(1) ૧) સૉ-દ્, કુરઆનની કસમ, જે સંપૂર્ણ શિખામણ છે.
(2) ૨) જો કે આ કાફિર લોકો જ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે.
(3) ૩) અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, (અઝાબના સમયે) તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો.
(4) ૪) અને કાફિરો એ વાત પર આશ્વર્ય કરે છે કે તેમના માંથી જ એક ડરાવનાર તેમની પાસે આવ્યો છે અને તેઓકહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે.
(5) ૫) તેણે સૌ ઇલાહને એક જ ઇલાહ બનાવી દીધા. ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે.
(6) ૬) તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના ઇલાહ પર અડગ રહો. નિ:શંક આ વાત તો કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે.
(7) ૭) અમે તો આવી વાત પહેલાના સમયમાં નથી સાંભળી, બસ ! આતો ઘડી કાઢેલી વાતો છે.
(8) ૮) શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી ઉતારવામાં આવી ? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો અઝાબ ચાખ્યો જ નથી.
(9) ૯) અથવા શું તેમની પાસે તમારા પાલનહારની કૃપાના ખજાના છે, જે દરેક પર પ્રભુત્વશાળી અને સૌને આપનાર છે.
(10) ૧૦) અથવા શું આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓના માલિક છે? (જો વાત એવી હોય) તો તે લોકો દોરડું બાંધી ઉપર ચઢી જાય.
(11) ૧૧) (તેમની સત્યતા એ છે કે ) આ મોટા મોટા લશ્કરો સામે એક નાનકડું લશ્કર છે, જે અહિયા જ હારી જશે.
(12) ૧૨) તેમના પહેલા નૂહ, આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા.
(13) ૧૩) અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, (જુઠલાવી ચુક્યા છે) ખરેખર આ મોટા લશ્કરો હતા.
(14) ૧૪) તે સૌએ પયગંબરોને જુઠલાવ્યા, તો તેમના પર મારો આઝાબ નક્કી થઇ ગયો.
(15) ૧૫) તે લોકો બસ ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે.
(16) ૧૬) અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર ! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે.
(17) ૧૭) (હે પયગંબર) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા અને તે (અને અમારી તરફ) ખૂબ રજૂ થનારા હતા.
(18) ૧૮) અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેઓ સવાર-સાંજ તેમની સાથે અલ્લાહની તસ્બીહ કરતા હતા.
(19) ૧૯) અને પક્ષીઓ પણ ભેગા થઇ, દરેક તેમની સાથે મળી, અલ્લાહની તસ્બીહ કરતા હતા
(20) ૨૦) અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી.
(21) ૨૧) અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી ? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા.
(22) ૨૨) જ્યારે તેઓ દાઊદ પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો.
(23) ૨૩) (સાંભળો) ! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે.
(24) ૨૪) તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર કર્યો છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ સમજી ગયા કે (આ મુકદ્દમાં વડે) અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી.
(25) ૨૫) બસ ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે.
(26) ૨૬) હે દાઊદ ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો આ વાત તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત અઝાબ છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે.
(27) ૨૭) અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો કાફિરોનું છે, અને આવા કાફિરો માટે આગની ખરાબી છે.
(28) ૨૮) શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને ગુમરાહ લોકો જેવા કરી દઇશું ?
(29) ૨૯) આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે.
(30) ૩૦) અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને (પોતાના પાલનહાર તરફ) ખૂબ જ ઝૂકવાવાળા હતા.
(31) ૩૧) જ્યારે તેમની પાસે સાંજના સમયે શ્રેષ્ઠ પ્રજાતિના ઘોડા લાવવામાં આવ્યા,
(32) ૩૨) તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો,
(33) ૩૩) (તેઓએ આદેશ આપ્યો કે ) તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી તેઓ તેમની પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા,
(34) ૩૪) અને અમે સુલૈમાન ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા .
(35) ૩૫) કહ્યું કે હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે.
(36) ૩૬) બસ ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી.
(37) ૩૭) અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારા અને ડુબકી લગાવનારા હતા.
(38) ૩૮) અને બીજા જિન્નાતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા.
(39) ૩૯) (અમને તેમને કહ્યું) આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી.
(40) ૪૦) તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે.
(41) ૪૧)અને અમારા બંદા ઐયૂબનું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે.
(42) ૪૨) (અમે તેમને કહ્યું) પોતાનો પગ (જમીન પર) માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે.
(43) ૪૩) અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે.
(44) ૪૪) અને (અમે તેમને કહ્યું) કે પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને કસમ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા.
(45) ૪૫) અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ ખૂબ અમલ કરનાર અને બુદ્ધિશાળી હતા.
(46) ૪૬) અમે તેમને એક ખાસ વાતના કારણે નિકટતા આપી હતી, તે આખિરતની યાદ હતી.
(47) ૪૭) આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા.
(48) ૪૮) ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લનું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા.
(49) ૪૯) આ તો તેમનું વર્ણન છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે.
(50) ૫૦) (એટલે) કે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા હશે.
(51) ૫૧) જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે.
(52) ૫૨) અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે.
(53) ૫૩) આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું.
(54) ૫૪) નિ:શંક આ અમારી રોજી છે, જે ક્યારેય સમાપ્ત નહિ થાય.
(55) ૫૫) આ તો (ડરવાવાળાઓનું) બદલો થયો, હવે વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે.
(56) ૫૬) જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે ?
(57) ૫૭) આ છે તેમનું પરિણામ, હવે ! તે સ્વાદ ચાખે, ગરમ પાણીનો અને પરૂંનો,
(58) ૫૮) તે સિવાય બીજા અલગ-અલગ પ્રકારનો અઝાબ
(59) ૫૯) (જુઓ) આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે,
(60) ૬૦) તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે.
(61) ૬૧) તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે.
(62) ૬૨) અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા.
(63) ૬૩) શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે ?
(64) ૬૪) આ વાત સાચી છે કે જહન્નમી લોકો અંદરો-અંદર આવી રીતે ઝઘડતા હશે.
(65) ૬૫) (હે પયગંબર) કહી દો ! કે, હું તો ફક્ત ડરાવનાર છું, અલ્લાહ સિવાય તમારો કોઈ ઇલાહ નથી.
(66) ૬૬) જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે.
(67) ૬૭) તમે તેમને કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે,
(68) ૬૮) જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો,
(69) ૬૯) મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા.
(70) ૭૦) મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે ડરાવનાર છું.
(71) ૭૧) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું,
(72) ૭૨) તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની (પેદા કરેલી) રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો,
(73) ૭૩) તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો,
(74) ૭૪) પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે કાફિરો માંથી બની ગયો.
(75) ૭૫) (અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે ?
(76) ૭૬) તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે,
(77) ૭૭) આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે,
(78) ૭૮) અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે.
(79) ૭૯) કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ.
(80) ૮૦) (અલ્લાહ તઆલાએ) કહ્યું, સારુ તને મહેતલ આપવામાં આવે છે.
(81) ૮૧) નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી,
(82) ૮૨) કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને ગુમરાહ કરીશ,
(83) ૮૩) તારા તે બંદાઓ સિવાય, જેમને તે વિશિષ્ટ કરી લીધા.
(84) ૮૪) કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું,
(85) ૮૫) કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
(86) ૮૬) તમે તેમનેકહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું.
(87) ૮૭) આ કુરઆન તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે.
(88) ૮૮) થોડાક જ સમય પછી તમને (પોતે જ) આ વાત (નીસત્યતા) ખબર પડી જશે.