(1) ૧) કસમ છે ,આકાશની અને રાતમાં આવનારની,
(2) ૨) તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે ?
(3) ૩) તે ચમકતો તારો છે.
(4) ૪) કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.
(5) ૫) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.
(6) ૬) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.
(7) ૭) જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.
(8) ૮) ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.
(9) ૯) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.
(10) ૧૦) માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.
(11) ૧૧) કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.
(12) ૧૨) અને ધરતીની જે ફાટી જાય છે.
(13) ૧૩) વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.
(14) ૧૪) આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.
(15) ૧૫) ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.
(16) ૧૬) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.
(17) ૧૭) બસ ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.