67 - Al-Mulk ()

|

(1) ૧) ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ), જેના હાથમાં સામ્રાજ્ય છે. અને જે દરેક વસ્તુઓ પર કુદરત ધરાવે છે.

(2) ૨) જેણે મૃત્યુ અને જીવન એટલા માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે પ્રભુત્વશાળી અને માફ કરવાવાળો છે.

(3) ૩) જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, તમે અલ્લાહ કૃપાળુના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુઓ, ફરીવાર આકાશ તરફ જુઓ, શું કોઇ તિરાડ પણ દેખાઇ છે?

(4) ૪) વારંવાર તેને જુઓ, તમારી નજર પોતાની તરફ અપમાનિત, થાકીને પાછી આવશે.

(5) ૫) નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ છે અને શૈતાનો માટે અમે (જહન્નમની આગ) તૈયાર કરી રાખી છે.

(6) ૬) અને જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના માટે જહન્નમનો અઝાબ છે, અને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે.

(7) ૭) જ્યારે તેઓ તેમાં નાખવામાં આવશે, તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે.

(8) ૮) એવું લાગશે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તો જહન્નમના રખેવાળો તેમને સવાલ કરશે કે શું તમારી પાસે ડરાવનાર કોઇ નહતા આવ્યા ?

(9) ૯) તે જવાબ આપશે કે કેમ નહી, ડરાવનાર અમારી પાસે આવ્યા હતા , પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે જ ખુબ સ્પષ્ટ ગુમરાહીમાં છો.

(10) ૧૦) અને કહેશે કે કાશ ! અમે (તેમની વાતો) સાંભળતા હોત અથવા તો સમજતા હોત તો જહન્નમીઓ માંથી ન હોત.

(11) ૧૧) બસ ! તે પોતાના ગુનાહ સ્વીકારી લેશે, હવે જહન્નમીઓ દૂર થઇ જાવ.

(12) ૧૨) નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિણદેખે ડરતા રહે છે તેમના માટે માફી અને ખૂબ જ મોટો સવાબ છે.

(13) ૧૩) તમે છુપી રીતે વાત કરો અથવા ઊચા અવાજે વાત કરો, તે તો દિલોના ભેદ પણ જાણે છે.

(14) ૧૪) શું તે જ ન જાણે, જેણે સૌનું સર્જન કર્યુ ? તે દરેક વસ્તુની ખબર રાખનાર છે.

(15) ૧૫) તે તો છે, જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી છે, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજી માંથી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ પાછું ફરવાનું છે.

(16) ૧૬) શું તમે એ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય.

(17) ૧૭) અથવા શું તમે આ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હોય છે?

(18) ૧૮) અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો (જોઈ લો) કે મારી પકડ કેવી સખત હતી?

(19) ૧૯) શું આ લોકો પોતાની ઉપર પંખીઓને નથી જોતા કે કઈ રીતે તે પોતાના પંખ ફેલાવે છે અને બંધ કરે છે, રહેમાન સિવાય કોઈ નથી, જે તેમને થામી રાખે છે, તે દરેક વસ્તુને જોઈ રહ્યો છે.

(20) ૨૦) તમારી પાસે તે કેવું લશ્કર છે, જે રહમાન વિરૂદ્વ તમારી મદદ કરશ, આ કાફિરો તો ધોકામાં પડેલા છે.

(21) ૨૧) જો તે (અલ્લાહ તઆલા) તમારી રોજી રોકી લે તો કોણ છે, જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને ગુમરાહીમાં પડેલા છે.

(22) ૨૨) તે વ્યક્તિ જે ઊંધા મોઢા ચાલી રહ્યો હોય તે વધુ સત્ય માર્ગ પર છે , અથવા તે, જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય ?

(23) ૨૩) કહી દો ! કે તે જ (અલ્લાહ) છે, જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો.

(24) ૨૪) કહી દો ! કે તે જ છે, જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને તેની તરફ તમને એકઠા કરવામાં આવશે.

(25) ૨૫) તેઓ સવાલ કરે છે કે જો તમે સાચા હોય, તો વચન ક્યારે પૂરું થશે?

(26) ૨૬) તમે તેમને કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.

(27) ૨૭) જ્યારે આ લોકો તે વચન (અઝાબ)ને નજીક જોઇ લેશે તો તે સમયે કાફિરોના ચહેરા બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેની તમે ઇચ્છા કરતા હતા.

(28) ૨૮) તમે કહી દો! જો મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે કાફિરોને દુ:ખદાયી અઝાબથી કોણ બચાવશે ?

(29) ૨૯) તમે કહી દો ! કે તે જ રહમાન છે, જેના પર અમે ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ છે ?

(30) ૩૦) તમે તેમને પૂછો કે જો તમારુ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે, જે તમારા માટે વહેતું પાણી લાવે શકે ?