર બની જાય તો આ લોકો ઈમાનવાળાઓની સાથે છે, અલ્લાહ તઆલા ઈમાનવાળાઓને ખૂબ જ મોટો બદલો આપશે.
(147) ૧૪૭- જો તમે શુકર કરતા રહો અને ઈમાનવાળા બનીને રહો, તો અલ્લાહ તઆલા તમને સજા આપીને શુ કરશે? અલ્લાહ તઆલા ઘણી જ કદર કરનાર અને પૂરું જ્ઞાન રાખનાર છે.
(148) ૧૪૮- અલ્લાહ તઆલા એ વાતને પસંદ નથી કરતો કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ માટે જાહેરમાં ખરાબ વાત કરે, જો તેના પર ઝુલ્મ કર્યું હોય, (તો કરી શકે છે), અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જાણવાવાળો છે.
(149) ૧૪૯- જો તમે કોઇ ભલાઈ જાહેરમાં કરો અથવા છૂપી રીતે કરો અથવા કોઇની ભૂલ માફ કરી દો, તો અલ્લાહ તઆલા (પોતે પણ) ખૂબ માફ કરવાવાળો અને દરેક વાત પર કુદરત ધરાવે છે.
(150) ૧૫૦- જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને એવું ઇચ્છે છે કે કૂફર અને ઈમાન વચ્ચે (એક ત્રીજો) માર્ગ અપનાવી લે.
(151) ૧૫૧- આવા લોકો જ ખરેખર કાફિર છે, અને અમે કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(152) ૧૫૨- અને જે લોકો અલ્લાહ પર અને તેના દરેક પયગંબરો પર ઈમાન લાવે છે અને તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા, આ જ લોકો છે, જેને અલ્લાહ પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ ઘણો જ માફ કરવાવાળો, દરગુજર કરવાવાળો છે.
(153) ૧૫૩- અહલે કિતાબ તમારી પાસે માંગણી કરી રહ્યા છે કે તમે તેઓની સામે આકાશ માંથી કોઇ કિતાબ લાવો, તે લોકોએ મૂસા પાસે આના કરતા પણ મોટી માંગણી કરી હતી કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહ તઆલાને બતાવ, બસ ! તેઓના આ અત્યાચારના કારણે તેઓ પર કડાકા સાથે વિજળી ત્રાટકી, પછી (હે અહલે કિતાબ)! તમારી પાસે સ્પષ્ટ પુરાવા પહોંચી ગયા છતાં, તમે વાછરડાને (પોતાનો મઅબૂદ) બનાવી લીધો, પરંતુ અમે તેઓની આ ભૂલ પણ માફ કરી દીધી અને અમે મૂસાને સંપૂર્ણ વિજયી આપ્યો.
(154) ૧૫૪- અમે (આ યહૂદી લોકો પાસે) વચન લીધા પછી તેમની ઉપર તેઓની તૂર પહાડ બતાવ્યો,અને તેઓને આદેશ આપ્યો કે સિજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ અને એ પણ આદેશ આપ્યો હતો કે શનિવારના દિવસ વિશે અતિરેક ન કરશો અને આ બધી વાતો અમે તેમની પાસે ઠોસ વચન લીધું હતું.
(155) ૧૫૫- પછી તેમની સાથે જે કંઈ પણ થયું, એટલા માટે કે તેઓએ પોતાનું વચન તોડ્યું, અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, પયગંબરોને નાહક કતલ કર્યા, અને આમ કહ્યું કે અમારા દિલો પર પરદો છે, જો કે સત્યતા એ છે કે તેમના કૂફરના કારણે અલ્લાહએ તેમના દિલો પર મહોર લગાવી દીધી. એટલા માટે તેઓ થોડીક જ વાતો સિવાય કોઈ વાત પર ઈમાન નથી લાવતા.
(156) ૧૫૬- અને એટલા માટે પણ (અલ્લાહ તઆલાએ તેમના દિલો પર મહોર લગાવી દીધી) કે સત્ય વાતનો ઇન્કાર કર્યો અને મરયમ પર મોટો આરોપ લગાવ્યો.
(157) ૧૫૭- અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે તેઓએ તેમને ન તો કતલ કર્યા છે અને ન તો ફાંસીએ ચઢાવ્યા છે, પરંતુ તેમના માટે આ બાબત શંકાસ્પદ કરી દીધો, અને જે લોકોએ આ બાબતે મતભેદ કર્યો તે પોતે પણ શંકા કરી રહ્યો છે, તેમને સત્ય વાતની કોઈ જાણ નથી, ફક્ત અનુમાન કરી તેની પાછળ ચાલી રહ્યા છે, અને આ સચોટ વાત છે કે તેઓએ ઈસા બિન મરયમને કતલ નથી કર્યા.
(158) ૧૫૮- પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં હતા, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે.
(159) ૧૫૯- અને આ જેટલા અહલે કિતાબના લોકો છે, ઈસા બિન મરયમની (કુદરતી) મૃત્યુ પહેલા જરૂર આ વાત પર ઈમાન લાવશે, અને કયામતના દિવસે તેઓ તેમના વિરુદ્ધ ગવાહી અપાશે.
(160) ૧૬૦- યહૂદી લોકોના આ અત્યાચાર કરવાના કારણે અને લોકોને અલ્લાહના માર્ગથી રોકવાના કારણે અમે કેટલીય પવિત્ર વસ્તુ તેમના માટે હરામ કરી દીધી જે આ પહેલા તેમના માટે હલાલ હતી.
(161) ૧૬૧- અને એટલા માટે પણ કે તેઓ વ્યાજ ખાતા હતા જો કે તેઓને વ્યાજથી રોકવામાં આવ્યા હતા, એવી જ રીતે તેઓ લોકોનો માલ હડપી લેતા હતા અને આવા કાફિરો માટે અમે દુઃખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(162) ૧૬૨- પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, તેઓ એ વહી ઉપર પણ ઈમાન ધરાવે છે, જે તમારી તરફ ઉતારવામાં આવી છે, અને તેના ઉપર પણ જે તમારા પહેલા ઉતારવામાં આવી હતી, તેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન રાખે છે, આવા લોકોને જ અમે મોટો બદલો આપીશું.
(163) ૧૬૩- (હે પયગંબર !) અમે તમારી તરફ એવી જ રીતે વહી કરી છે કે જેવી રીતે કે નૂહ અને તેઓ પછી આવનારા પયગંબરો તરફ કરી હતી, તેમજ અમે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકૂબ અને તેઓના સંતાન પર અને ઈસા, અય્યુબ, યૂનુસ, હારૂન, અને સુલૈમાન તરફ વહી કરી અને અમે દાઉ ને “ઝબૂર” આપી હતી.
(164) ૧૬૪- કેટલાક પયગંબરો એવા છે, જેમની હાલત અમે તમને પહેલા જણાવી ચુક્યા છે, અને કેટલાક એવા પણ છે, જેમની હાલત અમે તમને નથી જણાવી, અને અલ્લાહ તઆલાએ મૂસા સાથે બોલીને વાતચીત કરી,
(165) ૧૬૫- આ દરેક પયગંબર (લોકોને) ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા હતા, જેથી આ પયગંબરો આવી ગયા પછી લોકો માટે અલ્લાહ પર કોઇ દલીલ બાકી ન રહે, અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.
(166) ૧૬૬- પરંતુ અલ્લાહ એ વાતની ગવાહી આપી રહ્યો છે કે તેણે જે કંઈ તમારી તરફ ઉતાર્યું છે, પોતાના ઇલ્મ દ્વારા ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ આ વાતની ગવાહી આપી રહ્યા છે, અને (આમ તો) અલ્લાહની ગવાહી જ પૂરતી છે.
(167) ૧૬૭- જે લોકોએ (આ વહીનો) ઇન્કાર કર્યો અને અલ્લાહ તઆલાના માર્ગથી બીજાને રોકયા તે ખરેખર ગુમરાહીમાં ઘણા જ દૂર જતા રહ્યા.
(168) ૧૬૮- જે લોકોએ કાફિર થયા અને અત્યાચાર કરતા રહ્યા તેઓને અલ્લાહ તઆલા ક્યારેય માફ નહીં કરે અને ન તેઓ માટે બીજો કોઈ માર્ગ નહિ હોય
(169) ૧૬૯- સિવાય જહન્નમના માર્ગના, જેમાં તેઓ હંમેશા પડ્યા રહેશે અને આ વેટ અલ્લાહ તઆલા માટે ખૂબ જ સામાન્ય છે.
(170) ૧૭૦- હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી રસૂલ સાચો દીન લઈને આવી પહોંચ્યા છે, બસ ! તમારા માટે બહેતર એ જ છે કે તમે ઈમાન લઈ આવો, અને જો કૂફર કરશો તો (યાદ રાખો) જે કંઇ આકાશો અને ધરતીમાં છે, બધું જ અલ્લાહનું છે, અને અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે.
(171) ૧૭૧- હે અહલે કિતાબ ! પોતાના દીનમાં ગુલૂ ન કરો અને અલ્લાહ તઆલા માટે સત્યવાત સિવાય બીજું કંઈ ન કહો, મસીહ ઈસા બિન મરયમ તો ફકત અલ્લાહ તઆલાના પયગંબર અને તેનો કલ્મો હતા. જેને અલ્લાહએ મરયમ તરફ મોકલ્યો હતો, તે તેની તરફ એક રૂહ હતા, એટલા માટે તમે અલ્લાહ અને તેના સૌ પયગંબરો પર ઈમાન લાવો અને એવું ન કહો કે (અલ્લાહ) ત્રણ છે, આવું કહેવાનું છોડી દો, આ જ તમારા માટે ઉત્તમ છે, ફક્ત અલ્લાહ એકલો જ ઇલાહ છે, તે આ વાતથી પાક છે કે તેની કોઈ સંતાન હોય,જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, બધું જ અલ્લાહનું છે, અને અલ્લાહ એકલો જ (સૃષ્ટિની વ્યવસ્થા કરવા માટે) પૂરતો છે.
(172) ૧૭૨- મસીહ ક્યારેય એ વાતથી શરમ નથી કરતા કે તેઓ અલ્લાહના બંદા છે, અને ન તો નિકટના ફરિશ્તાઓ તે વાતથી શરમ કરે છે, અને જે વ્યક્તિ અલ્લાહની બંદગીથી શરમ કરે અને ઘમંડ કરે તો અલ્લાહ તે સૌને નજીકમાં જ પોતાની પાસે ભેગા કરશે.
(173) ૧૭૩- બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને તેઓનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને પોતાની કૃપાથી તેઓને વધુ આપશે અને જે લોકોએ (અલ્લાહની બંદગીને) શરમ સમજી અને ઘમંડ કરત રહ્યા તો તે તેઓને દુઃખદાયી અઝાબ આપશે અને તે પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મિત્ર અને મદદ કરનાર નહીં પામે.
(174) ૧૭૪- હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારી તરફ સ્પષ્ટ અને ખુલ્લો માર્ગ બતાવનાર પ્રકાશ (કુરઆન મજીદ) ઉતાર્યું છે.
(175) ૧૭૫- બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને આ (કુરઆન) પર મજબૂતી સાથે અડગ રહ્યા તો તેઓને તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે.
(176) ૧૭૬- (હે પયગંબર !) લોકો તમારી પાસે કલાલહ વિશે ફતવો પૂછી રહ્યા છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા (પોતે) તમને "કલાલહ" વિશે ફતવો આપી રહ્યો છે, કે જો કોઇ વ્યક્તિ નિઃસંતાન મૃત્યુ પામે, અને તેની એક જ બહેન હોય તો તેના માટે છોડેલા ધન માંથી અડધો ભાગ મળશે, અને કલાલહ સ્ત્રી હોય, (અર્થાત નિઃસંતાન હોય) તો તેનો ભાઇ તેનો વારસદાર બનશે, અને જો બહેનો બે હોય તો તેઓને કુલ છોડેલા ધન માંથી 2/3 બેતૃત્યાંશ ભાગ મળશે અને કેટલાય બહેન ભાઈ અર્થાત પુરુષ અને સ્ત્રી (ભેગા હોય) તો પુરુષ માટે બે સ્ત્રીઓ બરાબર ભાગ મળશે, આ આદેશો અલ્લાહ તઆલા તમારા માટે એટલે સ્પષ્ટ કરી રહ્યો છે કે તમે ભટકતા ન રહો અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણવાવાળો છે.