65 - At-Talaaq ()

|

(1) ૧) હે પયગંબર ! જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપો તો તેમની ઇદ્દત (માસિકનો સમયગાળો પુરો થયા પછી) માં તલાક આપો અને ઇદ્દતના સમયને યાદ રાખો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો , જે તમારો પાલનહાર છે, (ઇદ્દ્તનાસ સમયમાં) તેમને તેમના ઘરો માંથી ન કાઢો અને ન તો તે (પોતે) નીકળે, હાં તે અલગ વાત છે કે તેણી કોઈ સ્પષ્ટ બુરાઇ કરી લે, આ અલ્લાહની નક્કી કરેલ હદ છે, અને જે વ્યક્તિ અલ્લાહની હદથી આગળ વધી જાય તો તેણે ખરેખર પોતાના ઉપર જુલમ કર્યો, તમે નથી જાણતા, કદાચ આ પછી અલ્લાહ તઆલા (મેળ-મેળાપ) ની કોઇ નવી વાત ઉભી કરી દે.

(2) ૨) બસ ! જ્યારે આ સ્ત્રીઓ પોતાની ઇદ્દતની નજીક પહોંચી જાય તો તેમને સારી રીતે પોતાના પાસે રાખો, અથવા તો સારી રીતે તેમને અલગ કરી દો અને એક-બીજા માંથી બે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો અને (હે સાક્ષીઓ) અલ્લાહને માટે સાચી સાક્ષી આપો. આ જ તે વાત છે, જેની શિખામણ તે વ્યક્તિને આપવામાં આવે છે, જે અલ્લાહ અને આખિરત દિવસ પર ઇમાન રાખતા હોય અને જે વ્યક્તિ અલ્લાહથી ડરતો હોય તો અલ્લાહ તેના માટે (પરેશાનીથી) છૂટકારા માટે કોઈ માર્ગ બનાવી દેશે.

(3) ૩) અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડશે, જેની તેને કલ્પના પણ ન હોય અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે તો અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કામ પુરુ કરીને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખ્યો છે.

(4) ૪) તમારી સ્ત્રીઓ માંથી, જે સ્ત્રીઓ માસિકથી નિરાશ થઇ ગઇ હોય, જો તમને (તેમની ઇદ્દત વિશે) કોઈ શંકા હોય તો તેમની ઇદ્દત ત્રણ મહીના છે અને તેમની પણ જેને માસિક આવવાનું શરૂ પણ ન થઇ હોય, અને ગર્ભવતી સ્ત્રીઓની ઇદ્દત તેમની પ્રસૂતિ થઇ જાય ત્યાં સુધી છે. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાથી ડરશે અલ્લાહ તેના (દરેક) કાર્ય સરળ બનાવી દેશે.

(5) ૫) આ અલ્લાહનો આદેશ છે, જે તેણે તમારી તરફ ઉતાર્યો છે અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેમની બુરાઈ દૂર કરી દેશે અને તેને ખુબ જ મોટો બદલો આપશે.

(6) ૬) તલાકવાળી સ્ત્રીઓને (તેમની ઇદ્દતના સમયે) ત્યાં રાખો જ્યાં તમે રહો છો, જે જગ્યા તમને અનુકુળ હોય, અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા માટે (બાળકને) તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો વળતર આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી (વળતર) નક્કી કરો અને જો તમે (વળતર નક્કી કરવામાં) એક-બીજાને તંગ કરશો તો કોઈ બીજી સ્ત્રી દૂધ પીવડાવશે.

(7) ૭) ખુશહાલ વ્યક્તિએ પોતાની તાકાત પ્રમાણે ખર્ચ આપવો જોઈએ, અને જેને ઓછી રોજી આપવામાં આવી હોય તો તે તે જ પ્રમાણે ખર્ચ આપશે, જેટલું અલ્લાહએ તેને આપ્યું છે, અલ્લાહ કોઈને એટલી જ તકલીફ પહોચાડે છે, જેટલી સહનશીલતા તેને આપી રાખી છે, નજીક માંજ અલ્લાહ તંગી પછી ખુશહાલી આપી દેશે.

(8) ૮) અને કેટલીક વસ્તીઓવાળાઓએ પોતાના પાલનહારના આદેશો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી, તો અમે પણ તેમનો સખત હિસાબ લીધો અને તેઓને સખત સજા આપી.

(9) ૯) બસ ! તેઓએ પોતાના કાર્યોની મજા ચાખી લીધી અને છેવટે તેમનું નુકસાન જ થયું.

(10) ૧૦) અલ્લાહ તઆલાએ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, બસ ! તમે અલ્લાહથી ડરતા રહો, હે સમજદાર ઇમાનવાળાઓ, નિ:શંક અલ્લાહએ તમારી તરફ ઝિકર (કુરઆન) ઉતાર્યું છે.

(11) ૧૧) એક એવો પયગંબર, જે તમને અલ્લાહની સ્પષ્ટ આયતો પઢી સંભળાવે છે, જેથી મોમિનોને અને જેઓ સદકાર્યો કરે છે, તેમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઇ આવે અને સદકાર્યો કરશે, અલ્લાહ તેમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, નિ:શંક અલ્લાહએ આવા વ્યક્તિ માટે ઉત્તમ રોજી તૈયાર કરી રાખી છે.

(12) ૧૨) અલ્લાહ તે છે, જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ પ્રમાણે ધરતી પણ. તેનો આદેશ બન્નેની વચ્ચે ઉતરે છે, જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને (પોતાના) જ્ઞાનમાં ઘેરી રાખી છે.