42 - Ash-Shura ()

|

(1) ૧) હા-મીમ્

(2) ૨) ઐન્-સીન્-કૉફ્

(3) ૩) અલ્લાહ તઆલા, જે જબરદસ્ત છે અને હિકમતવાળો છે. આવી જ રીતે તમારી તરફ અને તમારા કરતા પહેલા (પયગંબરો) તરફ વહી કરતો રહ્યો છે.

(4) ૪) આકાશો અને ધરતીમાં જે કંઈ છે, બધું જ તેનું છે, તે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત છે.

(5) ૫)(જે કંઈ વાતો આ મુશરિક લોકો કહી રહ્યા છે) નજીક છે કે આકાશ ઉપરથી ફાટી જાય જો કે દરેક ફરિશ્તાઓ પોતાના પાલનહારની પવિત્રતા પ્રશંસા સાથે વર્ણન કરે છે અને ધરતીવાળાઓ માટે માફી માંગી રહ્યા છે, સારી રીતે સમજી લો કે અલ્લાહ તઆલા જ માફ કરવાવાળો અને દયાળુ છે.

(6) ૬) અને જે લોકોએ તેના સિવાય બીજાને જવાબદાર બનાવ્યા છે, અલ્લાહ તઆલા તેમને જોઇ રહ્યો છે અને તમે તેમના જવાબદાર નથી.

(7) ૭) અને આવી જ રીતે અમે આ કુરઆન તમારી તરફ અરબી (ભાષામાં) ઉતાર્યું છે, જેથી તમે મક્કા અને તેની આજુબાજુના લોકોને સચેત કરી દો અને ભેગા થવાના દિવસથી પણ ડરાવો, જેના આવવામાં કોઇ શંકા નથી, (તે દિવસે) એક જૂથ જન્નતમાં જશે અને એક જૂથ જહન્નમમાં જશે.

(8) ૮) જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો તે સૌને એક જ જૂથ બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે અને જાલિમ લોકો માટે ન તો કોઈ મિત્ર હશે અને ન તો કોઈ મદદ કરનાર.

(9) ૯) શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને કારસાજ બનાવી લીધા છે? (ખરેખર) અલ્લાહ તઆલા જ કારસાજ છે, તે જ મૃતકોને જીવિત કરશે અને તે જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(10) ૧૦) અને જે-જે વસ્તુમાં તમારો વિવાદ હોય, તેનો નિર્ણય અલ્લાહ તઆલા જ કરશે, તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું તેના પર જ ભરોસો કરું છું અને જેની તરફ હુ ઝૂકું છું.

(11) ૧૧) તે આકાશો અને ધરતીનું સર્જન કરનાર છે, તેણે તમારા માટે તમારી જાતિ માંથી જોડી બનાવી અને ઢોરોની પણ જોડી બનાવી છે, તમને તે ઝમીનમાં ફેલાવી રહ્યો છે, તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે.

(12) ૧૨) આકાશો અને ધરતીની ચાવીઓનો (માલિક) તે જ છે, જેના માટે ઇચ્છે તેની રોજી પુષ્કળ કરી દે અને જેની ઇચ્છે તેની તંગ કરી દે, નિ:શંક તે દરેક વસ્તુને જાણે છે.

(13) ૧૩) અલ્લાહ તઆલાએ તમારા માટે દીનનો તે જ તરીકો નક્કી કરી દીધો છે, જેને સ્થાપિત કરવા માટે તેણે નૂહને આદેશ આપ્યો હતો અને જે (વહી) અમે તમારી તરફ મોકલી દીધી છે અને જેનો ચોકસાઇ પૂર્વક આદેશ અમે ઇબ્રાહીમ, મૂસા અને ઈસાને આપ્યો હતો, કે આ દીન પર અડગ રહેજો અને આમાં વિવાદ ન કરશો, જે વસ્તુ તરફ તમે તેમને બોલાવી રહ્યા છો, મુશરિકો તેને નાપસંદ કરે છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, પોતાની નજીક કરી દે છે અને જે પણ તેની તરફ વિનમ્રતા દાખવે, તે તેને સાચું માર્ગદર્શન આપે છે.

(14) ૧૪) તે લોકોએ પોતાની પાસે જ્ઞાન આવી ગયા પછી વિવાદ કર્યો (અને તે પણ) અંદરો અંદર અતિરેકના કારણે, અને જો તમારા પાલનહારની વાત પહેલાથી જ એક નક્કી કરેલ મુદ્દત સુધી નક્કી ન હોત તો ખરેખર તેમનો નિર્ણય થઇ ગયો હોત અને જે લોકોને ત્યાર પછી કિતાબ આપવામાં આવી, તેઓ પણ તેના વિશે વ્યાકુળતાભરી શંકામાં પડેલા છે.

(15) ૧૫) બસ ! તમે લોકોને આની જ તરફ બોલાવતા રહો અને જે કંઈ તમને કહેવામાં આવ્યું છે, તેના પર અડગ રહો અને તેમની મનેચ્છાઓનું અનુસરણ ન કરો અને કહી દો કે અલ્લાહ તઆલાએ જેટલી કિતાબો ઉતારી છે, હું તેના પર ઈમાન ધરાવું છું અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું તમારી વચ્ચે ન્યાય કરું, અમારો અને તમારા સૌનો પાલનહાર અલ્લાહ તઆલા જ છે, અમારા કાર્યો અમારા માટે અને તમારા કાર્યો તમારા માટે છે, આપણી વચ્ચે કોઇ ઝઘડો નથી, અલ્લાહ તઆલા આપણા (સૌને કયામતના દિવસે) ભેગા કરશે અને તેની જ તરફ પાછા ફરવાનું છે.

(16) ૧૬) અને જે લોકો સત્ય વાત જાણવા પછી અલ્લાહ તઆલાની વાતોમાં ઝઘડો અને તકરાર કરે છે, તેમનો વાદ-વિવાદ અલ્લાહની નજીક વ્યર્થ છે અને તેમના ઉપર અલ્લાહનો ગુસ્સો છે, અને તેમના માટે સખત અઝાબ છે.

(17) ૧૭) અલ્લાહ જ છે, જેણે સત્ય સાથે કિતાબ અને ત્રાજવા ઉતાર્યા અને તમને શું ખબર કદાચ કયામત નજીક જ હોય.

(18) ૧૮) જે લોકો તે (કયામત) પર ઈમાન નથી ધરાવતા તે લોકો તેના માટે ઉતાવળ કરી રહ્યા છે, અને જે લોકો તેના પર ઈમાન ધરાવે છે, તે તો તેનાથી ડરે છે, તેમને તેની સત્યતાનું જ્ઞાન છે, યાદ રાખો ! જે લોકો કયામત વિશે ઝઘડો કરી રહ્યા છે, તેઓ દૂરની ગુમરાહીમાં છે.

(19) ૧૯) અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર કૃપા કરવાવાળો છે, જેને ઇચ્છે છે વિશાળ રોજી આપે છે અને તે ખૂબ શક્તિશાળી, પ્રભુત્વશાળી છે.

(20) ૨૦) જેની ઇચ્છા આખિરતની ખેતીની હોય, અમે તેની ખેતીમાં વધારો કરીશું અને જે દુનિયાની ખેતીની ઇચ્છા રાખતો હોય અમે તેને તેમાંથી થોડુંક આપી દઇશું, આવા વ્યક્તિનો આખિરતમાં કોઇ ભાગ નહિ હોય.

(21) ૨૧) શું તે લોકોએ એવા (અલ્લાહના) ભાગીદાર (ઠેરવ્યા) છે, જેમણે તેમના માટે દીનનો એવો તરીકો નક્કી કરી દીધો છે, જેની પરવાનગી અલ્લાહએ નથી આપી, જો ફેંસલાના દિવસનું વચન ન આપ્યું હોત તો (હમણા જ) તે લોકો વચ્ચે નિર્ણય કરી દેવામાં આવતો. નિ:શંક જાલિમ લોકો માટે દુ:ખદાયી અઝાબ છે.

(22) ૨૨) (તે દિવસે) તમે જોશો કે જાલિમ લોકો પોતાના કર્મોથી ડરતા હશે, પરતું તે (અઝાબ) તેમને મળીને જ રહેશે, અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તે જન્નતોના બગીચાઓમાં હશે અને તેઓ જે ઇચ્છા કરશે, પોતાના પાલનહાર પાસેથી મેળવશે, આ જ ભવ્ય કૃપા છે.

(23) ૨૩) આ જ તે કૃપા છે, જેની ખુશખબરી અલ્લાહ તઆલા પોતાના તે બંદાઓને આપી રહ્યો છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, (હે પયગંબર) કાફિરોને કહી દો કે હું આના માટે તમારી પાસે કોઇ વળતર નથી માંગતો, પરંતુ તમારો પ્રેમ જરૂર ઇચ્છું છું, જે વ્યક્તિ કોઇ સત્કાર્ય કરે, અમે તેના બદલામાં વધારો કરી દઇશું, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ક્ષમાશીલ તથા કદરદાન છે.

(24) ૨૪) શું આ લોકો કહે એમ છે કે (પયગંબર) અલ્લાહ વિશે જૂઠ્ઠું બોલે છે, જો અલ્લાહ તઆલા ઇચ્છે, તો તમારા હૃદયો પર મહોર લગાવી દેતો અને અલ્લાહ તઆલા પોતાની વાતોથી જૂઠને નષ્ટ કરી દે છે અને સત્યતાને સાબિત કરે છે, તે હૃદયોની વાતોને જાણે છે.

(25) ૨૫) તે જ છે, જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને (તેમની ગુનાહોથી) દરગુજર કરે છે અને જે કંઈ તમે કરી રહ્યા છો, (બધું) જાણે છે.

(26) ૨૬) ઈમાનવાળાઓ અને સદાચારી લોકોની દુઆ સાંભળે છે અને તેમને પોતાની કૃપાથી વધારે આપે છે અને કાફિરો માટે સખત અઝાબ છે.

(27) ૨૭) જો અલ્લાહ તઆલા પોતાના બંદાઓની રોજીમાં વધારો કરતો, તો તેઓ ધરતીમાં વિદ્રોહ કરવા લાગતાં, પરંતુ તે એક પ્રમાણ મુજબ, જે કંઈ ઇચ્છે છે, તે રોજી આપે છે, તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જૂએ છે.

(28) ૨૮) અને તે જ છે, જે લોકો માટે નિરાશ થઇ ગયા પછી વરસાદ વરસાવે છે અને પોતાની કૃપા ફેલાવી દે છે, તે જ કારસાજ છે અને પ્રશંસાને લાયક છે.

(29) ૨૯) અને આકાશો અને ધરતીનું સર્જન તેની નિશાનીઓ માંથી છે અને તેમાં સજીવોનું ફેલાઇ જવું પણ એક નિશાની છે, તે જ્યારે ઇચ્છે, તે સૌને ભેગા કરવાની પણ શક્તિ ધરાવે છે.

(30) ૩૦) તમારા પર જે કંઈ મુસીબત આવે છે, તે તમે કરેલા કર્મોનો બદલો છે અને તે ઘણી વાતોને દરગુજર કરે છે.

(31) ૩૧) અને તમે અમને ધરતીમાં હરાવી નથી શકતા,(કે તમને સજા ન આપી શકીએ) તમારા માટે અલ્લાહ સિવાય ન તો કોઇ કારસાજ છે અને ન તો કોઇ મદદ કરનાર.

(32) ૩૨) અને દરિયામાં ચાલતા પર્વતો જેવા જહાજો તેની નિશાનીઓ માંથી છે.

(33) ૩૩) જો તે ઇચ્છે તો હવા રોકી લે અને આ જહાજો દરિયામાં જ રોકાઇ જાય, નિ:શંક આમાં દરેક ધીરજ રાખનાર, આભારી વ્યક્તિ માટે નિશાનીઓ છે.

(34) ૩૪) અથવા તેમને તેમના કર્મોના કારણે નષ્ટ કરી દે, તે તો ઘણા અપરાધને દરગુજર કરે છે.

(35) ૩૫) અને જે લોકો અમારી નિશાનીઓ બાબતે ઝઘડો કરે છે, તેઓ જાણી લે કે તેમના માટે કોઇ છુટકારો નથી.

(36) ૩૬) તમને જે કંઈ આપવામાં આવ્યું છે, તે દુનિયાના જીવનનો થોડોક સામાન છે અને અલ્લાહ પાસે જે કંઈ છે, તે આના કરતા શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળું છે, તે તેમના માટે છે, જે ઈમાન લાવ્યા અને ફક્ત પોતાના પાલનહાર પર જ ભરોસો કરે છે.

(37) ૩૭) અને જે લોકો મોટા ગુનાહ અને અશ્લીલ કાર્યોથી બચે છે અને ગુસ્સાના સમયે માફ કરી દે છે,

(38) ૩૮) અને જે લોકો પોતાના પાલનહારના આદેશોને માને છે અને નમાઝ કાયમ પઢે છે અને તેમનું (દરેક) કાર્ય એક-બીજાના સલાહ-સૂચનથી નક્કી થાય છે અને જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી દાન કરે છે.

(39) ૩૯) અને જ્યારે તેમના પર અત્યાચાર થાય છે તો તેઓ બદલો લઇ લે છે.

(40) ૪૦) અને બુરાઇનો બદલો તેની માફક જ બુરાઇ છે અને જે માફ કરી દે અને સુધારો કરી લે, તેનો બદલો અલ્લાહના શિરે છે, (ખરેખર) અલ્લાહ તઆલા જાલિમ લોકોને પસંદ નથી કરતો.

(41) ૪૧) અને જે વ્યક્તિ પોતાના પર જુલમ થયા પછી (પૂરેપૂરો) બદલો લઇ લે, તો આવા લોકો માટે (આરોપનો) કોઇ માર્ગ નથી.

(42) ૪૨) આરોપ તે લોકો પર છે, જેઓ બીજા પર અત્યાચાર કરે છે અને ધરતીમાં વિદ્રોહ ફેલાવતા રહે છે, આ તે લોકો છે, જેમના માટે દુ:ખદાયી અઝાબ છે.

(43) ૪૩) અને જે વ્યક્તિ ધીરજ રાખે અને માફ કરી દે, નિ:શંક આ મોટી હિંમતભર્યું કામ છે.

(44) ૪૪) અને જેને અલ્લાહ તઆલા ગુમરાહ કરી દે, ત્યાર પછી તેના માટે કોઈ કારસાજ નથી, અને તમે જાલિમ લોકોને જોશો કે જ્યારે તેઓ અઝાબ જોઈ લેશે તો કહેશે કે શું પાછા ફરવાનો કોઇ માર્ગ છે ?

(45) ૪૫) અને તમે તેમને જોશો કે તેઓ (જહન્નમ) સામે લાવવામાં આવશે, અપમાનિત થઇ ઝૂકી પડેલા હશે અને ત્રાંસી આંખો વડે જોઇ રહ્યા હશે, ઈમાનવાળાઓ સ્પષ્ટ કહી દેશે કે ખરેખર નુકસાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે કયામતના દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો ! કે ખરેખર જાલિમ લોકો હંમેશાના અઝાબમાં રહેશે.

(46) ૪૬) તેમની મદદ કરવાવાળા કોઇ નહીં હોય, જેઓ અલ્લાહની વિરુદ્ધ તેમની મદદ કરી શકે અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેના માટે (છુટકારા માટે) કોઇ માર્ગ નથી.

(47) ૪૭) તે દિવસ આવી જાય એ પેહલા પોતાના પાલનહારનો આદેશ માની લો, જેનું ટળી જવું અશક્ય છે, તે દિવસે તમને ન તો કોઇ શરણ માટે જગ્યા મળશે અને ન તો નારાજગી પણ જાહેર નહિ કરી શકો.

(48) ૪૮) (હે પયગંબર) જો આ લોકો મોઢું ફેરવી લે, તો અમે તમને તે લોકોના નિરીક્ષક બનાવીને નથી મોકલ્યા, તમારી જવાબદારી તો ફક્ત આદેશ પહોંચાડી દેવાની છે, અમે જ્યારે પણ મનુષ્યને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ, તો તે તેના પર ઇતરાવા લાગે છે અને જો તેમના પર તેમના કાર્યોના કારણે કોઇ મુસીબત પહોંચે છે, તો ખરેખર મનુષ્ય ઘણો જ કૃતધ્ની છે.

(49) ૪૯) આકાશો અને ધરતીનું સામ્રાજ્ય અલ્લાહનું જ છે, તે જે ઇચ્છે છે, સર્જન કરે છે, જેને ઇચ્છે તેને બાળકીઓ આપે છે અને જેને ઇચ્છે તેને બાળકો આપે છે.

(50) ૫૦) અથવા બાળકો પણ અને બાળકીઓ બન્ને આપે છે, અને જેને ઇચ્છે, તેને વાંઝિયાં બનાવી દે છે, તે ખૂબ જ જ્ઞાનવાળો અને સંપૂર્ણ કુદરતવાળો છે.

(51) ૫૧) કોઇ મનુષ્ય માટે શક્ય નથી કે તેની સાથે અલ્લાહ તઆલા કલામ કરે, સિવાય વહી દ્વારા, અથવા પરદાની પાછળથી થઇ શકે છે, અથવા કોઇ ફરિશ્તાને મોકલે છે અને તે અલ્લાહના આદેશથી, જે તે (અલ્લાહ) ઇચ્છે વહી કરી શકે છે, નિ:શંક તે સર્વોચ્ચ છે, હિકમતવાળો છે.

(52) ૫૨) અને આવી જ રીતે અમે તમારી તરફ પોતાના આદેશથી એક રૂહ(કુરઆન)ની વહી કરી છે અને તમે આ પહેલા તે પણ નહતા જાણતા કે કિતાબ અને ઈમાન શું છે, પરંતુ અમે આ રૂહને એક નૂર બનાવ્યું, તેના દ્વારા પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છીએ, સત્ય માર્ગ બતાવીએ છીએ, નિ:શંક તમે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યા છો.

(53) ૫૩) તે અલ્લાહના માર્ગ તરફ, જેની માલિકી હેઠળ આકાશો અને ધરતીની દરેક વસ્તુ છે, યાદ રાખો ! દરેક કાર્ય અલ્લાહ તઆલા તરફ જ પાછા ફરે છે.