(1) ૧) પવિત્ર છે તે ઝાત (અલ્લાહ તઅલા), જેણે એક રાત્રિમાં પોતાના બંદાને મસ્જિદે હરામથી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે અમારા બંદાને અમારી (કુદરતની) કેટલીક નિશાનીઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળવાવાળો અને જોવાવાળો છે.
(2) ૨) અમે મૂસાને કિતાબ આપી અને તેને બની ઇસ્રાઇલ માટે હિદાયત માટેનું કારણ બનાવી દીધું, (અને તેમાં તે લોકોને આદેશ આપવામાં આવ્યો) કે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો.
(3) ૩) આ બની ઇસ્રાઈલ તે લોકોનાં સંતાન હતા, જેમને અમે નૂહ સાથે હોડીમાં સવાર કર્યા હતા, ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો.
(4) ૪) આ કિતાબમાં અમે બની ઇસ્રાઇલના લોકોને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે તમે ધરતી પર ફરી વાર વિદ્રોહ કરશો અને તમે ખૂબ જ અતિરેક કરશો.
(5) ૫) પછી જ્યારે અમારું પ્રથમ વચન સાબિત થયું તો હે બની ઇસ્રાઈ લ ! અમે તમારી વિરુદ્ધ અમારા બહાદુર યોદ્વા લાવી દીધા, જે તમારા શહેરોમાં ઘૂસીને (દૂર સુધી ફેલાય) ગયા, આ (અલ્લાહ)નું વચન હતું, જે પૂરું થવાનું જ હતું.
(6) ૬) પછી અમે તેમના પર તમને વિજય અપાવ્યો અને તરત જ ધન અને સંતાન દ્વારા તમારી મદદ કરી અને તમારું ખૂબ જ મોટું જૂથ બનાવી દીધું.
(7) ૭) (જો) તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (કે અત્યાચારી વિજયી) તમારા ચહેરા બગાડી નાખે અને મસ્જિદે (અક્સા)માં એ રીતે જ પ્રવેશ કરે જે રીતે પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો, અને જ્યાં જ્યાં પોતાનું બળ ચાલે તે જગ્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે.
(8) ૮) આશા છે કે તમારો પાલનહાર તમારા પર કૃપા કરે, હાં જો તમે પાછા વિદ્રોહ કરશો તો અમે પણ બીજી વખત આવું જ કરીશું. અને અમે આવા કાફિરો માટે જહન્નમને કેદખાનું બનાવી રાખી છે.
(9) ૯) નિ:શંક આ કુરઆન તે માર્ગ બતાવે છે, જે તદ્દન સાચો છે અને ઇમાનવાળાઓ તથા જે લોકો સત્કાર્ય કરે છે, તે વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ખૂબ જ મોટું વળતર છે.
(10) ૧૦) અને જે લોકો આખિરત પર ઇમાન નથી ધરાવતા તેમના માટે અમે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(11) ૧૧) અને માનવી બૂરાઈ માટે પણ આવી જ દુઆ કરે છે, જેવી રીતે ભલાઇની માગે છે, ખરેખર માનવી ખૂબ જ ઉતાવળીયો છે.
(12) ૧૨) (જુઓ) અમે રાત અને દિવસને પોતાની બે નિશાનીઓ બનાવી છે, રાતની નિશાનીને તો અમે અંધકારમય બનાવી દીધી છે અને દિવસની નિશાનીને પ્રકાશિત કરી દીધી છે, જેથી તમે પોતાના પાલનહારની કૃપા શોધી શકો અને એટલા માટે પણ કે મહિના અને વર્ષોની ગણતરી કરી શકો અને અમે દરેક વસ્તુનું વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે.
(13) ૧૩) દરેક વ્યક્તિનો અમલ અમે તેના ગળામાં લટકાવી દીધો છે, જેને અમે કયામતના દિવસે કિતાબની સ્થિતિમાં કાઢીશું, જેને તે આ કિતાબને પોતાના માટે સ્પષ્ટ જોઇ લેશે.
(14) ૧૪) (અમે તેને કહીશું) લે, પોતે જ પોતાની કિતાબ વાંચી લે, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ લેવા માટે પૂરતો છે.
(15) ૧૫) જે વ્યક્તિ હિદાયત કબૂલ કરશે તો તે પોતાના જ ફાયદા માટે છે, અને જે ગુમરાહ થશે, તો તેનો ભાર તેના પર જ છે, અને કોઈ ગુનાહનો ભાર ઉઠાવનાર બીજાનો ભાર નહીં ઉઠાવે અને અમે ત્યાં સુધી અઝાબ નથી આપતા જ્યાં સુધી અમે અમારા પયગંબરને મોકલી ન દેતા.
(16) ૧૬) અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે ત્યાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર અઝાબની વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને સંપૂર્ણ નષ્ટ કરી દઇએ છીએ.
(17) ૧૭) નૂહ પછી અમે ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને તમારો પાલનહાર પોતાના બંદાઓના ગુનાહોને ખૂબ જ સારી રીતે જાણવાવાળો છે અને જોવા માટે પુરતો છે.
(18) ૧૮) જેની ઇચ્છા ફક્ત આ ઝડપથી પ્રાપ્ત થનારી દુનિયાની જ હોય તો અમે તેને આ દુનિયામાં જ જેટલું ઇચ્છીએ પૂરેપૂરું આપીએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઇએ છીએ, જ્યાં તે ધૃત્કારેલ બનીને પ્રવેશ પામશે.
(19) ૧૯) અને જેની ઇચ્છા આખિરત પ્રાપ્ત કરવાની હોય અને જેવો પ્રયત્ન તેના માટે કરવો જોઇએ તે પણ કરે છે અને તે મોમિન પણ હોય, તો આવા લોકોના પ્રયત્નોને સન્માન આપવામાં આવશે.
(20) ૨૦) અમે દરેકને અમારી કૃપા માંથી (રોજી) આપીએ છીએ, આ લોકોને પણ અને તેમને પણ, તમારા પાલનહારની કૃપા કોઈના માટે બંધ નથી.
(21) ૨૧) જોઇ લો, અમે કેવી રીતે એકબીજા પર પ્રાથમિકતા આપી છે અને આખિરતમાં (બીજા પ્રકારના લોકો અર્થાત આખિરતનો ઈરાદો કરનાર) તેમના હોદ્દા વધારે ઉત્તમ હશે અને પ્રભુત્વ માટે પણ ખૂબ જ ઉત્તમ છે.a
(22) ૨૨) અલ્લાહની સાથે બીજા કોઈને ઇલાહ ન બનાવશો નહીં તો લાચાર અને નિરાશ બની બેસી રહેશો.
(23) ૨૩) અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો.
(24) ૨૪) અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું.
(25) ૨૫) અને જે કંઈ પણ તમારા દિલમાં છે તેને તમારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, જો તમે સદાચારી લોકો માંથી હોવ તો તે ઝૂકવાવાળાને માફ કરવાવાળો છે.
(26) ૨૬) અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો.
(27) ૨૭) ખોટા ખર્ચ કરનાર શેતાનના ભાઇ છે અને શેતાન પોતાના પાલનહારનો ઘણો જ કૃતઘ્નિ છે.
(28) ૨૮) અને જો તમને તે (સગા સંબંધી, લાચારો અને મુસાફરો)થી મોઢું ફેરવવું પડે, કે (હમણા તમારી પાસે એમને આપવા માટે કઇ જ નથી પરંતુ) તમે પોતાના પાલનહારની આ કૃપાની આશા જરૂર રાખો છો, તો પણ તમે સારી રીતે અને નમ્રતા પૂર્વક તેઓને સમજાવી દો.
(29) ૨૯) પોતાનો હાથ પોતાના ગળા સાથે બાંધેલો ન રાખ અને ન તો તેને તદ્દન ખોલી નાખ, નહિ તો પોતે જ ઠપકાનું કારણ કંગાળ બની જશો.
(30) ૩૦) નિ:શંક તમારો પાલનહાર જેના માટે ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે, તેની રોજી તંગ કરી દે છે, નિ:શંક તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જુએ છે.
(31) ૩૧) અને લાચારીના ભયથી પોતાના સંતાનને મારી ન નાખો, તેમને પણ અને તમને પણ અમે જ રોજી આપીએ છીએ, નિ:શંક તેમને કતલ કરવું ખૂબ જ મોટો ગુનોહ છે.
(32) ૩૨) ખબરદાર ! અશ્લીલતાની નજીક પણ ન જશો, કારણકે તે સ્પષ્ટ નિર્લજ્જ્તા છે અને ખૂબ જ ખોટો માર્ગ છે.
(33) ૩૩) અને કોઈ એવા વ્યક્તિને કતલ ન કરો, જેનું કતલ કરવાને અલ્લાહએ હરામ ઠેરવ્યું છે, જો કે સાચા તરીકા પર (કતલ કરી શકો છો) અને જો કોઈ વ્યક્તિને કારણ વગર જ કતલ કરવામાં આવે તો અમે તેમના સગા સબંધીનો અધિકાર આપ્યો છે, તેણે કતલ કરવામાં અતિરેક ના કરવો જોઈએ, ખરેખર તેની મદદ કરવામાં આવશે.
(34) ૩૪) અને અનાથના ધનની નજીક પણ ન જાઓ, સિવાય ઉત્તમ રીતે, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને વચનો પૂરા કરો, કારણકે વચનો વિશે પૂછપરછ કરવામાં આવશે.
(35) ૩૫) અને જ્યારે તોલો તો પૂરેપૂરું તોલીને આપો, અને સીધા ત્રાજવાથી તોલો, આ જ ઉત્તમ તરીકો છે અને પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ ઉત્તમ છે.
(36) ૩૬) જે વાતની તમને ખબર પણ ન હોય તેની પાછળ ન પડી જશો, કારણ કે કાન, આંખ અને દિલ દરેકની પૂછતાછ કરવામાં આવશે.
(37) ૩૭) અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, કારણકે ન તો તું ધરતીને ફાડી શકે છે અને ન તો લંબાઇમાં પર્વતો સુધી પહોંચી શકે છે.
(38) ૩૮) આ બધાં કાર્યો એવા છે, જે તમારા પાલનહારને ખૂબ જ નાપસંદ છે.
(39) ૩૯) આ બધી હિકમતની વાતો છે, જે તમારા પાલનહારે તમારી તરફ વહી કરી છે, અને (હે માનવી) ! અલ્લાહ સાથે બીજા કોઈને ઇલાહ ન બનાવશો, ક્યાંક નિંદાના ભોગી બની અને હાંકી કાઢી જહન્નમમાં નાખી દેવામાં આવશો.
(40) ૪૦) શું તમારા પાલનહારે પુત્રો માટે તો તમને પસંદ કરી લીધા છે અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી દીધી છે ? કેટલી મોટી (ગુનાહની) ની વાત છે, જે તમે કહી રહ્યા છો.
(41) ૪૧) અમે તો આ કુરઆનમાં (સત્યતાને) અલગ અલગ રીતે વર્ણન કરી દીધી છે, જેથી લોકો સમજી જાય, પરંતુ તેનાથી તે લોકોમાં નફરત જ વધતી ગઈ.
(42) ૪૨) તમે તેમને કહી દો કે જો અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ હોત, જેવું કે આ મુશરિક લોકો કહે છે, તો જરૂર અત્યાર સુધી અર્શના માલિક સુધીનો માર્ગ શોધી કાઢતા.
(43) ૪૩) તે ઘણો જ પવિત્ર છે, અને તે વાતોથી ખૂબ જ ઉચ્ચ છે, જે કંઈ આ લોકો કરી રહ્યા છે.
(44) ૪૪) સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે, તેના જ નામની તસ્બીહ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી, જે તેના વખાણ સાથે તેની તસ્બીહ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમની તસ્બીહ સમજી શકતા નથી, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે.
(45) ૪૫) અને તમે જ્યારે કુરઆન પઢો છો, અમે તમારી અને તે લોકોની વચ્ચે એક છૂપો પરદો નાખી દઇએ છીએ, જે આખિરત પર ઈમાન નથી ધરાવતા.
(46) ૪૬) અમે તેમના દિલો ઉપર પરદા નાંખી દીધા છે કે તેઓ આ (કુરઆનને) સમજી જ નથી શકતા અને તેમના કાનમાં બોજ છે અને જ્યારે તમે ફકત એક અલ્લાહના જ નામનું ઝિકર કરો છો, તો તે લોકો નફરત સાથે પીઠ ફેરવી પાછા ફરી જાય છે.
(47) ૪૭) અમે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તમારી તરફ કાન લગાવે છે તો કઈ વસ્તુ તરફ લગાવે છે, અને તેઓ જે ગુપચુપ કરી રહ્યા છે તેને પણ સારી રીતે જાને છે , જ્યારે આ જાલિમ લોકો કહે છે કે તમે તેનું અનુસરણ કરી રહ્યા છો જેની ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે.
(48) ૪૮) જુઓ તો ખરા, તે તમારા માટે કેવા કેવા ઉદાહરણ વર્ણન કરી રહ્યો છે. તે લોકો એવા ભટકી ગયા છે કે હવે તેઓ સત્યમાર્ગ પામી શકતા નથી.
(49) ૪૯) તે લોકોએ કહે છે કે કે જ્યારે અમે હાડકાંઓ અને કણ કણ થઇ જઇશું તો શું અમારું સર્જન ફરીથી કરવામાં આવશે ?
(50) ૫૦) તમે તેમને કહી દો, કે તમે પથ્થર બની જાવો અથવા લોખંડ.
(51) ૫૧) અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, (બની જાઓ તો પણ અલ્લાહ ફરી વખત જીવિત કરી દેશે) પછી તે લોકો એમ પૂછે, કે અમને બીજી વાર કોણ જીવિત કરશે? તમે જવાબ આપી દો કે તે જ પેદા કરશે, જેણે તમને પ્રથમ વખત પેદા કર્યા, પછી તેઓ તમારી સમક્ષ માથું હલાવીને પૂછશે કે સારું તો આવું ક્યારે થશે ? તમે જવાબ આપી દો કે કદાચ તે સમય નજીક જ હોય.
(52) ૫૨) જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (દુનિયામાં) ખૂબ જ ઓછા રોકાયા.
(53) ૫૩) તમે મારા બંદાઓને કહી દો કે તે જ વાત ઝબાનથી કાઢે જે સારી હોય, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો દુશ્મન છે.
(54) ૫૪) તમારો પાલનહાર તમારી સ્થિતિ ખૂબ સારી રીતે જાણે છે, તે ઇચ્છે તો તમારા પર દયા કરે અથવા ઇચ્છે તો તમને અઝાબ આપે, (હે નબી !) અમે તમને તેઓના વકીલ બનાવી નથી મોકલ્યા.
(55) ૫૫) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો પાલનહાર તે બધું જ ખૂબ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને અમે ઝબુર આપી.
(56) ૫૬) તમે તેમને કહી દો કે તેમને પોકારો, જેમને તમે અલ્લાહ સિવાય મઅબૂદ સમજો છો , ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.
(57) ૫૭) જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોઈ તેની નિકટતા પ્રાપ્ત કરી લે, તે પોતે અલ્લાહની દયાની આશા રાખે છે અને તેના અઝાબથી ભયભીત રહે છે. ખરેખર તમારા પાલનહારનો અઝાબ એવી વસ્તુ છે, જેનાથી ડરવું જોઈએ.
(58) ૫૮) જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે.
(59) ૫૯) જે વાત અમને મુઅજિઝા મોકલવાથી રોકે છે તે વાત એ છે કે પહેલાના લોકો તેને જુઠલાવી ચૂક્યા છે, અમે ષમૂદના લોકોને મુઅજિઝા રૂપે ઊંટડી આપી હતી, પરંતુ તે લોકોએ તેના પર જુલ્મ કર્યો હતો , અમે તો લોકોને ડરાવવા માટે જ મુઅજિઝા મોકલીએ છીએ.
(60) ૬૦) અને જ્યારે અમે તમને કહ્યું હતું કે તમારા પાલનહારે લોકોને ઘેરાવમાં લઇ લીધા છે, અને જે દ્રશ્ય (મેઅરાજનો કિસ્સો) અમે તમને નરી આંખે બતાવ્યો અને એવી જ રીતે, તે વૃક્ષ પણ, જેના પર કુરઆનમાં લઅનત કરવામાં આવી છે, તે લોકો માટે સ્પષ્ટ કસોટી હતી, અમે તે લોકોને ડરાવી રહ્યા છીએ, પરંતુ ચેતવણી તેમના વિદ્રોહ વધારો જ કરતી જાય છે.
(61) ૬૧) અને (યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું હતું કે આદમને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો, તેણે કહ્યું કે શું હું તેને સિજદો કરું જેને તેં માટીથી બનાવ્યો છે?
(62) ૬૨) પછી કહેવા લાગ્યો, સારું આ છે તે માનવી? જેને તે મારા પર પ્રભુત્વ આપ્યું છે ,પરંતુ જો તેં મને પણ કયામત સુધી ઢીલ આપી તો હું તેના સંતાનને થોડાંક લોકો સિવાય, (ઘણા લોકોને) પોતાના વશમાં કરી દઇશ.
(63) ૬૩) અલ્લાહ તઆલાએ કહ્યું, જા (તને મહેતલ આપવામાં આવી) તે લોકો માંથી જેઓ પણ તારું અનુસરણ કરવા લાગશે તો તમારા સૌની સજા જહન્નમ છે, જે પૂરેપૂરો બદલો છે.
(64) ૬૪) તે લોકો માંથી તું જે લોકોને પણ પોતાના અવાજ વડે પથભ્રષ્ટ કરી શકે કરી લે અને તેમના પર પોતાના સવાર અને મદદ કરનારાઓને ચઢાવી દે અને તેમનું ધન અને સંતાન માંથી પોતાનો પણ ભાગ ઠેરાવ અને તે લોકોને (જુઠ્ઠા) વચનો આપ, તે લોકોને જેટલા વચનો શેતાન આપે છે, સ્પષ્ટ ધોકો છે.
(65) ૬૫) મારા સાચા બંદાઓ પર તારો કોઈ વશ નહીં ચાલે, તારો પાલનહાર પૂરતો વ્યવસ્થાપક છે.
(66) ૬૬) તમારો પાલનહાર તે છે, જે તમારા માટે દરિયામાં જહાજો ચલાવે છે, જેથી તમે તેની કૃપા શોધો, તે તમારા પર ખૂબ જ દયા કરવાવાળો છે.
(67) ૬૭) અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય થઇ જાય છે, ફકત તે અલ્લાહ જ બાકી રહી જાય છે. પછી જ્યારે તે તમને બચાવી કિનારા પર લઈ આવે છે તો તમે મોઢું ફેરવી લો છો. અને માનવી ખૂબ જ કૃતઘ્નિ છે.
(68) ૬૮) તો શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે તમને કિનારા તરફ (લાવી ધરતી)માં ધસાવી દે, અથવા તમારા પર પથ્થરોનું વાવાઝોડું મોકલી દે, પછી તમે પોતાના માટે કોઈને પણ નિરીક્ષક નહીં જુઓ?
(69) ૬૯) શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે અલ્લાહ તઆલા ફરી તમને બીજી વખત દરિયાની મુસાફરી કરાવે અને તમારા પર સખત હવા મોકલે અને તમારા કુફરના કારણે તમને ડુબાડી દે, પછી તમને કોઈ નહિ મળે, જે આ વિશે અમારો પીછો કરી શકે.
(70) ૭૦) નિ:શંક અમે આદમના સંતાનને ખૂબ જ ઇજજત આપી અને તેમને ધરતી અને દરિયાના વાહનો પણ આપ્યા, અને તેમને પવિત્ર વસ્તુઓની રોજી આપી અને અમારા કેટલાય સર્જન પર તેમને પ્રાથમિકતા આપી.
(71) ૭૧) જે દિવસે અમે દરેક જૂથને તેમના સરદારો સાથે બોલાવીશું, પછી જેમનું પણ કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવ્યું તે તો ખુશીથી પોતાનું કર્મપત્ર વાંચવા લાગશે અને દોરા બરાબર પણ જુલ્મ કરવામાં નહીં આવે.
(72) ૭૨) અને જે પણ આ દુનિયામાં આંધળો બનીને રહ્યો, તે આખિરતમાં પણ આંધળો અને માર્ગથી ખૂબ જ ભટકેલો હશે.
(73) ૭૩) અમે તમારી તરફ હે વહી ઉતારી છે, નજીક જ હતું કે આ કાફિર તમને તેનાથી પથભ્રષ્ટ કરી દે, કે તમે તેના સિવાય બીજું જ અમારા નામથી ઘડી કાઢો, આ સ્થિતિમાં તે લોકો તમને પોતાના મિત્ર બનાવી લેત.
(74) ૭૪) જો અમે તમને અડગ ન રાખતા તો ઘણું જ શક્ય હતું કે તમે તેમની તરફ થોડાંક ઝૂકી જતા.
(75) ૭૫) જો આવું થાત તો અમે તમને દુનિયામાં પણ બમણી સજા આપતા અને મૃત્યુ પછી પણ , પછી તમે તો પોતાના માટે અમારી વિરુદ્ધ કોઈને મદદ કરનાર પણ ન જોતા.
(76) ૭૬) આ લોકો તો તમારા ડગલા આ ધરતી પરથી ઉખાડી નાખવા માંગતા હતા કે તમને અહીંયાથી કાઢી મૂકે, આ સ્થિતિમાં પછી આ લોકો પણ તમાર થોડોક જ સમય રોકાઇ શકતા.
(77) ૭૭) અમે તમારા પહેલા જેટલા પણ રસૂલો મોકલ્યા, તેમના માટે પણ અમારો આ જ નિયમ હતો, અને અમારા નિયમોમાં તમે ફેરફાર નહિ જુઓ.
(78) ૭૮) નમાઝ પઢતા રહો, સૂર્યાસ્તથી લઇ રાત્રિના અંધકાર સુધી અને ફજરના સમયે કુરઆન પઢતા રહો, ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.
(79) ૭૯) રાત્રિના થોડાંક સમયે તહજ્જુદ(ની નમાઝ) પઢતા રહો, આ તમારા માટે વધારાની નમાઝ છે, નજીક માંજ તમારો પાલનહાર તમને "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશે.
(80) ૮૦) અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! મને જ્યાં પણ લઇ જા સચ્ચાઈ સાથે લઇ જા અને જ્યાંથી પણ કાઢે સચ્ચાઈ સાથે કાઢ અને મારા માટે તારી પાસેથી વિજય અને મદદ નક્કી કરી દે.
(81) ૮૧) અને જાહેર કરી દો કે સત્ય આવી ગયું અને અસત્ય નષ્ટ થઇ ગયું, નિ:શંક અસત્ય નષ્ટ થવાનું જ હતું.
(82) ૮૨) અને અમે કુરઆનમાં જે કઈ પણ ઉતારીએ છીએ તે તો મોમિનો માટે શિફા અને રહેમત છે, પરંતુ જાલિમ લોકોના નુકસાનમાં વધારો કરે છે.
(83) ૮૩) અને અમે માનવીને જ્યારે ઇનામ આપીએ છીએ તો તે મોઢું ફેરવી લે છે અને પડખું ફેરવી લે છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે નિરાશ થઇ જાય છે.
(84) ૮૪) તમે તેમને કહી દો કે દરેક વ્યક્તિ પોતાની રીતે કર્મ કરી રહ્યો છે, તમારો પાલનહાર જ ખૂબ સારી રીતે જાણે છે કે કોણ વધારે સાચા માર્ગ પર ચાલી રહ્યો છે.
(85) ૮૫) અને આ લોકો તમને “રૂહ” વિશે સવાલ કરે છે તમે જવાબ આપી દો કે, “રૂહ” મારા પાલનહારના આદેશથી છે અને તમને ખૂબ જ ઓછું જ્ઞાન આપવામાં આવ્યું છે.
(86) ૮૬) અને જે કઈ અમે આપની તરફ વહી કરી છે, જો અમે ઈચ્છીએ તો તેને લઇ લઈએ, પછી અમારી વિરુદ્ધ તમને કોઈ (એવો) મદદ કરનાર નહીં મળે (જે તેને પરત લાવી બતાવે).
(87) ૮૭) કદાચ તમારા પાલનહાર જ તમારા પર દયા કરે, નિ:શંક તમારા પર તેની ઘણી જ કૃપા છે.
(88) ૮૮) તમે તેમને કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો નથી લાવી શકતા, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય.
(89) ૮૯) અમે તો આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણો અલગ અલગ રીતે વર્ણન કર્યા છે, પરંતુ વધારે પડતા લોકોએ તેનો સ્વીકાર ના કર્યો, બસ કુફર જ કરતા રહ્યા.
(90) ૯૦) તે લોકોએ કહ્યું કે અમે તમારા પર ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે ધરતી માંથી કોઈ ઝરણું વહેતું ન કરી દો.
(91) ૯૧) અથવા તમારા માટે ખજૂર અને દ્રાક્ષનો બગીચો હોય અને તેની વચ્ચે તમે ઘણી નહેરો વહાવી બતાવો.
(92) ૯૨) અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરી પાડી દો, જેવું કે તમારો વિચાર છે અથવા તમે અલ્લાહ તઆલાને અને ફરિશ્તાઓને અમારી સમક્ષ ઊભા કરી બતાવો.
(93) ૯૩) અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર હોય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારા ચઢી જવાને ત્યાં સુધી નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ લઇને ન આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે તેમને જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે.
(94) ૯૪) લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી પણ તેમને ઇમાન લાવવાથી ફક્ત એ જ વાત રોકે છે કે શું અલ્લાહએ મનુષ્યને પયગંબર બનાવી મોકલ્યા છે ?
(95) ૯૫) તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા.
(96) ૯૬) તમે તેમને કહી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહની જ ગવાહી પુરતી છે. તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે જોવાવાળો છે.
(97) ૯૭) અલ્લાહ જેને હિદાયત આપે તો તે જ હિદાયત મેળવી શકે છે અને જેને તે માર્ગથી ગુમરાહ કરી દે, તો આવા લોકો માટે તમે અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર બીજા કોઈને નહિ જુઓ, અમે આવા લોકોને કયામતના દિવસે ઊંધા મોઢે આંધળા મૂંગા અને બહેરા કરી ઉઠાવીશું, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું.
(98) ૯૮) આ તેમની સજા હશે, કારણકે તે લોકોએ અમારી આયાતોનો ઇન્કાર કર્યો, અને કહ્યું કે શું અમે જ્યારે હાડકા અને કણ કણ થઇ જઇશું, પછી અમારું સર્જન નવી રીતે કરવામાં આવશે ?
(99) ૯૯) શું તે લોકોએ તે વાત વિશે વિચાર ન કર્યો કે જે અલ્લાહએ આકાશો અને ધરતીનું સર્જન કર્યું છે તે તેમના જેવાનું સર્જન કરવા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે. તેણે જ તેમના માટે એક એવો સમય નક્કી કરી રાખ્યો છે જેમાં કોઇ શંકા નથી, પરંતુ જાલિમ લોકો ઇન્કાર જ કરતા રહે છે.
(100) ૧૦૦) તમે તેમને કહી દો કે જો કદાચ તમે મારા પાલનહારના ખજાનાના માલિક હોત, તો તમે તે સમયે પણ ખર્ચ થઇ જવાના ભયથી તેને પોતાની પાસે જ રોકી રાખતા અને માનવી તંગ દીલનો છે.
(101) ૧૦૧) અમે મૂસાને નવ સ્પષ્ટ નિશાનીઓ આપી હતી, તમે પોતે જ બની ઇસ્રાઇલને પૂછી લો કે જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા તો ફિરઔને કહ્યું કે, હે મૂસા ! મારા મત મુજબ તો તારા પર જાદુ કરવામાં આવ્યું છે.
(102) ૧૦૨) મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન ! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ.
(103) ૧૦૩) ફિરઔને પાકો ઇરાદો કરી લીધો કે તે બની ઈસ્રાઈલને ધરતી માંથી ઉખાડી દે, છેવટે અમે ફિરઔનને અને તેના સાથીઓને જ ડુબાડી દીધા.
(104) ૧૦૪) ત્યાર પછી અમે બની ઇસ્રાઇલના કહી દીધું કે આ ધરતી પર તમે રહો, હાં જ્યારે આખિરતનું વચન આવશે તો અમે તમને સૌને ભેગા કરીને લઇ આવીશું.
(105) ૧૦૫) અને અમે આ કુરઆનને સત્ય સાથે ઉતાર્યું છે, સત્ય સાથે જ ઉતર્યું છે, અમે તમને ફક્ત ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા છે.
(106) ૧૦૬) કુરઆનને અમે થોડું થોડું કરીને એટલા માટે ઉતાર્યું છે કે તમે કુરઆનને સમયાંતરે લોકોને સંભળાવો અને અમે પોતે પણ આને સમયાંતરે ઉતાર્યું છે.
(107) ૧૦૭) તમે તેમને કહી દો તમે આના પર ઇમાન લાવો અથવા ન લાવો, જેમને પહેલાથી જ જ્ઞાન આપવામાં આવ્યું છે તેમની પાસે જ્યારે પણ કુરઆન પઢવામાં આવે છે તો તે ઘુંટણના બળે સિજદામાં પડી જાય છે.
(108) ૧૦૮) અને કહે છે કે અમારો પાલનહાર પવિત્ર છે અમારા પાલનહારનું વચન કોઈ શંકા વગર પૂરું થઇને જ રહેશે.
(109) ૧૦૯) તેઓ પોતાની દાઢીઓના ભાગ વડે રડતા રડતા સિજદામાં પડી જાય છે અને આ કુરઆન દ્વારા તેમની નમ્રતા ખૂબ વધી જાય છે.
(110) ૧૧૦) તમેં તેમને કહી દો કે અલ્લાહ (કહીને) પોકારો, અથવા રહમાન કહી, જે નામથી પણ પોકારો તેના દરેક નામ સારા જ છે, તમે પોતાની નમાઝ ન તો મોટા અવાજે પઢો અને ન તો તદ્દન ધીમે, પરંતુ મધ્યમ અવાજે પઢો.
(111) ૧૧૧) અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે ન તો કોઈને દીકરો બનાવ્યો છે અને ન પોતાના સામ્રાજ્યમાં કોઈને ભાગીદાર ઠેરવે છે અને ન તે અશક્ત છે કે જેથી તેને કોઈની મદદની જરૂર પડે અને તમે તેની ઉચ્ચતાનું વર્ણન ખૂબ જ કરતા રહો.